સરદાર સરોવર યોજનાની અથથી ઇતિ તારીખ અને તવારીખ ઉપર એક દ્રષ્ટિપાત

ગાંધીનગર, દેશગુજરાતઃ પૂણ્ય સલિલા મા નર્મદા મૈયાના અસીમ આશીર્વાદ સાથે આજે સીત્તેર સીત્તેર વર્ષોના વ્હાણાં બાદ સંપન્ન થયેલી સરદાર સરોવર યોજનાનું, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમના જન્મદિવસે, એટલે કે તા.૧૭ મી સપ્ટેમ્બરે રાષ્ટ્રાર્પણ કરવા જઇ રહ્યાં છે, ત્યારે યોજનાની અથથી ઇતિ તારીખ અને તવારીખ ઉપર એક દ્રષ્ટિપાત:

ભારતની પાંચમા ક્રમની નર્મદા નદી ઉપર સરદાર સરોવર યોજના એક મોટી બહુહેતુક અને આંતરરાજ્ય યોજના છે. જે ભારતના ચાર રાજ્યો; ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને સ્પર્શે છે. જળસંશાધન ક્ષેત્રે આ યોજના ભારતમાં અને સંભવતઃ દુનિયામાં સૌથી મોટી યોજનાઓમાંની એક છે. નર્મદા નદીનો સ્ત્રાવ વિસ્તાર ૯૭,૪૧૦ ચો.કિ.મી. છે. અત્યાર સુધી નર્મદા નદીમાં વહેતા પાણી પૈકી માત્ર દસ ટકા પાણીનો જ ઉપયોગ થવા પામ્યો છે. નર્મદા નદીના પાણીનો સિંચાઇ અને વીજળી ઉત્પાદન માટે ઉપયોગ કરવાનું આયોજન સને ૧૯૪૬ માં શરૂ થયું હતું. અન્વેષણ પૂર્ણ થયા બાદ ગુજરાતમાં ગોરા ગામ નજીક બંધ સ્થળની પસંદગી કરવામાં આવી હતી. યોજનાનો શિલાન્યાસ સ્વ.પંડિત જવાહરલાલ નહેરૂના હસ્તે એપ્રિલ-પ ૧૯૬૧ નાં રોજ કરાયો હતો. ત્યાર પછી પાણીનો મહત્તમ ઉપયોગ થઇ શકે તે માટે બંધની ઊંચાઇ વધારવાની શક્યતા અંગે વિચારણા કરવામાં આવી હતી. તેમ છતાં, કોઇ સમજૂતી શક્ય ન બનતાં, ભારત સરકારે નદી જળ વિવાદ કાયદા હેઠળ ૧૯૬૯ માં નર્મદા જળ વિવાદ પંચની રચના કરી હતી.

=નર્મદા ખીણની બધી યોજનાઓના આયોજન અને પુનઃવસવાટ તથા પર્યાવરણ જેવા આનુષાંગિક પાસાઓના ઊંડાણપૂર્વકના અભ્યાસ બાદ, નર્મદા જળ વિવાદ પંચે ડિસેમ્બર ૧૯૭૯ માં તેનો આખરી નિર્ણય આપ્યો હતો. જે મુજબ સમગ્ર નર્મદા ખીણ પ્રદેશના વિકાસ માટે કુલ્લે ૩૦ મોટા, ૧૩૫ મધ્યમ, અને ૩૦૦૦ નાના બંધો બાંધવાનું નિયત થયું છે. ૩૦ મોટા બંધો પૈકી ગુજરાતમાં એકમાત્ર સરદાર સરોવર સમગ્ર ખીણ પ્રદેશની સૌથી છેવાડાની યોજના છે, જેનું બાંધકામ કેવડીયા ખાતે આયોજન મુજબ કરાયું છે.

ગુજરાત રાજ્યની સ્થાપના : ૧ લી મે, ૧૯૬૦ થી લઇને આજદિન સુધી આ યોજનાના તબક્કાવાર વિકાસ તરફ એક નજર…

તા.૧/પ/૧૯૬૦ થી તા.૧૮/૯/૧૯૬૩:

આ સમયગાળા દરમિયાન સ્વ.શ્રી જીવરાજ મહેતા ગુજરાતના મુખ્યમંત્રી હતા. દરમિયાન નર્મદા યોજનાનું ખાતમુહૂર્ત કરાયુ તથા નવાગામ બંધમાંથી મહત્તમ લાભ મળે તે માટે સંશોધન હાથ ધરાયું.

