ખીણમાં થતા પથ્થરમારાની ઘટનામાં ઘટાડો, 17 જુલાઈ સુધીમાં 95 આતંકીઓના મોત

નવી દિલ્હી, દેશગુજરાત: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લોકસભામાં લેખિતમાં જાણકારી આપી છે કે, કાશ્મીરમાં આ વર્ષે 9 જુલાઈ સુધીમાં 172 આતંકવાદી ઘટનાઓ થઇ છે. આ ઘટનામાં દેશના 37 સૈનિકો શહીદ થયા છે અને 12 સામાન્ય નાગરિકો મોતને ભેટ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં 322 આતંકવાદી ઘટના થઇ હતી.

જમ્મુ-કાશ્મીરમાં પથ્થરમારાની ઘટનામાં ઘટાડો થયો છે. આ વર્ષે થયેલી 664 પથ્થરમારાની ઘટનામાં 21 નાગરિકોના મોત નીપજ્યા અને 107 નાગરિકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને રોકવાના પ્રયાસ કરતા સુરક્ષા દળોના 1073 અધિકારીઓ ઈજાગ્રસ્ત થયા છે.

ગૃહ મંત્રાલયના લેખિત જવાબ પ્રમાણે વર્ષ 2016માં 2808 પથ્થરમારાની ઘટના બની હતી. ગયા વર્ષે 8 જુલાઈએ આતંકવાદી બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ સતત ત્રણ મહિના સુધી સૌથી વધારે પથ્થરમારાની ઘટના કાશ્મીરમાં બની હતી. 9 જુલાઈ 2017 સુધીમાં થયેલી અલગ અલગ શૂટઆઉટની ઘટનામાં સુરક્ષા દળોએ 95 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે.

કોંગ્રેસ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિને લઈને ગૃહ મંત્રાલયને એ સવાલ પૂછ્યો હતો કે, જમ્મુ-કાશ્મીરમાં અશાંતિની સ્થિતિ ખતરનાક બની ગઈ છે. ખીણમાં અશાંતિ અને અન્ય પરિસ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર સરકારે ત્યાં કેવા પ્રકારની કાર્યવાહી કરી છે.

error: Content is protected !!