વ્યાપાર-વણજનું ગુજરાત હવે ઉત્પાદક ગુજરાત બન્યું છે – વડાપ્રધાન

ગાંધીનગર:વડાપ્રધાનએ જણાવ્યું છે કે, જનવિશ્વાસના પરિણામે ચાલું થયેલી વિકાસની ગતિ હવે રોકાવાની નથી. સમુહમાં એક અલગ શક્તિ હોય છે, એ એકત્ર થાય તો બધાનું ભલું થાય છે. અમદાવાદ ખાતે પ્રથમ વખત યોજાઇ રહેલા અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલનું ઉદ્દઘાટન કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આમ જણાવ્યું હતું.

ઉક્ત સંદર્ભમાં વડાપ્રધાન શ્રી મોદીએ ઉમેર્યું કે, અમદાવાદ શહેરમાં બદલાવ આવ્યો છે. માત્ર ગુજરી બજારમાંથી સસ્તી તથા સારી વસ્તુ ખરીદવાની પ્રકૃત્તિ ધરાવતા નગરજનો હવે આવા શોપિંગ ફેસ્ટીવલ તરફ વળ્યા છે. જ્યારે, નાના વેપારીઓ એક બની આવા પ્રકારના મેળા યોજે ત્યારે તેમનામાં એક વિશ્વાસ આવતો હોય છે, તેને નવું બજાર, પ્લેટફોર્મ મળે છે. તે વધારે સારી રીતે વેપારી પ્રવૃત્તિ કરી શકે છે. વળી, ખરીદવા માટે આવનાર મુલાકાતીને પણ સારી વસ્તું, વાજબી ભાવે ખરીદવાનો ઉત્સાહ રહે છે. આપણે ત્યા પરંપરાગત મેળા યોજાય છે. તેનો એક હેતુ આર્થિક પ્રવૃત્તિનો હતો.

મેળાઓમાં વેપારીઓ પોતાની હાટ ખોલે અને લોકો ખરીદે, એવી વ્યવસ્થા હતી. આ પરંપરાગત મેળાઓ અર્થતંત્રને ધબકતું રાખતા હતા. હવે, આ મેળાઓનું રૂપ બદલાયું છે. એના સ્થાને શોપિંગ ફેસ્ટિવલ આવ્યા છે. આ બદલાવ આવકારદાયક છે. આવા મેળાઓ વિદેશમાં જેમ નિયત સમયે યોજાય છે, એ જ પ્રકારે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ પણ વર્ષના કોઇ નિયત સમયે જ યોજાય તેવું તેમણે પ્રેરક સૂચન કર્યું હતું.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને આપવામાં આવેલી રાહતો અંગે વિસ્તૃત જાણકારી આપતા કહ્યું કે, તાજેતરમાં મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકે આવા ઉદ્યોગોને મોટી રાહત આપી છે. જીએસટીની નોંધણી માટે પહેલા જે રૂ. ૨૦ લાખની મર્યાદા હતી એ વધારીને હવે રૂ. ૪૦ લાખ કરવામાં આવી છે. એનાથી નાના વેપારીઓ અને ગૃહઉદ્યોગોને મોટી રાહત થશે. દેશની કૂલ નિકાસમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોનો હિસ્સો ૪૦ ટકા જેટલો છે. એટલે, સરકારે આવા ઉદ્યોગોને વધુ મહત્વ આપ્યું છે.

તેમણે ઉમેર્યું કે, અમે પર્યાવરણ, ઉદ્યોગનોંધણી સહિતની પ્રક્રિયા વધુ સરળ બનાવી છે. કોઇને પણ નોંધણી કે ઉદ્યોગ શરૂ કરવા માટે જુદી જુદી ઓફિસના ધક્કા ખાવા પડતા નથી. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ સાચા અર્થમાં અમલી બનાવ્યું છે. એના પરિણામે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ પહેલા જે ૧૪૨મો હતો તે હવે ૭૭મો ક્રમ થઇ ગયો છે. આ ઉપરાંત, સરકારે નિકાસકારોને પણ મોટી રાહતો આપી છે. જેમાં નિકાસકારોને પ્રિ અને પોસ્ટ શિપિંગમાં ક્રેડિટમાં રાહતો આપતા તેને કૂલ રૂ. ૬૦૦ કરોડનો લાભ થશે.

શ્રી મોદીએ ભારપૂર્વક કહ્યું કે, વૈશ્વિક બજાર નવા હિન્દુસ્તાનની રાહ જોઇ રહ્યું છે. જેનાથી નાના ઉદ્યોગકારોને લાભ થશે. ઉત્પાદકોએ વિદેશમાં ભારતની વધેલી શાખનો લાભ લેવો જોઇએ અને પોતાની વસ્તુનું સારી રીતે બ્રાંન્ડીંગ કરવું જોઇએ. તેમણે આ બાબતમાં રશિયાના અસ્ટ્રાખાનમાં ઓખા બ્રાંડથી વેચાતી વસ્તુઓનું ઉદાહરણ આપ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું કે, અસીમ અવસરોની ભૂમિ ગુજરાતમાં એક નવો ચેતનાત્મક ફેરફાર જોવા મળી રહ્યો છે અને વેપાર વણજ અને ધંધામાંથી ઉત્પાદનક્ષેત્રે ગુજરાત હરળફાળ ભરી રહ્યું છે.

તેમણે ગુજરાતની વિરાસત સમાન ખાદી પરિધાનને પ્રોત્સાહન મળે એ માટે સરકાર દ્વારા લેવાયેલા પગલાની વિગતો આપી અને કહ્યું કે આજે ખાદી દેશવિદેશમાં એક ફેશનનો હિસ્સો બની રહી છે.