તા.૧૮/૯/૧૯૬૩ થી તા.ર૦/૯/૧૯૬૫ :
આ સમયગાળા દરમિયાન સ્વ.શ્રી બળવંતરાય મહેતા રાજ્યના મુખ્યમંત્રી હતા. તેમના કાર્યકાળ દરમિયાન બંધની ઊંચાઇ માટે ભોપાલ કરાર તથા તેના અસ્વીકારને કારણે ભારત સરકારે ખોસલા સમિતિની રચના કરી, જેણે માસ્ટર પ્લાન રજુ કર્યો.

તા.ર૦/૯/૧૯૬૫ થી તા.૧ર/પ/૧૯૭૧:
આ સમયગાળા દરમિયાન સ્વ.શ્રી હિતેન્દ્રભાઇ દેસાઇ ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેમના શાસન દરમિયાન ખોસલા સમિતિના અહેવાલનો અન્ય રાજ્યોએ અસ્વીકાર કરતા, ગુજરાત રાજ્યની રજુઆતને કારણે ભારત સરકારે નર્મદા જળ વિવાદ પંચની રચના કરી હતી.

તા.૧ર/પ/૧૯૭૧ થી તા.૧૭/૩/૧૯૭૨ :
આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન હતું. દરમિયાન ૧૯૭૨માં નર્મદા જળ વિવાદ પંચે પ્રાથમિક મુદ્દાઓ ઉપર તેનો નિર્ણય આપ્યો હતો.

તા.૧૭/૩/૧૯૭૨ થી તા.૧૭/૭/૧૯૭૩ :
અ સમયગાળા દરમિયાન સ્વ.શ્રી ઘનશ્યામભાઇ ઓઝા મુખ્યમંત્રી હતા. દરમિયાન નર્મદા જળ વિવાદ પંચ સમક્ષ કેટલીક રજુઆતો કરવામાં આવી.

તા.૧૭/૭/૧૯૭૩ થી તા.૯/ર/૧૯૭૪ :
આ સમયગાળા દરમિયાન સ્વ.શ્રી ચીમનભાઇ પટેલ રાજ્યના મુખ્યમંત્રી હતા. જેમણે તત્કાલિન વડાપ્રધાન સમક્ષ નર્મદા યોજનાનો નિર્ણય કરવા માટે ઘણી રજુઆતો કરી હતી. જેને પગલે નર્મદા જળ વિવાદ પંચે કેટલાક પ્રાથમિક મુદૃાઓ નક્કી કર્યા. જે મુજબ,

– રાષ્ટ્રનું હિત સર્વોપરી ગણવું,

– રાજ્યોના હક્ક અને હિતોને રાષ્ટ્રના હિતને ધ્યાનમાં રાખીને પૂર્ણ રીતે રક્ષવા,

– વીજ ઉત્પાદન કરતા સિંચાઇને પ્રાધાન્ય આપવુ. આ માટે પ્રથમ વીજ ઉત્પાદન અને સિંચાઇ માટે પાણીની યોગ્ય ફાળવણી કરવી,

– આંતર રાષ્ટ્રીય સરહદ પાસેના રણના વિસ્તારોનો પિયત વિસ્તારમાં મહત્તમ સમાવેશ કરી, સિંચાઇનો લાભ શક્ય તેટલો વધારે વિસ્તારમાં, રાજ્યોની સરહદ લક્ષમાં લીધા વિના આપવો, પંચના આ ચુકાદા વિશે સંબંધકર્તા રાજ્યોએ કરેલી સ્પષ્ટતાઓને આવરી લઇને આખરી ચુકાદો તા.૭/૧ર/૧૯૭૯નાં રોજ આવ્યો હતો. જે મુજબ,

– નવાગામ બંધની પૂર્ણ જળાશય સપાટી ૧૩૮.૬૮ મીટર અને મહત્તમ જળસપાટી ૧૪૦.૨૧ મીટર રાખવી,

