મોલ મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગ પૂરું પાડવું એ સંચાલકોની જવાબદારી : પોલીસ વિભાગે હાઇકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યમાં આવેલા મોલ અને મ‌લ્ટિપ્લેક્સના માલિકો દ્વારા પાર્કિંગ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ કમિશનરના જાહેરનામાને પડકારતી અરજી કરવામાં આવી છે. જે મામલે આજે (સોમવારે) ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે કહ્યું  હતું કે, મોલ અને મ‌લ્ટિપ્લેક્સ જાહેર સ્થળની વ્યાખ્યામાં આવે છે.

સોગંદનામામાં પોલીસે વધુમાં કહ્યું કે, જાહેર સ્થળે પાર્કિંગ પૂરું પાડવું એ સંચાલકોની જવાબદારી છે. મોલ મલ્ટિપ્લેક્સના સંચાલકો પાર્કિંગ ચાર્જ ઉઘરાવતા હોય છે, જેના કારણે લોકોને રસ્તા પર વાહન પાર્ક કરવા માટે મજબૂર થવું પડે છે, જે કાયદેસરનો ગુનો ગણાય છે. આ સાથે જ પોલીસે વિભાગ દ્વારા સોગંદનામામાં એ પણ ઉલ્લેખ કરાયો હતો કે, ગુજરાત હાઈકોર્ટે અગાઉ પાર્કિંગ મુદ્દે પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી, ગુજરાત હાઈકોર્ટે જાહેર હિતની અરજીમાં આપેલા ચુકાદા અને નિર્દેશોનું પાલન કરવું તે પોલીસની પ્રાથમિક જવાબદારી છે.

ઉલ્લેખનીય છે કે, શહેરના મોલ અને મ‌લ્ટિપ્લેક્સમાં પાર્કિંગને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું, જેને મોલના સંચાલકોએ હાઈકોર્ટમાં પડકાર્યું છે. હાઈકોર્ટે મોલના સંચાલકોને થોડી ઘણી રાહત આપી અને થોડા સમય માટે પોલીસને મોલ સંચાલકો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી ન કરવાના આદેશ પણ આપ્યા છે.

error: Content is protected !!