ગુજરાત કોંગ્રેસે સસ્પેન્ડ કરેલા 7 ધારાસભ્યોએ અધ્યક્ષને રાજીનામું સોંપ્યું

ગાંધીનગર, દેશગુજરાત: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ શુક્રવારે કહ્યું હતું કે, કૉંગ્રેસના 7 ધારાસભ્યોએ 10 ઓગસ્ટના રોજ સાંજે 9.30 કલાકે ગુરુવારે તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી અને કોઇ પણ દબાણ અથવા ધમકી વગર તેમની પોતાની ઇચ્છા મુજબ તેમના રાજીનામાં રજૂ કર્યા હતા.

રાજીનામુ રજુ કરનાર 7 ધારાસભ્યોમાં અમિત ચૌધરી – માણસા, સી.કે.રાઓલજી – ગોધરા, રાઘવજી પટેલ – જામનગર રૂરલ, ભોલાભાઈ ગોહિલ – જસદણ, કરમશી પટેલ – સાણંદ, ધર્મેન્દ્ર જાડેજા- ઉત્તર જામનગર અને મહેન્દ્રસિંહ વાઘેલા – બાયડનો સમાવેશ થાય છે.

અધ્યક્ષે વધુમાં કહ્યું કે, તેઓએ પોતાની ફરજના ભાગ રૂપે પૂછ્યું હતું કે, રાજીનામુ આપનાર ધારાસભ્યો કોઈ પણ ધમકી, લાલચ, અન્ય લોકો દ્વારા આપવામાં આવેલી સૂચનાથી રાજીનામુ આપી રહા છો કે તમારી જાતે રાજીખુશીથી રાજીનામું આપી રહ્યા છો? ધારાસભ્યો આ સવાલના જવાબમાં કહ્યું હતું કે, તેઓએ પોતાની રાજીખુશીથી રાજીનામુ આપ્યું છે. અધ્યક્ષે તેમની નોંધમાં કહ્યું હતું કે, તેઓએ કોંગ્રેસના 7 ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર્યા છે.

પૂર્વભૂમિકા

ગુરુવારે રાજીનામુ આપનાર કોંગ્રેસના 7 ધારાસભ્યો ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના વફાદાર હોવાનું મનાય છે. ગયા મહિને શંકરસિંહે કોંગ્રેસ પક્ષ છોડ્યા બાદ કોંગ્રેસના 6 ધારાસભ્યોએ વિધાનસભાના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું હતું. ગુરુવારે શંકરસિંહના વફાદાર એવા વધુ 7 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે. આ સાથે જ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા ઘટીને 169 પર પહોંચી ગઈ છે. ગુરુવારે રાજીનામાં આપનાર 7 ધારાસભ્યોને અગાઉ કોંગ્રેસ પક્ષ દ્વારા 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ ગુરુવારે કહ્યું હતું કે, રાજીનામું આપનાર ધારાસભ્યો ભાજપમાં જોડાશે અને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સાથે આ સંદર્ભે બેઠક પણ યોજવામાં આવી હતી.

error: Content is protected !!