એક જ વર્ષમાં 2જી કવરેજ કરતાં 4જી કવરેજ વધી જશેઃ મુકેશ અંબાણી

નવી દિલ્હી: ભારતમાં એક જ વર્ષમાં 2જી કવરેજની સરખામણીમાં 4જી ટેલીકોમ કવરેજ વધી જશે એવું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં સર્વેસર્વા મુકેશ અંબાણીએ બુધવારે કહ્યું હતું. તેમણે ડિજિટલ અર્થતંત્ર માટે ડેટા ઓક્સિજન સમાન હોવાનું અને ટેલીકોમ ઓપેરટર્સે વાજબી કિંમતે હાઈ-સ્પીડ ડેટા પ્રદાન કરવો પડશે તેવું પણ જણાવ્યું હતું.

આરઆઇએલનાં ચેરમેન મુકેશ અંબાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આગામી 12 મહિનામાં ભારતમાં 2જી કવરેજની સરખામણીમાં 4જી કવરેજ વધી જશે. ભારત મોબાઇલ ઉદ્યોગ અતિ ઝડપથી વૃદ્ધિ પામી રહ્યો છે, જે  માટે રિલાયન્સ જિયોની અનલિમિટેડ ફ્રી ડેટા ઓફર જવાબદાર છે.”

તેમણે ચોથી ઔદ્યોગિક ક્રાંતિનાં પાયાં પર પ્રકાશ ફેંકતાં જણાવ્યું હતું કે, “મોબાઇલ ઇન્ટરનેટ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે પાયારૂપ ટેકનોલોજી છે. ડેટા નવું ઇઁધણ છે. ભારતને તેની આયાત કરવાની જરૂર નથી. આપણે પાસે પ્રચૂર માત્રામાં છે. તે મૂલ્યનો નવો સ્ત્રોત બનશે તથા ભારત અને લાખો ભારતીયો માટે તકો ઊભી કરશે અને સમૃદ્ધિ લાવશે.”

દેશનાં સૌથી ધનિક ઉદ્યોગપતિ અંબાણીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી), ક્લાઉડ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલીટિક્સ, 3-ડી પ્રિન્ટિંગ, બ્લોકચેન અને નેનોટેનોકોલોજી જેવી નવી ટેકનોલોજીનાં ઉપયોગનો આગ્રહ કર્યો હતો, જેથી વધુ રોજગારીનું સર્જન થાય અને સંપત્તિનો નવો પ્રવાહ ઊભો થાય.

તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં મહત્ત્વકાંક્ષા અભિયાન ડિજિટલ અભિયાનની સફળતા માટે શિક્ષણ, તાલીમ અને માનવ સંસાધન વિકાસનાં વિસ્તૃત ડિજિટાઇઝેશનને પૂર્વશરત સમાન ગણાવ્યાં હતાં.

અંબાણીએ ઉમેર્યું હતું કે, “આ તમામ કામગીરીઓ પૂર્ણ કરવા ટેલીકોમ અને આઇટી ઉદ્યોગે અર્થતંત્ર અને સરકારનાં દરેક ક્ષેત્ર, દરેક વ્યવસાય અને દરેક સંસ્થા સાથે જોડાણ કરવું પડશે.”

ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવા અત્યાધુનિક ટેકનોલોજી અસ્કયામતોનું નિર્માણ કરવા રોકાણ કરવું પડશે તેમજ ડિજિટલ ઇકોસિસ્ટમમાં રહેલી ખામીઓ દૂર કરવી પડશે તેવું સૂચન પણ તેમણે કર્યું હતું.

error: Content is protected !!