નાના અને મધ્યમ ઉદ્યોગકારોને માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ઓનલાઇન પ્લેટફોર્મ ‘જેમ’ની જાણકારી આપતા શ્રી મોદીએ કહ્યું કે આવા ઉત્પાદકો અને વેપારીઓને સાંકળી ઓનલાઇન ખરીદી કરવાનું શરૂ કર્યું છે. જેમાં અત્યાર સુધીમાં રૂ. ૧૬૫૦૦ કરોડની ખરીદી થઇ છે.
વડાપ્રધાન શ્રી મોદીએ શોપિંગ ફેસ્ટિવલના સ્ટોલની મુલાકાત પણ લીધી હતી અને દરેક સ્ટોલ્સને રસપૂર્વક નિહાળ્યો હતો. તેમણે જણાવ્યું કે અહીં પ્રાચીનથી માંડી આધુનિક્તાનો સુભગ સમન્વય સધાયો છે. જેમાં જોવા મળતી વિરાસતની વસ્તુઓ પટોળા, અકીક, વર્લી ચિત્રો, બાંધણી જેવી અનેક વસ્તુઓ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરે છે.

શોપિંગ ફેસ્ટિવલનું ઉદઘાટન કરતા પૂર્વે ગુજરાતના પનોતાપુત્ર શ્રી વિક્રમ સારાભાઇની પ્રતિમાનું અનાવરણ કરતા તેમણે જણાવ્યું કે, વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થિની વધતી રુચિ એજ તેમને સાચી શ્રદ્ધાંજલી કહેવાશે.

રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનના સહકારથી વાયબ્રન્ટ શોપિંગ ફેસ્ટીવલ ઓર્ગેનાઇઝેીંગ ફેડરેશન દ્વારા આયોજીત ૧૨ દિવસીય અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે આયોજીત શોપીંગ ફેસ્ટીવલની વિશેષતા એ છે કે તેમાં પાથરણાથી મોલ સુધી અને ફુડપાર્લરથી ફાઇવ સ્ટાર સુધી તમામ પ્રકારના વ્યવસાયકારો અહિંયા પાતોની સેવાઓ અને ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. આ ફેસ્ટીવલમાં ૧૫૦૦૦ થી વધુ વેપારીઓ જોડાયા છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાતની સફળતાથી રાજ્યમાં કરોડો રૂપિયાનું રોકાણ થયું અને અસંખ્ય રોજગારી ઉભી થઇ છે. અત્યારે ગુજરાતમાં ચારે બાજુ ઉધોગો ધમધમે છે તેમણે પ્રધાનમંત્રીશ્રીની દીર્ઘદ્દષ્ટીને કેન્દ્ર સ્થાને રાખીને જણાવ્યું હતું કે એમ.ઓ.યુ થકી અનેક ઉધોગો અમલમાં આવ્યા છે.રોજગારક્ષેત્રે ગુજરાતમાં અનેક તકો ઉભરી રહી છે જેનું કારણ વાયબ્રન્ટ ગુજરાતની સફળતા રહેલી છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ્ં હતું કે અમદાવાદ અને તેના વેપારીઓએ એક બ્રાન્ડ ઉભી કરી છે. અમદાવાદમાં આયોજીત શોપીંગ ફેસ્ટિવલથી તેને વધુ વેગ મળશે આવનાર દિવસોમાં ગુજરાત વેપારથી ઉદ્યોગ ક્ષેત્રે હરણફાળ ભરશે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે અમદાવાદના વેપારીઓએ આંતર રાષ્ટ્રીય સ્તરે પોતાની બ્રાન્ડ ઉભી કરી છે. નાના વેપારીઓ સરળતાથી વેપાર કરી શકે તે માટે સરકારે અનેક છુટો આપી છે. જેમાં શોપ એક્ટ નિયમ મુજબ એક વાર પરવાનો લીધા બાદ કાયમી ચાલે તેવો નિર્ણય કરાયો છે. જેવી અનેક સરકારી અડચણો દુર કરી છે.

મુખ્યમંત્રીશ્રી પ્રધાનમંત્રીશ્રી દ્વારા ૧૦ ટકા અનામત આપવાના નિર્ણયને આવકારીને જણાવ્યુ હતું કે આગામી સમયમાં સામાજિક સમરસતા માટે આ નિર્ણય ઐતિહાસિક નિર્ણય બનશે જેના નિર્ણયના અમલનું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યુ છે તેમ જણાવ્યું હતું.

સ્વાગત પ્રવચન કરતા મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું કે ગુજરાતીઓથી વિશ્વ વેપારી તરીકે ખાસ ઓળખ ઉભી થઇ છે. ગુજરાતનું અમદાવાદ વેપાર-વાણિજ્યનું કેન્દ્ર બન્યું છે. અમદાવાદના વિકાસનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને જાય છે. વિવિધ આયોજનો થકી ગુજરાતે વૈશ્વિક ફલક પર સ્થાન પ્રાપ્ત કર્યું છે.અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલનો હેતુ વાયબ્રન્ટ ગુજરાત સાથે ખરીદ પ્રવૃતિને વેગ આપવાનો છે. મંત્રીશ્રીએ આ ફેસ્ટીવલની રૂપરેખા આપી હતી.

કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ,અમદાવાદના મેયર શ્રીમતી બિજલબેન પટેલ સહિત મંત્રીશ્રીઓ, મહાનુભાવો, મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા સહિત, અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!