પાલનપુર-આબુ હાઇવે પરની હોટેલના પાર્કિંગમાં ઘૂસ્યું ટેન્કર, 6ના ઘટના સ્થળે જ મોત
February 13, 2018
પાલનપુર: પાલનપુરમાં આરટીઓ ચાર રસ્તા પર સોમવારે રાત્રે 8 વાગ્યે ટેન્કર ચાલક વળાંક લેવાનું ભૂલી જઈ સીધો સવેરા હોટેલના પાર્કિંગમાં ઘૂસી જતા પાર્ક કરેલી 2 કાર 2 રિક્ષાઓ અને કેટલીક બાઇકોની કચડી નાખી હતી. આ સાથે જ 12 લોકોને પણ ઝપેટમાં લઇ લીધા હતા. અચાનક ધસમસતા આવેલા ટેન્કર નીચે કચડતા 6 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા જ્યારે 6 લોકોને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન વધુ એક યુવાનનું મોત નીપજતા મૃત્યુ આંક 7 પર પહોંચ્યો છે. અકસ્માતને પગલે રોષે ભરાયેલા લોકોએ ટેન્કરના ડ્રાઈવરને નીચે ઉતારી માર મારી પોલીસને સોંપ્યો હતો.
સોમવારે રાત્રે 8 વાગે ઓઇલ ભરેલું જીજે 12 એવાય 0358 નંબરનું ટેન્કર રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહ્યું હતું. તે દરમિયાન પાલનપુર આબુ હાઇવે પાસે આવેલી સવેરા હોટેલ પાસે ટેન્કર ચાલક વળાંક લેવાનું ભૂલી જતા સીધો જ સવેરા હોટેલના પાર્કિંગમાં ધસી ગયો હતો જ્યાં પાર્ક કરેલા વાહનોનો કુચડો બોલાવી દીધો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે વાહનોમાં બેઠેલા અને વાહનોની નજીક ઉભેલા 12 જણા કચડાઈ ગયા હતા. જેમાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત અંગે ઈમરજન્સી સેવા 108ને જાણ કરવામાં આવતા પાલનપુર ઉપરાંત છાપી અને ચિત્રાસણીની 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બાદમાં ઈજાગ્રસ્ત તમામને પાલનપુર સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. સ્થાનિક પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટેન્કર ચાલકે નશો કરેલો હોવાથી આ અકસ્માત સર્જાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.