આરુષી-હેમરાજ મર્ડર કેસ: રાજેશ અને નૂપુર તલવારને ઇલાહાબાદ હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા

ઇલાહાબાદ, દેશગુજરાત: નોઇડાના વિખ્યાત આરુષી-હેમરાજ મર્ડર કેસ અંગે ગુરુવારે ઇલાહાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપતા રાજેશ અને નૂપુર તલવારને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે.

ન્યાયધીશ બી.કે.નારાયણ અને અરવિંદ મિશ્રાની ખંડપીઠે ગુરુવારે બપોરે અંદાજે 3 વાગ્યે આ કેસનો ચુકાદો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજેશ અને નૂપુર તલવાર બંને હાલ ડાસના જેલમાં કેદ છે. હાઈકોર્ટે બંનેને નિર્દોષ જાહેર કરતા શુક્રવારે બંનેને જેલમાંથી મુક્ત કરવામાં આવી શકે છે.

ખંડપીઠે ચુકાદો આપતા કહ્યું કે, સીબીઆઈની તપાસમાં ઘણી ખામીઓ હતી. તેથી, તલવાર દંપતી પર શંકા ઉભી થઇ હતી. જોકે, હવે સાબિત થઇ ગયું છે કે માતા-પિતા રાજેશ અને નૂપુર તલવારે પોતાની પુત્રી આરુષીની હત્યા કરી નથી.

નોંધનીય છે કે, અગાઉ આ કેસમાં આરોપી દંપતી ડૉ.રાજેશ તલવાર અને નૂપુર તલવારે સીબીઆઈ કોર્ટના આજીવન કેદના ચુકાદાને ઇલાહાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

2008માં 15 અથવા 16મી મેની રાત્રીએ ડૉ. રાજેશ તલવારની પુત્રી આરુષી તલવારની નોઈડાના સેક્ટર 25માં આવેલા તેના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી. ઘરની છત પરથી  તેના નોકર હેમરાજની પણ લાશ મળી આવી હતી. આરુષી અને હેમરાજની હત્યાના કેસમાં આરોપી તરીકે નોઇડા પોલીસે 23મી મેએ ડૉ.રાજેશ તલવાર અને નૂપુર તલવારની ધરપકડ કરી હતી. આ કેસની તપાસ 1 જૂન,2008માં સીબીઆઈને સોંપવામાં આવી હતી.

સીબીઆઈની તપાસના આધારે 26 નવેમ્બર,2013માં ગાજિયાબાદની સીબીઆઈ કોર્ટે હત્યા અને પુરાવાના નાશ બદલ તલવાર દંપતીને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારથી લઈને આજ સુધી તલવાર દંપતી જેલમાં પુરાયેલા છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી માયાવતીએ આ કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી.

error: Content is protected !!