14 ઓગસ્ટથી વડોદરામાં દોડતી થશે 11 સ્માર્ટ બસ

વડોદરા, દેશગુજરાત: વડોદરા સ્માર્ટ સીટી અંતર્ગત શહેરમાં 14મી ઓગસ્ટે સ્માર્ટ ટ્રાન્સપોર્ટનું લોકાર્પણ કરવામાં આવશે. 14 ઓગસ્ટથી શહેરના માર્ગો પર દોડનારી 3 એસી બસ સહીત 11 સ્માર્ટ બસમાં શહેરીજનોને વાઈફાઈ ઈન્ટરનેટ, સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જીંગ સહિતની વિવિધ સુવિધા મળશે. શહેરના સમા તળાવે નિર્માણ પામેલા હાઈમાસ્ટ (ગુજરાતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજ)ના લોકાર્પણ કરવામાં આવશે.

વડોદરા સ્માર્ટ સિટી કંપનીની  શુક્રવારે મળેલી બેઠકમાં સ્માર્ટ ટ્રાન્સપોર્ટ માટે વિનાયક લોજિસ્ટિકને ઈજારો આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વિનાયક લોજીસ્ટીક દ્વારા જ હાલમાં શહેરી બસ સેવા પૂરી પાડવામાં આવી રહી છે.

11 સ્માર્ટ બસમાં વાઈફાઈ ઈન્ટરનેટ, સીસીટીવી, કેમેરા, જીપીઆરએસ બેઇઝ વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ, મોબાઈલ ચાર્જીગ સ્લોટ, એલઇડી ટીવી, સ્પીકર અનાઉન્સમેન્ટ સહીત પેસેન્જર ઇન્ફોર્મેશનની સુવિધા ઉબલબ્ધ રહેશે. આગામી નવેમ્બર માસ સુધીમાં વડોદરામાં 150 સ્માર્ટ બસો દોડાવવામાં આવશે, જેમાંથી 20 બસોમાં મુસાફરોને એસીની સુવિધા મળી રહેશે. સ્માર્ટ બસમાં મુસાફરી કરનારા શહેરીજનોને પ્રતિ કી.મી. માટે રૂ.18.40નો ટિકિટ દર ચૂકવવાનો રહેશે.

શહેરના માર્ગો પર દોડનારી 15 બસોમાંથી 75 બસો જૂની અને 75 બસો નવી હશે. વિનાયક લોજીસ્ટીકને અપાયેલા 10 વર્ષના ઈજારા દરમિયાન દર વર્ષે 10 બસો નવી ઉમેરાશે. જેના આધારે આવતા વર્ષમાં વડોદરાના માર્ગો પર શહેરીજનોની સુવિધામાં 160 બસો દોડતી થઇ જશે. આ દરમિયાન 75 જૂની બસમાંથી 10 બસને રિપ્લેસ કરી નવી મુકાશે. 10 વર્ષ બાદ શહેરમાં 250 બસો વડોદરાના નાગરિકોને ટ્રાન્સપોર્ટની સુવિધા પૂરી પાડવા માટે ઉપલબ્ધ થઇ જશે.

બસની અંદર અને બહાર સહિતની ત્રણ એલઇડી સ્ક્રીન હશે. તેના પર રૂટ દેખાશે. બસ સ્ટેશન પર લાગેલા ઈલઇડી ટીવી પર આવનારી બસની વિગતો મળી રહેશે. વડોદરામાં 60 રૂટ પર કુલ 150 બસો દોડશે. જે પ્રતિ દિવસ અંદાજે 30000 કી.મી.નું અંતર કાપી શહેરીજનોને મુસાફરી માટે શ્રેષ્ઠ સેવા પૂરી પાડશે.

શહેરના જામ્બુઆ અને કપૂરાઈ સુધીના છેવાડાના વિસ્તાર સુધી પણ આ બસ ફરી વળશે. આજવા, પાદરા, વાઘોડિયા, પોર સહિતના શહેરથી 15 કી.મી.ના અંતર  સુધીના રૂટને પણ આવરી લેવામાં આવશે.

error: Content is protected !!