માણસા તાલુકામાં કોંગ્રેસના ચૂંટાયેલા 10 સભ્યોએ પક્ષ પલટો કરતા 6 વર્ષ માટે ગેરલાયક ઠેરવાયા

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે માણસા તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલ ૧૮ સભ્યો પૈકી ૧૦ સભ્યોએ બળવો કરીને પક્ષ પલટો કર્યો હતો. આ પક્ષ પલટો કરનાર ૧૦ સભ્યો કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન પર ચૂંટણી લડી ચૂંટણી જીત્યા હતા. આ અંગે કાનૂની અભિપ્રાય બાદ ગુજરાત પક્ષાંતર ધારાની કલમ ૩(૧) મુજબ માણસા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત ૧૦ સભ્યોને ગેરલાયક ઠેરવવા માટે કોંગ્રેસ પક્ષના બકુલાબેન વાસુદેવ પટેલે ડેજીગ્નેટેડ ઓથોરીટી સમક્ષ દાદ માંગી હતી. આ અંગે ડેજીગ્નેટેડ ઓથોરીટી સમક્ષ અરજકર્તાના વકીલ ચિંતન પંકજ ચાંપાનેરીએ દલીલો કરી હતી.  તમામ દસ્તાવેજો અને દલીલોને ધ્યાનમાં રાખી ગુજરાત પક્ષાંતર ધારા કલમ ૩(૧) હેઠળ તમામ ૧૦ સભ્યોને ગેરલાયક ઠેરવવાનો ડેજીગ્નેટેડ ઓથોરીટીએ તા. ૮/૧/૨૦૧૮ ના રોજ હુકમ કર્યો હતો. જેની સત્તાવાર નકલ 11 જાન્યુઆરી પ્રાપ્ત થતા રજૂ કરવામાં આવી હતી.

વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલા માણસા તાલુકા પંચાયતના પક્ષ પલટું ૧૦ સભ્યોને પક્ષાંતર વિરોધી ધારા હેઠળ ગેરલાયક ઠેરવવાના આદેશને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ કહ્યું હતું કે, ૧૪૭ તાલુકા પંચાયત અને ૨૩ જિલ્લા પંચાયતમાં સ્થાનિક નાગરિકોએ કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ મુકીને જે તે સભ્યોને જીત આપી સત્તા સુકાન સોંપ્યા હતા ત્યારે લોભ, લાલચ અને ધાક-ધમકીથી પક્ષ પલટો કરી પ્રજાદ્રોહ, પક્ષદ્રોહ કરનાર જે તે સભ્યોને છ વર્ષ માટે ગેરલાયક ઠેરવવાના આદેશ આવકારદાયક છે. જ્યારથી ગુજરાતની જનતાએ ૧૪૭ તાલુકા પંચાયત અને ૨૩ જિલ્લા પંચાયતમાં લોકતાંત્રિક રીતે કોંગ્રેસ પક્ષને જનસમર્થન – જનઆશીર્વાદ આપીને સત્તાના સુકાન સોંપ્યા તે દિવસથી હતાશ ભાજપ યેનકેન પ્રકારે કાવાદાવા-કાવત્રા કરીને કોંગ્રેસ પક્ષ શાસિત તાલુકા પંચાયત – જિલ્લા પંચાયત તોડવા માટેના પ્રયાસો કરી રહ્યાં છે. જેમાં ભાજપને મોટા પાયે નિષ્ફળતા સાંપડી છે.

કોંગ્રેસ પક્ષમાંથી પક્ષ પલટો કરનાર માણસા તાલુકા પંચાયત પ્રમુખ સહિતના ૧૦ સભ્યોને ગેરલાયક ઠેરવાતા ભાજપ અને પક્ષ પલટુ પ્રમુખ સહિતના સભ્યોને મોટી લપડાક પડી છે. રાજ્યમાં જે તે જિલ્લા-તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલ સભ્ય એ પક્ષ પલટો કર્યો છે તેની સામે કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી સમયમાં કડકમાં કડક કાનૂની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે. પક્ષ પલટો કરીને પ્રજાદ્રોહ-પક્ષદ્રોહ કરનારને ગેરલાયક ઠેરવવાના આદેશથી પક્ષ પલટો કરનાર પર રોક લાગશે.      

પક્ષાંતર ધારા ની કલમ ૩(૧) હેઠળ ગેરલાયક ઠરેલ માણસા તાલુકા પંચાયતના ૧૦ સભ્યો

રાઠોડ જીલાબેન દરુસિંહ પટેલ જયંતિભાઈ અંબાલાલ
પટેલ વિપુલભાઈ ખોડાભાઈ ચૌધરી વિષ્ણુભાઈ નારણભાઈ
દેવડા વિનુબા ગનુજી બિહોલા જગતસિંહ મનુસિંહ – પ્રમુખ
ચૌધરી માધાભાઈ જોરાભાઈ ચૌધરી ઉષાબેન લાલજીભાઈ
ઠાકોર સંગીતાબેન પ્રકાશજી રાઠોડ જશવંતસિંહ વક્તુસિંહ

ઉલ્લેખનીય છે કે, માણસા તાલુકા પંચાયતમાં કુલ ૨૪ સભ્યોનું સંખ્યાબળ ધરાવે છે .જેમાં ચૂંટણી સમયે કોંગ્રેસ પક્ષને ૧૮ બેઠકો મળી હતી અને ભાજપને માત્ર ૬ બેઠકો મળી હતી. ૧૦ સભ્યોએ બળવો કરતાં કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત જે તે સમયે લઘુમતિમાં મુકાઈ હતી. આજના ચુકાદાના કારણે કોંગ્રેસ પક્ષ ફરીથી માણસા તાલુકા પંચાયતમાં બહુમતી આવી ગઈ છે.

error: Content is protected !!