– હેડ રેગ્યુલેટર ઉપર મુખ્ય નહેરની પૂર્ણ જળસપાટી ૯૧.૪૪ મીટર રાખવી,

– ૭૫ ટકા આધારીતતા પ્રમાણે પ્રાપ્ય ૨૮ દસ લાખ એકર ફૂટ પાણીની વહેંચણી રાજ્યોવાર નીચે મુજબ કરવી,
– ગુજરાત : ૯.૦૦ દસ લાખ એકર ફીટ,
– મધ્યપ્રદેશ : ૧૮.રપ દસ લાખ એકર ફીટ,
– રાજસ્થાન : ૦.પ૦ દસ લાખ એકર ફીટ,
– મહારાષ્ટ્ર : ૦.રપ દસ લાખ એક ફીટ,
– કુલ : ૨૮.૦૦ દસ લાખ એકર ફીટ

– વિદ્યુત મથકોથી ઉત્પન્ન થનાર વિદ્યુતની વહેંચણી નીચે મુજબ કરવી,
– ગુજરાત : ૧૬ ટકા,
– મહારાષ્ટ્ર : ૨૭ ટકા,
– મધ્યપ્રદેશ : ૫૭ ટકા,

– નવાગામ બંધનો ખર્ચ ભાગીદાર રાજ્યોએ તેમને મળતા લાભના પ્રમાણમાં ભોગવાનો રહે,

– મધ્યપ્રદેશ નર્મદા સાગર યોજના (હાલ : ઇન્દિરા સાગર યોજના) માંથી નિયમિત પાણી વહેવડાવવાનું રહે, જેથી આ યોજનાના થનાર ખર્ચના ૧૭.૬૩ ટકા ખર્ચ, ગુજરાતે મધ્યપ્રદેશને આપવાનો રહે,

તા.૯/ર/૧૯૭૪ થી તા.૧૮/૬/૧૯૭૫ :
આ સમયાગાળ દરમિયાન રાષ્ટ્રપતિ શાસન હતું. અસરકર્તા તમામ રાજ્યોએ તા.૧ર/૭/૧૯૭૪નાં રોજ રાજસ્થાનને ૦.પ૦ મીટર એકર ફૂટ પાણી અને મહારાષ્ટ્રને ૦.રપ મીટર એકર ફૂટ પાણી આપવાનું નક્કી કર્યું.

તા.૧૮/૬/૧૯૭૫ થી તા.૧ર/૩/૧૯૭૬ :
આ સમયગાળા દરમિયાન સ્વ.શ્રી બાબુભાઇ પટેલ મુખ્યમંત્રી હતા. દરમિયાન પંચે માંગેલી માહિતી ગુજરાતે આપી હતી.

તા.૧ર/૩/૧૯૭૬ થી તા.ર૪/૧ર/૧૯૭૬ :
આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિ શાસન હતું. રાજ્ય સરકાર દ્વારા પંચને વિવિધ રજુઆતો કરવામાં આવી હતી.

તા.ર૪/૧ર/૧૯૭૬ થી તા.૧૧/૪/૧૯૭૭ :
આ સમયગાળા દરમિયાન શ્રી માધવસિંહ સોલંકી રાજ્યના મુખ્યમંત્રી હતા. નર્મદા જળ વિવાદ પંચને વિવિધ રજુઆતો કરવામાં આવી હતી.

તા.૧૧/૪/૧૯૭૭ થી તા.૧૭/ર/૧૯૮૦ :
આ સમયગાળા દરમિયાન સ્વ.શ્રી બાબુભાઇ પટેલ મુખ્યમંત્રી હતા. તેમના કાર્યકાળ દરમિયાન નર્મદા જળ વિવાદ પંચનો ચુકાદો પ્રાપ્ત થયો તથા બંધના બાંધકામની પ્રારંભિક કામગીરી શરૂ કરવામાં આવી.

તા.૧૭/ર/૧૯૮૦ થી તા.૭/૬/૧૯૮૦ :
આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિ શાસન હતું. પ્રારંભિક કામગીરી પ્રગતિમાં હતી.

તા.૭/૬/૧૯૮૦ થી તા.૬/૭/૧૯૮૫ :
આ સમયગાળા દરમિયાન શ્રી માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા. દરમિયાન યોજનાનું બાંધકામ હાથ ધરવા માટે ભારત સરકારની પર્યાવરણ અંગેની મંજૂરી મેળવવા માટે રજુઆતો કરવામાં આવી. વિશ્વ બેંક તરફથી આ યોજનાને નાણાંકિય સહાય આપવાનો નિર્ણય થયો તથા મુખ્ય નહેરના શરૂઆતના ૨૧ કિલોમીટર લંબાઇના કામો હાથ ધરવામાં આવ્યા.

