મહાત્મા મંદિર ખાતે 19 જાન્યુઆરીએ ‘આફ્રિકા ડે- આફ્રિકા દિવસ’ની ઉજવણી કરાશે

ગાંધીનગર:નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 ના ભાગરૂપે સૌ પ્રથમવાર ‘આફ્રિકા ડે- આફ્રિકા દિવસ’ની 19 જાન્યુઆરી, 2019 ના રોજ ઉજવણી કરાશે.

આજે ગાંધીનગર ખાતે ‘આફ્રિકા ડે- આફ્રિકા દિવસ’ના આયોજન અંગે રાજ્યના ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલએ પત્રકારોને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “વૈશ્વિક નેતાઓ અને વેપાર ઉદ્યોગના આગેવાનો માટે વ્યૂહાત્મક ભાગીદારી, વેપાર અને રોકાણો અંગે તકોની ચર્ચા કરવા અને ભારત તથા આફ્રિકા અને ખાસ કરીને ગુજરાત અને આફ્રિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધોને આગળ વધારવા સંયુક્ત મંચ પૂરો પાડવાના હેતુથી આફ્રિકાને સમર્પિત ખાસ એવા “આફ્રિકા ડે”નું આયોજન કરવામાં આવ્યું છે”.

પત્રકાર પરિષદમાં કૃષિ અને પંચાયત રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમાર અને પ્રવાસન વિભાગના અગ્ર સચિવશ્રી  એસ. જે. હૈદર પણ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર દિવસભર ચાલનારા ‘આફ્રિકા દિવસ’નો ઉદ્દઘાટન સમારંભ 19મી જાન્યુઆરીના રોજ સવારે યોજાશે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ઉપરાંત વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ ઉપસ્થિત મહેમાનો, ડેલીગેટ્સ અને મુલાકાતીઓને વિશેષ સંબોધન કરશે

મંત્રીશ્રીએ ગુજરાત-આફ્રિકા સાથેના વેપાર અંગેની માહિતી આપતાં કહ્યું, “ગુજરાત હાલમાં આફ્રિકાના 54 દેશોમાંથી 51 દેશોમાં વિવિધ ચીજવસ્તુઓની નિકાસ કરે છે, જે વર્ષ 2017-18 દરમિયાન 19.6 બિલિયન અમેરિકન ડૉલરની હતી. છેલ્લાં ચાર વર્ષમાં ગુજરાતમાંથી આફ્રિકન દેશોમાં થતી કુલ નિકાસ બમણાથી વધુ થઈ છે. આફ્રિકાના દેશોમાં ગુજરાતમાંથી થતી નિકાસ આશરે 30% હિસ્સો ધરાવે કરે છે”.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ સમગ્ર આયોજન સરળતાથી થઈ શકે એ માટે ઈન્ડો-આફ્રિકા ચેમ્બર ઑફ કોમર્સને ભાગીદાર સંસ્થા તરીકે પસંદ કરવામાં આવી છે. જ્યારે આ નવમી વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે દક્ષિણ આફ્રિકા અને મોરોક્કો ભાગીદાર દેશો બન્યા છે. જે આફ્રિકા ખંડમાંથી બે દેશો પ્રથમવાર ભારતના સૌથી મોટા બિઝનેસ સમિટ માટે ભાગીદાર બનનાર છે. આ બાબત સંસાધન સમૃદ્ધ અને ઝડપી વિકાસશીલ ખંડ તરીકે વધતા જતા મહત્વને પ્રથાપિત કરે છે. આ સમિટ માટે આશરે 800 જેટલા ભારતીય વેપારીઓની થયેલી નોંધણી સાથે આશરે 180 થી વધુ આફ્રિકન વેપાર ઉદ્યોગના અગ્રણીઓએ જોડાવાની ખાતરી આપી છે. હાલમાં, ગુજરાતમાં હાલમાં અભ્યાસ કરતા 100 થી વધુ આફ્રિકન વિદ્યાર્થીઓ પણ ભાગ લેનાર છે.

આ ઉદ્દઘાટન સમારંભમાં રવાન્ડા પ્રજાસત્તાકના પ્રમુખ અને આફ્રિકન સંઘના અધ્યક્ષશ્રી પૌલ કાગમે ચાવીરુપ સંબોધન કરશે. આફ્રિકાના 10થી 15 જેટલા મંત્રીશ્રીઓ પણ આ આફ્રિકા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. આફ્રિકન દેશોના દિલ્હી ખાતેના આશરે 20 જેટલા રાજદૂતો/ઉચ્ચ કમિશનરોએ પણ આ દિવસે ભાગ લેવાની સહમતિ દર્શાવી છે.

