રાજયના ખેડૂતોને વધારાના બે કલાક વીજ પુરવઠો આપવામાં આવશે

ગાંધીનગર, દેશગુજરાત:  રાજ્ય સરકારે  રાજયભરના ખેડૂતોને વધારાના બે કલાક વીજ પુરવઠો આપવાનું નક્કી કર્યું છે.

રાજ્ય સરકારના આ ખેડૂતલક્ષી નિર્ણય સંદર્ભે વધુ માહિતી આપતા મંત્રી ચીમનભાઈ સાપરિયાએ કહ્યું હતું કે મગફળી અને ડાંગર પકવતા ખેડૂતોને સિંચાઇ માટે પાણી પુરૂ પાડવા જરૂરી વધારાનો વીજ પુરવઠો આપવાની ખેડૂતોની લાગણીનો રાજ્ય સરકારે તાત્કાલિક પ્રતિભાવ આપ્યો છે અને ખેડૂતોની આ લાગણીને ધ્યાને લઈને રાજ્ય સરકારે રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ખેડૂતોને હાલ જે વીજ પુરવઠો મળે છે તેમાં વધારાના બે કલાક ઉમેરી રાજયભરના ખેડૂતોને કુલ દસ કલાક વીજ પુરવઠો પૂરો પાડવાનો નિર્ણય કર્યો છે.

મંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકારના નિર્ણયને લીધે રાજ્યના મગફળી અને ડાંગર પકવતા ખેડૂતો તેમના પાકને પૂરતું પિયત આપી શકશે. ભૂતકાળમાં પણ રાજ્યના ખેડૂતોને જ્યારે જ્યારે જરૂરિયાત જણાઈ છે ત્યારે જે તે વિસ્તાર અને પાકની જરૂરિયાત મુજબ રાજ્ય સરકારે તાત્કાલિક નિર્ણય લઈને રાજ્યના ખેડૂતોને વધારાનો વીજ પુરવઠો પૂરો પડ્યો છે.

error: Content is protected !!