તા.૬/૭/૧૯૮૫ થી તા.૧૦/૧ર/૧૯૮૯ :
આ સમયગાળા દરમિયાન સ્વ.શ્રી અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી હતા. તેમના કાર્યકાળ દરમિયાન ભારત સરકારના પર્યાવરણ વિભાગની આ યોજનાને મંજુરી મળતા, મુખ્ય બંધની કામગીરી શરૂ કરી ર૧.પ મીટર સુધી પૂર્ણ કરવામાં આવી તથા રીવર બેડ પાવર હાઉસની કામગીરી પણ શરૂ કરવામાં આવી. મુખ્ય નહેરની ૮ કિલોમીટર લંબાઇના કામો પૂર્ણ થયા. ગુજરાત સરકારે સરદાર સરોવર નર્મદા નિગમ લિમીટેડની જાહેર સાહસ તરીકે રચના કરી, તેમજ ભારત સરકારના આયોજન પંચે આ યોજનાને મંજુરી આપી.

તા.૧૦/૧ર/૧૯૮૯ થી તા.૪/૩/૧૯૯૦ :
આ સમયગાળા દરમિયાન સ્વ.શ્રી માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા. દરમિયાન રીવર બેડ તથા કેનાલ હેડ પાવર હાઉસના ટર્બાઇન સેટ પુરા પાડવાના કરાર થયા. બંધની ઉંચાઇ ર૪.પ મીટર સુધી તથા મુખ્ય નહેરનું ર કિલોમીટરની લંબાઇનું કામ પૂર્ણ કરાયુ.

તા.૪/૩/૧૯૯૦ થી તા.૧૭/ર/૧૯૯૪ :
આ સમયગાળા દરમિયાન સ્વ.શ્રી ચીમનભાઇ પટેલ મુખ્યમંત્રી હતા. તેમના કાર્યકાળ દરમિયાન પુનઃવસન એજન્સીની રચના કરવામાં આવી. બંધની ઊંચાઇ તેમજ પુનઃવસનનું કાર્ય ૬૯ મીટર સુધી પૂર્ણ થતાં કન્સ્ટ્રકશન સ્લુઇસ બંધ કરવામાં આવ્યા. મુખ્ય નહેરનું કામ ૮૯ કિલોમીટર, શાખા નહેરનું કામ ૧૪૩ કિલોમીટર તથા વિતરણ વ્યવસ્થાનું કામ ૪૪૨ કિલોમીટર લંબાઇમાં પૂર્ણ કરાયુ.

તા.૧૭/ર/૧૯૯૪ થી તા.૧૪/૩/૧૯૯૫ :
આ સમયગાળા દરમિયાન શ્રી છબીલદાસ મહેતા મુખ્યમંત્રી હતા. દરમિયાન બંધની ઉંચાઇ ૮૦.૩ મીટર સુધી, તથા મુખ્ય નહેરનું કામ રર કિલોમીટર, શાખા નહેરનું કામ ૧૨૦ કિલોમીટર તથા વિતરણ વ્યવસ્થાનું કામ ૩૨૪ કિલોમીટર લંબાઇમાં પૂર્ણ થયા.

તા.૧૪/૩/૧૯૯૫ થી તા.ર૧/૧૦/૧૯૯૫ :
આ સમયગાળા દરમિયાન શ્રી કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી હતા. તેમના કાર્યકાળ દરમિયાન સુપ્રિમ કોર્ટના મનાઇ હુકમને કારણે બંધની ઉંચાઇ વધારી શકાયેલ ન હતી. પરંતુ મુખ્ય નહેરનું કામ ૭ કિલોમીટર, શાખા નહેરનું કામ ૩૦ કિલોમીટર તથા વિતરણ વ્યવસ્થાનું કામ ૧૬૯ કિલોમીટરની લંબાઇમાં પૂર્ણ કરાયા.

તા.ર૧/૧૦/૧૯૯૫ થી તા.૧૯/૯/૧૯૯૬ :
આ સમયગાળા દરમિયાન શ્રી સુરેશભાઇ મહેતા મુખ્યમંત્રી હતા. સુપ્રિમ કોર્ટના હુકમને કારણે બંધની ઉંચાઇ વધારી શકાયેલ ન હતી. પરંતુ મુખ્ય નહેરનું કામ ૮ કિલોમીટર, શાખા નહેરનું કામ ૧૧૨ કિલોમીટર તથા વિતરણ વ્યવસ્થાનું કામ ૨૬૦ કિલોમીટરની લંબાઇમાં પૂર્ણ થયુ.

