જમ્મુ: 30 કલાકની લાંબી અથડામણ બાદ 2 આતંકવાદીઓ ઠાર

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના શિબિર પર હુમલાનો નિષ્ફળ પ્રયત્ન કર્યા બાદ નિર્માણાધીન ઈમારતમાં છુપાયેલા લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને જવાનોએ ઠાર કર્યા છે. કરનનગરમાં છેલ્લા 30 કલાકથી ચાલતી સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ સમાપ્ત થઈ ગઈ છે.

સેનાના એક અધિકારીએ કહ્યું કે, એક આતંકવાદી નિર્માણાધીન ઈમારતમાંથી નીકળીને પાસેની ઈમારતમાં જવાનો પ્રયત્ન કરતો હતો તે સમયે તેને ઠાર કરવામાં આવ્યો, જ્યારે બીજાને નિર્માણાધીન ઈમારતની અંદર મારવામાં આવ્યો હતો. બંને આતંકવાદીઓ સોમવારે આ ઈમારતમાં છુપાયા હતા. આતંકવાદીઓની વાસ્તવિક ઓળખાણની તપાસ કરવામાં આવી રહી છે, આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

સુરક્ષાદળોએ એકે-47 રાઇફલ લઈને આવેલા આતંકવાદીઓને રોક્યા હતા અને આ આતંકવાદીઓ ઈમારતમાં છુપાયા હતા ત્યારે આતંકીઓએ સુરક્ષાદળો પર ગોળીબારી શરૂ કરી હતી. આ દરમિયાન એક સીઆરપીએફનો જવાન શહીદ થયો અને જમ્મુ-કાશ્મીર પોલીસના વિશેષ અભિયાન હેઠળનો એક કોન્સટેબલ ઈજાગ્રસ્ત થયો હતો.

error: Content is protected !!