દારૂની મહેફિલ અને જુગાર રમતા પકડાયેલા આરોપીઓને ડીસા કોર્ટે ફટકારી અનોખી સજા, સિવિલ હોસ્પિટલમાં કરવી પડશે સફાઈ

ડીસા : ડીસામાં વર્ષ 2૦૦9માં એક હોટલમાં દારૂ જુગારની મિજબાની કરી ગુનો કરતા ત્રણને જે તે સમયે પોલીસે પકડી જેલ હવાલે કર્યા હતા. જેમાં ટ્રાયલ કોર્ટે તમામને એક માસની સજા અને દંડ ફટકાર્યો હતો. જોકે, આરોપીઓ સેશન્સ કોર્ટમાં ફટકારેલી સજા સામે અપીલમાં જતા સેશન્સ કોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને દાખલારૂપ સજામાં ફેરવી આરોપીઓને 1 માસ સુધી ડીસા સિવિલ હોસ્પિટલમાં સફાઇ કરી તેનું વિડીયો રેકોર્ડીંગ રજુ કરવાનો હુકમ ફરમાવ્યો છે. કોર્ટે ફટકારેલી આ અનોખી સજાને લઈને સૌકોઈ ચોકી ઉઠ્યા હતા, પરંતુ આ હુકમ આવકારદાયક બન્યો છે.

સમગ્ર કેસની માહિતી મુજબ, વર્ષ 2009માં ડીસાના ટોપ ઇન ટાઉન ગેસ્ટ હાઉસના રૂમમાં પોલીસે દરોડા પાડતા આરોપીઓ દેવચંદ પુનમચંદ મોદી, કિર્તીલાલ ચમનલાલ નાઇ, અને નવિન પ્રહલાદભાઇ પટેલ રૂમમાં દારૂની મહેફીલ તથા જુગાર રમતા ઝડપાય ગયા હતા. જ્યારે આ અંગે ડીસા શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ અંગેનો કેસ ડીસાની કોર્ટમાં આવ્યો હતો.કોર્ટમાં આ કેસના ચુકાદા દરમિયાન ત્રણેય આરોપીઓને 1 માસની સજા અને 1૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જોકે, આ સજા સામે આરોપીઓએ ડીસાના મે. એડી. ચોથા સેસન્સ જજની કોર્ટમાં ક્રિમિનલ અપિલ કરી હતી. આ કોર્ટમાં ઉપરોક્ત નીચલી કોર્ટનો હુકમ કાયમ રાખવામાં આવ્યો હતો અને આ સાથે જ કોર્ટે સજામાં ફેરફાર કરી દરેક આરોપીઓને 16 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી સવારે 1૦ થી 12 વાગ્યા સુધી અને સાંજે 4 થી 6 વાગ્યા સુધી ડીસાની સિવિલ હોસ્પિટલમાં આવેલા સમાજ સેવામાં સાફ સફાઇ કરવી તેવી સજાનો હુકમ કર્યો હતો. આ સાથે જ આ સાફ સફાઈનો વિડીયો ફૂટેજ પણ કોર્ટમાં રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે. જે આદેશને પગલે આજે (શુક્રવારે) આ આરોપીઓએ સિવિલ હોસ્પિટલમાં સાફ સફાઈ કરી હતી.

આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, આરોપીઓએ તેમના સ્વખર્ચે આ સજારૂપે કરાતી સફાઈનું વીડીયો રેકોર્ડીંગ કરી અને તેની સીડી દર અઠવાડીએ સિવિલ હોસ્પિટલના હેડને પુરી પાડવાની રહેશે. આ આખી સજાનું મોનીટરીંગ ડીસા સિવિલ સર્જનને કરવા માટે કોર્ટે આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ અનોખી સજા ફટકારવામાં આવતા સૌકોઈ આશ્ચર્યમાં મુકાય ગયા હતા. જોકે, આ એક અનોખી પહેલ હોવાને કારણે લોકોએ તે આદેશને આવકર્યો પણ હતો.

error: Content is protected !!