તા.૧૯/૯/૧૯૯૬ થી તા.ર૩/૧૦/૧૯૯૬ :
આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિ શાસન હતું. નહેરની કામગીરી પ્રગતિમાં હતી.

તા.ર૩/૧૦/૧૯૯૬ થી તા.ર૭/૧૦/૧૯૯૭ :
આ સમયગાળા દરમિયાન શ્રી શંકરસિંહ વાધેલા રાજ્યના મુખ્યમંત્રી હતા. તેમના કાર્યકાળ દરમિયાન સુપ્રિમ કોર્ટના મનાઇ હુકમને કારણે બંધની ઊંચાઇ વધારી શકાયેલ ન હતી. પરંતુ મુખ્ય નહેરનું કામ ૨૦ કિલોમીટર, શાખા નહેરનું કામ ૯૨ કિલોમીટર તથા વિતરણ વ્યવસ્થાનું કામ ૨૪૦ કિલોમીટર લંબાઇમાં પૂર્ણ કરાયું હતું.

તા.ર૭/૧૦/૧૯૯૭ થી તા.૪/૩/૧૯૯૮ :
આ સમયગાળા દરમિયાન શ્રી દિલીપભાઇ પરીખ મુખ્યમંત્રી હતા. સુપ્રિમ કોર્ટના હુકમને કારણે ડેમની ઊંચાઇ વધારી શકાઇ ન હતી. પરંતુ કેનાલ હેડ પાવર હાઉસનું કામ પૂર્ણ કરવામાં આવ્યું. તથા મુખ્ય નહેરનું કામ ૧૯ કિલોમીટર, શાખા નહેરનું કામ ૯૧ કિલોમીટર તથા વિતરણ વ્યવસ્થાનું કામ ૧૭૮ કિલોમીટર લંબાઇમાં પૂર્ણ થયુ.

તા.૪/૩/૧૯૯૮ થી તા.૭/૧૦/૨૦૦૧ :
આ સમયગાળા દરમિયાન શ્રી કેશુભાઇ પટેલ મુખ્યમંત્રી હતા. તેમના કાર્યકાળ દરમિયાન બંધની ઊંચાઇ ૮૦.૩ મીટરથી ૯૦ મીટર સુધી લઇ જવામાં આવી. આઇ.બી.પી.ટી.ના કામને મંજુરી મળતા પાઇલોટ ટનલ પૂર્ણ કરી, દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પીવાનું પાણી પુરૂ પાડવામાં આવ્યું તથા મુખ્ય નહેરનું કામ ૮૬.૫૦ કિલોમીટર, શાખા નહેરનું કામ ૧૧૯ કિલોમીટર તથા વિતરણ વ્યવસ્થાનું કામ ૫૨૮ કિલોમીટરની લંબાઇમાં પૂર્ણ કરાયુ.

તા.૭/૧૦/ર૦૦૧થી :

શ્રી નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી લઇને આજદિન સુધીમાં આ યોજનામાં અત્યંત મહત્વના સોપાનો સર થયા છે જે આ પ્રમાણે છે :

– આઇ.બી.પી.ટી.નું કામ પૂર્ણ થયુ,

– શાખા નહેરો મારફત સૌરાષ્ટ્ર તથા કચ્છ વિસ્તારમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું,

– મુખ્ય નહેરના માર્ગમાં આવતી વિવિધ નદીઓમાં નર્મદાનું પાણી વહેવડાવવામાં આવ્યું,

– મુખ્યબંધની ઊંચાઇ ૯૦ મીટરથી વધારી ૧૨૧.૯૨ મીટર ક્રેસ્ટ લેવલ સુધી લઇ જવામાં આવી,

– રીવર બેડ અને કેનાલ હેડ પાવર હાઉસના તમામ યુનિટો કાર્યાન્વિત કરી, જાન્યુઆરી ૨૦૦૭ સુધીમાં ૫૩૭ કરોડ વીજ યુનિટનું ઉત્પાદન થયું. તથા ૧,૯૪,૦૦૦ હેક્ટર પિયત વિસ્તારમાં વિકાસના કામો પૂર્ણ થયાં છે.

