અમદાવાદમાં 31 મે સુધીમાં રસ્તાના તમામ કામો પૂર્ણ કરવા મહાનગરપાલિકા કમિશનરે આપ્યો આદેશ

અમદાવાદ: અમદાવાદમાં બિસ્માર રસ્તાઓને કારણે શહેરીજનો દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવતી હોય છે. ખાસ કરીને આ સમસ્યા ચોમાસા દરમિયાન સામે આવતી હોય છે. હાઇકોર્ટે પણ અવારનવાર તંત્રની તૂટેલા રોડ અને તેના રિપેરિંગ અંગે અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાવાળાઓની ઝાટકણી કાઢી છે. જોકે, આ વર્ષે સત્તાધીશો કોન્ટ્રાકટરને ઊંચા ભાવ ચૂકવીને રસ્તાના કામ ઝડપભેર કરાવવાની દિશામાં પ્રયત્નશીલ બન્યા છે.  આ દરમિયાન આગામી 31 મે સુધીમાં રસ્તાના તમામ કામ આટોપી લેવાનો આદેશ તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે. આ અંગે કમિશનરે પરિપત્ર પણ બહાર પાડ્યું છે.

મહાનગરપાલિકા બોર્ડની મંગળવારે મળેલી બેઠકમાં વિપક્ષ કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ રોડના કામના કોન્ટ્રાકટર નરનારાયણ ઇન્ફ્રાસ્ટ્રકચરને ગત વર્ષ 2017-18માં પૂર્વ ઝોનના વિવિધ રસ્તાના રિસરફેસિંગ માટે અપાયેલા રૂ.12.46 કરોડના કોન્ટ્રાકટમાં વધારાનું રૂ.12 કરોડનું કામ આપવા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તંત્રેએ કોન્ટ્રાકટરને આ વધારાનું કામ વગર ટેન્ડરે આપ્યું હોવાનો વિપક્ષ નેતાએ આક્ષેપ કરતાં બોર્ડમાં ખળભળાટ મચી ગયો હતો.

આ સામગ્ર મામલે કમિશનર મૂકેશકુમારે કહ્યું કે, આ કામમાં કંઇ જ ખોટું કરાયું નથી. અગાઉના મંજૂર થયેલા ભાવ પર જ વધારાનું કામ અપાયું છે. અગાઉ 3 વખત ટેન્ડર પ્રસિદ્ધ થયા હતા, પરંતુ કોઇએ ટેન્ડર ન ભરતાં સ્પર્ધા થઇ નથી તો શું રોડનું કોઇ કામ નહીં કરવાનું? તેવો વેધક સવાલ કમિશનરે કર્યો હતો.

દ‌િક્ષણ ઝોનના વટવામાં તળાવથી હોમગાર્ડ ઓફિસ થઇ બાલા હનુમાન મંદિરથી રિંગરોડને જોડતો ગામડી રોડ તેમજ નવા પશ્ચિમ ઝોનના વિવિધ રસ્તાના રિસરફેસિંગની કામગીરી ચોમાસા પહેલાં પૂર્ણ કરવી જરૂરી છે.

error: Content is protected !!