ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને વિપક્ષી નેતાઓની 5 સલાહ, કહ્યું – ‘તમારી સીટ પાછળ એક ત્રાજવું છે.’

નવી દિલ્હી, દેશગુજરાત: એમ. વેંકૈયા નાયડુએ શુક્રવારે દેશના ઉપરાષ્ટ્રપતિ પદની શપથ લીધા હતા. તેઓએ રાષ્ટ્રપતિ ભવનના દરબાર ભવનમાં સાદા કાર્યક્રમમાં શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વેંકૈયા નાયડુને હિન્દીમાં શપથ લેવડાવ્યા હતા. નાયડુની ઉપરાષ્ટ્રપતિ પદ માટે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના ઉમેદવાર તરીકે નિમણૂક કરવામાં આવી તે પહેલા તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળનો મહત્વપૂર્ણ ભાગ રહ્યા હતા. તેઓએ ઉપરાષ્ટ્રપતિ તરીકે એમ.હામીદ અન્સારીનું સ્થાન મેળવ્યું છે. જેઓએ ઓગસ્ટ 2007થી સતત બે વર્ષ સુધી આ પદ પર પોતાની સેવા આપી હતી.

વેંકૈયા નાયડુના સ્વાગતમાં શાસક અને વિપક્ષના નેતાઓએ ભાષણ આપ્યું હતું. સ્વાગત ભાષણમાં વિપક્ષી નેતાઓ તરફથી કહેવામાં આવેલી બાબતો મુખ્ય હતી. કારણ કે, કેટલાય નેતાઓએ ઉપરાષ્ટ્રપતિની સામે અનુરોધના ભાવ સાથે કેટલીય સલાહ દેનારી બાબતો કહી હતી. તે ભાષણના કેટલાક મહત્વના મુદ્દા નીચે પ્રમાણે છે.

અધ્યક્ષ નિષ્પક્ષ રહે

રાજ્યસભામાં નેતા ગુલામ નબી આઝાદે કહ્યું, જે પદ પર તમે બેઠા છો, તે સીટ પાછળ એક ત્રાજવું છે. જે વારંવાર જજ, અધ્યક્ષ અથવા રાજ્યસભાના ચેરમેનને યાદ અપાવે છે કે, તે નિષ્પક્ષ છે. આ પદ પર બેસનારનો કોઈ પક્ષ હોતો નથી.

અમને અપેક્ષા છે કે તમે ન્યાય કરશો

માર્કસવાદી કોમ્યુનીટી પાર્ટી (સીપીએમ)ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ કહ્યું, ચેરમેન તરીકે સદનમાં તમારો પહેલો દિવસ છે. આ સાથે જ સભ્ય તરીકે મારો સદનમાં છેલ્લો દિવસ છે. આપણે અલગ વિચારધારાના હોવા છતાં 40 વર્ષથી મિત્ર છીએ. હવે તમે અશોકચક્ર અને ન્યાયના ચિન્હની નીચે બેઠા છો. અપેક્ષા છે કે તમે દરેકને ન્યાયથી દરેકને તક પૂરી પડશો.

18 જુલાઈ જેવા દિવસનું પુનરાવર્તન નહીં કરો

બહુજન સમાજવાદી પાર્ટી (બીએસપી)ના જનરલ સેક્રેટરી સતીશ મિશ્રાએ કહ્યું, અપેક્ષા છે કે 18 જુલાઈ જેવા દિવસનું પુનરાવર્તન નહી થાય. અમને અપેક્ષા છે કે, તમે છો એટલે છેલ્લે બાંકડે બેસનાર વ્યક્તિ પણ બોલી શકશે.

તમારા નેતૃત્વમાં કોલાહલ વગર બીલ પાસ થશે

રાજ્યસભામાં સમાજવાદી પાર્ટી (સપા)ના સાંસદ રામગોપાલ યાદવે કહ્યું કે, હું ઈચ્છું છું કે રાજ્યપાલ અને ઉપરાષ્ટ્રપતિના પદ પર બિન-રાજકીય વ્યક્તિ બેસે. હવે તમે આ ખુરશી પર છો. અપેક્ષા છે કે તમારા નેતૃત્વમાં કોલાહલ વગર જ બીલ પાસ થશે.

સદનમાં ફરી હસી-મજાક લાવશો

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના રાજ્યસભા સાંસદ પ્રફુલ્લ પટેલે કહ્યું, છેલ્લે થોડા સમયથી સદનમાં વધારે કોલાહલ થવા લાગ્યો છે. અપેક્ષા છે કે તમારા આવવાથી આ સદનમાં હસી- મજાક પણ પરત આવી જશે.

રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય સુધી સ્થગિત

એમ. વેંકૈયા નાયડુએ શુક્રવારે રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરી હતી. આ પહેલા સદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત અન્ય સાંસદોએ તેઓનું સ્વાગત કર્યું અને આશા વ્યકત કરી કે તેઓ ઉત્તમ પ્રકારે સદનનું સંચાલન કરશે.

error: Content is protected !!