– સમગ્ર રીતે મુખ્ય નહેરનું કામ ૧૫૫ કિલોમીટર, શાખા નહેરનું કામ ૮૦૯ કિલોમીટર તથા વિતરણ વ્યવસ્થાનું કામ ૯,૮૬૨ કિલોમીટર લંબાઇમાં પૂર્ણ થયું.

– તા.૧૯/૧/ર૦૦૭નાં રોજ યોજનાના બંન્ને વીજ મથકોનું લોકાર્પણ કરવામાં આવ્યું,

– સને ર૦૧૪ થી ર૦૧૬ દરમિયાન નર્મદા કંટ્રોલ ઓથોરિટીની તા.૧ર જુનની ૮૬ મી આકસ્મિક બેઠકમાં બંધની ઊંચાઇ ૧ર૧.૯૨ મીટરથી બંધનું બાકીનું કામ, પીયર્સની ઊંચાઇ વધારવા, ઓવરહેડ બ્રીજ બનાવવા અને ગેટ ખુલ્લા અથવા ઊંચા રાખવા સાથેના કામની મંજુરી મળી.

– તા.૧ર મી જુન, ૨૦૧૪નાં રોજ મુખ્યમંત્રીશ્રીના હસ્તે મુખ્ય બંધ પીયર્સ નં.૪૯માં કોંક્રિટ કામ શરૂ કરાયું. મુખ્ય બંધના બધા જ ૨૯ પીલરનું કામ મહત્તમ લેવલ ૧૪૪.૫૦ મીટર (ફાયનલ લેવલ) સુધી તા.ર૭/૧૦/૨૦૧૫ નાં રોજ પૂર્ણ કરવામાં આવ્યું.

– મુખ્ય બંધના બધા જ ૩૦ બ્રીજ સ્પાન (સ્લેબ)નું કામ ૧૪૪.૫૦ મીટરથી ૧૪૬.૫૦ મીટર (ફાયનલ લેવલ) સુધી તા.રપ/૧/૨૦૧૬નાં રોજ પૂર્ણ કરાયું.

– મુખ્યબંધના બધા જ પીલર કેપનુ઼ કામ ૧૪૪.૫૦ મીટરથી ૧૪૮.૮૦ મીટર (ફાયનલ લેવલ) સુધી તા.ર૮/૩/ર૦૧૬નાં રોજ પૂર્ણ કરવામાં આવ્યું.

– મુખ્ય બંધની બધી જ ૩૦ પેરાપેટ વોલનું કામ પૂર્ણ કરાયું.

– મુખ્ય બંધના નોન ઓવરફલો બ્લોક્સને મહત્તમ લેવલ ૧૪૬.૫૦ મીટરે તા.૫/૧૧/૨૦૧૫નાં રોજ પહોંચાડવામાં આવ્યા.

– મુખ્ય બંધના બધા જ ૩૦ રેડિયલ ગેટ્સને તા.૧૦/૭/ર૦૧૬નાં રોજ લગાડી દેવામાં આવ્યા અને ૧:૧૦૦ વર્ષના હિસાબે ર૪.પ૦ લાખ ક્યુસેક ફલડ માટે નર્મદા કંટ્રોલ ઓથોરિટીના આદેશ મુજબ એફલક્ષ લેવલ ૧૩૪.૧૫ મીટરે ખુલ્લી સ્થિતિમાં રાખવામાં આવેલ છે.

– સને ર૦૧૭ : નર્મદા કંટ્રોલ ઓથોરિટીની તા.૧૬ મી જુન ૨૦૧૭ ની ૮૯ મી આકસ્મિક મિટિંગમાં નિયત થયા મુજબ મુખ્ય બંધના બધા જ ૩૦ રેડિયલ ગેટ્સને બંધ કરવાની મંજુરી આપવામાં આવી.

– તા.૧૭/૬/ર૦૧૭નાં રોજ એક સાદા સમારંભમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે સ્વીચ દબાવી આ ગેટ બંધ કરવાની શરૂઆત કર્યા બાદ આજે બધા જ ગેટ બંધ કરવામાં આવ્યા છે.

– જેનું તા. ૧૭ મી સપ્ટેમ્બર, ૨૦૧૭નાં રોજ ગુજરાતના પનોતાપૂત્ર અને લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે રાષ્ટ્રાર્પણ થવા જઇ રહ્યું છે.

Related Stories

error: Content is protected !!