મન કી બાત: વડાપ્રધાન મોદીએ કહ્યું – યુએન શાંતિ મિશનમાં ભારતીય સૈનિકોની મુખ્ય ભૂમિકા

નવી દિલ્હી, દેશગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રેડિયો પર પોતાના ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશ અને વિદેશમાં રહેતા ભારતીયો સાથે પોતાના વિચારોને રજુ કર્યા. વડાપ્રધાન મોદીએ સૌથી પહેલા દેશવાસીઓને છઠ્ઠ પૂજાની શુભકામના પાઠવી હતી. તેઓએ કહ્યું કે, છઠ્ઠ પૂજાનો તહેવાર પ્રકૃતિની ઉપાસના સાથે સંકળાયેલો છે. તેઓએ કહ્યું કે, છઠ્ઠ પૂજા આપણને સ્વચ્છતા અને શિસ્ત શીખવે છે.

ખાદી ફોર ટ્રાન્સફોર્મેશન

વડાપ્રધાન મોદીએ ખાદી અંગે કહ્યું કે, આ વર્ષે ધનતેરસ પર ખાદીનું ખુબ વેચાણ થયું. તેઓએ કહ્યું કે, 17 ઓક્ટોબરે દિલ્હીના ખાદી ગ્રામ ઉદ્યોગ ભવનમાં 1.20 કરોડની ખાદીનું વેચાણ થયું. આ વેચાણ ગયા વર્ષની સરખામણીએ 90 ટકા વધુ હતું. વડાપ્રધાને ઉમેર્યું કે, અગાઉ ખાદી ફોર નેશન હતું પછી ખાદી ફોર ફેશન થયું હવે ખાદી ફોર ટ્રાન્સફોર્મેશન (પરિવર્તન) થઇ ગયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખાદીએ  રોજગારીની તકો પૂરી પાડી રહી છે.

દિવાળીમાં જવાનો સાથે વિતાવેલી પળોને યાદ કરી

વડાપ્રધાન મોદીએ દિવાળીના તહેવારમાં સરહદ પર પોતાની ફરજ નિભાવી રહેલા જવાનો સાથે પસાર કરેલા સમય દરમિયનના પોતાના અનુભવોને વાગોળ્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું, આ વખતે મને સીમા પર તૈનાત જવાનો સાથે દિવાળી ઉજવવાની તક મળી. તેઓએ કહ્યું કે, આ દિવાળી હું ભૂલી શકું નહીં. તેઓએ કહ્યું કે, સૈનિકોના અનુભવોનું દરેકે સન્માન કરવું જોઈએ.

યુએન શાંતિ મિશનમાં સામેલ ભારતીય સૈનિકોને સલામ

વડાપ્રધાન મોદીએ યુએન શાંતિ મિશનમાં તૈનાત ભારતીય યુવાનોની શહાદત અને બહાદુરી અંગે પણ દેશવાસીઓને જણાવ્યું. મોદીએ કહ્યું કે, ભારતીય સૈનિકો વિશ્વભરમાં બહાદુરીથી કામ કરી રહ્યા છે. ભારતના 7,000 સૈનિકો યુએન શાંતિ મિશન સાથે જોડાયેલા છે. આપના જવાનો દુનિયામાં શાંતિ સ્થાપિત કરી રહ્યા છે. શાંતિ રક્ષા મિશન સરળ નથી,  અહીં મુશ્કેલ પરિસ્થિતિઓમાં રહેવું પડે છે. ભારતે મિશનમાં મહિલાઓનો ઉમેરો કર્યો છે. વડાપ્રધાન મોદીએ  કેપ્ટન ગુરબચન સિંઘ સલારીયાની શહીદીને સલામ કરતા કહ્યું કે, કેપ્ટન સલારીયા શાંતિ માટે શહીદ થયા.

સિસ્ટર નિવેદિતાને કર્યા યાદ

28 ઓક્ટોબર, શનિવારે સિસ્ટર નિવેદિતાની 150મી જન્મ જયંતી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું,  સિસ્ટર નિવેદિતા સ્વામી વિવેકાનંદથી પ્રેરિત હતા. તેઓ બ્રિટીશ રાજમાં અત્યાચારોથી દુખી હતા. વડાપ્રધાને ઉમેર્યું કે, નિવેદિતાનો અર્થ એટલે જે સંપૂર્ણપણે સમર્પિત હોય. સિસ્ટર નિવેદિતાએ પોતાનું સમગ્ર જીવન માનવતાની સેવા માટે સમર્પ્રિત કરી દીધું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોલકાતામાં પ્લેગ (રોગ) દરમિયાન સિસ્ટર નિવેદિતા પોતે સફાઈમાં જોડાયા હતા. આપણે સિસ્ટર નિવેદિતાના જીવનમાંથી શીખવું જોઈએ.

બાળકોની તંદુરસ્તી અંગે ચિંતિત

વડાપ્રધાન આવનારા 14 નવેમ્બરે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના જન્મદિવસ પર મનાવવામાં આવનાર ‘બાળ દિવસ’ની શુભકામના પાઠવી. આ સાથે જ તેઓએ બાળકોને થતી ડાયાબિટીસની બીમારી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જેમ જેમ આપણે આગળ વધી રહ્યા છીએ તેમ તેમ આપણે આપણી રહેણીકરણીમાં એવા પરિવર્તનો કર્યા છે જેની આપણી અને બાળકોના તંદુરસ્તી પર અસર પહોંચી રહી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પરિવારજનોને બાળકોને પાર્કમાં રમવા લઇ જવા જોઈએ. તમારા જીવનમાં ફેરફારો કરો.

Related Stories

error: Content is protected !!