બેંક એકાઉન્ટ, મોબાઇલ સિમકાર્ડ, શાળા કે ખાનગી કંપનીઓમાં આધારકાર્ડ જરૂરી નહીં: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: આધારકાર્ડની બંધારણીય કાયદેસરતા અને યોગ્યતાને લઇને સુપ્રીમ કોર્ટે આજે (બુધવારે) મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. 5 જજની બેન્ચે ચુકાદો આપતાં કહ્યું હતું કે, આધાર પર હુમલો એ બંધારણની વિરુદ્ધ છે અને હવે બેંક એકાઉન્ટ ખોલવા, મોબાઇલ સિમકાર્ડ ખરીદવા કે શાળામાં એડમિશન લેવા માટે આધારકાર્ડ માગી શકાશે નહીં એટલે કે આધારકાર્ડ હવે જરૂરી રહેશે નહીં. કોર્ટે એ પણ ઉમેર્યું હતું કે, ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ કે વિદેશીઓને આધારકાર્ડ ન મળે તે સરકારે સુનિશ્ચિત કરવું પડશે. આ સાથે જ કોર્ટે આધારની બંધારણીય કાયદેસરતા અને યોગ્યતાને અકબંધ રાખી હતી.

સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે, દરેક ચીજ બેસ્ટ હોય એ જરૂરી નથી, પરંતુ કંઇક અલગ પણ હોવું જોઇએ. સુપ્રીમ કોર્ટે ઉમેર્યું કે, કોઇ મોબાઇલ સિમ કાર્ડ કંપની અને કોઈ અન્ય ખાનગી કંપની આધાર માંગી શકે નહીં. કોઇ પ્રાઇવેટ પાર્ટીને આ ડેટા જોવાનો અધિકાર નથી.

કોર્ટે કેટલીક શરતો પણ રજૂ કરી હતી. જેમાં કોર્ટે કહ્યું કે, સરકાર બાયોમેટ્રિક ડેટાને રાષ્ટ્રીય સુરક્ષાના નામે કોર્ટની પરવાનગી વગર કોઇ પણ એજન્સીને શેર કરશે નહીં. સીબીએસઇ, નીટ અને યુજીસી માટે આધાર અનિવાર્ય બનશે, પરંતુ સ્કૂલ એડમિશન, બેંક  એકાઉન્ટ કે મોબાઈલનું સીમકાર્ડ ખરીદવા માટે આધાર જરૂરી નથી. આધાર એકટની કલમ-57 સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે અને તેથી ખાનગી કંપનીઓ પણ હવે આધાર માગી શકશે નહીં.જેટલું શકય હોય એટલું જલદી મજબૂત ડેટા સંરક્ષણ કાયદો લાગુ કરવામાં આવે.

કોર્ટે કહ્યું હતું કે, આધાર નોમિનેશન માટે યુઆઇડીએઆઇ દ્વારા નાગરિકોના લઘુતમ વસ્તીગણતરી સંબંધિત અને બાયોમેટ્રિક ડેટા એકત્ર કરવામાં આવે છે. આધાર નંબર એ અનન્ય છે અને કોઇ અન્ય વ્યકિત પાસે તે જઇ શકતો નથી.

જસ્ટિસ સિકરીએ કહ્યું હતું કે, “આધાર કાર્ડે ગરીબોને ઓળખ અને તાકાત આપી છે. તેમાં ડુપ્લિકેસીની શકયતા નથી. ત્યારે આધારકાર્ડ પર હુમલો કરવો એ લોકોના અધિકારો પર હુમલા કરવા સમાન છે.”

error: Content is protected !!