બનાસકાંઠામાં પૂરના પાણી ઓસરતા કાદવ નીચેથી સત્તર મૃતદેહો મળ્યા, જિલ્લાનો કુલ મૃત્યુ આંક 29

પાલનપુર, દેશગુજરાતઃ ઉત્તર ગુજરાતના પૂરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રુણી ખારીયા ગામ નજીકથી સત્તર મૃતદેહો મળી આવ્યા છે. આ સાથે બનાસકાંઠામાં પૂરને કારણે મૃત્યુ પામેલાઓની સંખ્યા 29 થઇ ગઇ છે. પોલીસ કંટ્રોલ રુમ પાલનપુરના કહેવા અનુસાર પૂરની પરિસ્થિતિમાં બચાવનું કાર્ય કરી રહેલી ટુકડીઓ દ્વારા પાણીનું સ્તર ઓછું થયા બાદ કરવામાં આવેલી કાર્યવાહીમાં 17 મૃતદેહો મળી આવ્યા છે જેમાં સાત સ્ત્રીઓ છે અને બે બાળકો છે. પૂર દરમિયાન વીસ લોકો લાપતા થયા હતા તેમાંના આ સત્તર હોવાનું મનાય છે. મૃતકોની ઓળખ કામગીરી હજુ બાકી છે.

આ અંગે પૂછતા મંત્રી શ્રી શંકરભાઇ ચૌધરી જે બનાસકાંઠામાં જ કેમ્પીંગ કરીને બેઠા છે અને રેસ્ક્યુ તથા રાહતમાં જોતરાયેલા છે તેમણે કહ્યું કે ખારિયા અને બાકીના વિસ્તારમાં ક્યારેય એક ફૂટ પણ પાણી ન ચડે ત્યાં પંદર પંદર વીસ વીસ ફૂટ પાણી આવ્યું છે અને ઘર પરથી થઇને નીકળ્યું છે. ક્યારેય ભૂતકાળમાં ન આવ્યું હોય એવું મોટું પૂર આવ્યું છે. લોકો શીફ્ટ થઇને નદીથી દસ પંદર કિલોમીટર દૂર ગયા તો ત્યાં પણ પાણી આવ્યું. આજે બસો લોકોને શીફ્ટ કરાયા છે. સાંજ સુધીમાં સોએક લોકો શીફ્ટ કરાશે. મોટાભાગે આજે જો વરસાદ ન આવે તો બધા લોકો બહાર આવી જશે.

error: Content is protected !!