ઉર્જામંત્રીશ્રીએ તકનીકી સત્ર અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ સત્ર બાદ કાર્યક્રમમાં ભાગ લેનારાઓ અહીં યોજાનારા વિવિધ તકનીકી સત્રમાં જોડાશે, જેનું આફ્રિકા સાથેના વેપાર તથા વેપારની તકો અને એના પડકારોને ધ્યાનમાં રાખીને ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ આદાન-પ્રદાનમાં સંબંધિત દેશમાં ધંધાકિય વાતાવરણ, નિકાસની તકો, જમીનની ઉપલબ્ધતા અને મંજુરીઓ, શ્રમ, સરકારી સંલગ્ન નીતિઓ અને વહીવટી અનુકુળતાઓ જેવા અન્ય કેટલાક વિષયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેનાથી ભારતના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ કે જેઓ આફ્રિકામાં વેપાર-ઉદ્યોગની તકોની શોધમાં છે તેમને અને સામે પક્ષે આફ્રિકન દેશોના પ્રતિનિધિઓને પણ ભારતમાં આવી જ તકો શોધવા માટે જરૂરી માર્ગદર્શન અને સહાય મળી રહેશે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, હેલ્થકેર, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઈલ્સ, પુનઃપ્રાપ્ય ઊર્જા, એગ્રો-બિઝનેસ, જેમ્સ એન્ડ જ્વેલરી, માઇનિંગ એન્ડ મિનરલ્સ અને સ્કિલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રો આફ્રિકન વેપાર-ઉદ્યોગ પ્રતિનિધિઓ માટે ધ્યાનાકર્ષક ક્ષેત્રો છે. આ પ્રસંગે, વિશેષ કરીને આરોગ્ય સંભાળ, શિક્ષણ અને ખનિજ વિકાસ જેવા ક્ષેત્રોમાં ઓછામાં ઓછા 12 થી 15 જેટલાં એમઓયુ પર હસ્તાક્ષર થવાની સંભાવના છે.

વિદેશી પ્રતિનિધીઓ માટે ગુજરાતની શ્રેષ્ઠ હેલ્થકેર સુવિધાઓ પૂરી પાડતી વિવિધ સંસ્થાઓ જેવી કે, ઝાયડસ હોસ્પિટલ્સ, યુ.એન. મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડિઓલોજી, અમુલ ડેરી પ્રોસેસિંગ પ્લાન્ટ, આઈઆઈટી-ગાંધીનગર, ગિફ્ટ-સિટી અને સાબરમતી રિવરફ્રન્ટની સ્થળ મુલાકાત પણ યોજવામાં આવશે તેવી માહિતી પણ તેમણે આપી હતી.

આફ્રિકામાં રોજગારી અને મૂડીનું સર્જન ઉભું કરતાં આફ્રિકન દેશોના સ્રોતો ભારતના આર્થિક વિકાસ માટે ચાલક ભુમિકા પૂરી પાડવામાં મહત્વનો ફાળો આપે છે એ જોતાં, આફ્રિકાનો વિકાસ ભારત માટે એક વિશાળ તક છે.

પ્રદર્શન અંગેની માહિતી આપતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે આ પ્રદર્શન આશરે ક્ષેત્રફળ 2,200 ચોરસમીટરનું ક્ષેત્રફળ વિસ્તારમાં આફ્રિકન અને ભારતીય કંપનીઓએમના અરસપરસના રસ ધરવતા ઉત્પાદનોને પ્રદર્શિત કરી શકે એ માટે એક વિશિષ્ટ આફ્રિકા પેવેલિયનનું પણ ઊભું કરાશે, જેમાં 54 આફ્રિકન દેશોમાંથી વિવિધ ઉત્પાદનો અને સેવાઓદર્શાવવામાં આવશે. આફ્રિકાના કુલ 54 દેશો પૈકીના 32 આફ્રિકન રાષ્ટ્રોએ આફ્રિકન પેવેલિયનમાં ભાગ લેવાનું સ્વીકાર્યું છે. જોકે, હજુ પણ બાકીના કેટલાક દેશોની જોડાવાની અપેક્ષા છે. સુઝલોન, વેદાંત, ગોદરેજ, ઝાયડસ અને રિલાયન્સ વગેરે જેવી ભારતીય અગ્રણી કંપનીઓમાં ભાગ લેશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ અગાઉ, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2017 જે 10 થી 13 જાન્યુઆરી 2017માં યોજાઈ હતી તેમાં આફ્રિકન ખંડના દેશોમાંથી નોંધપાત્ર સહભાગિતા જોવા મળી હતી. જેમાં 18 આફ્રિકન દેશોમાંથી 160 થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. વિવિધ રાજ્યો અને સરકારોના વડાઓ સહિતઅનેક વિદેશી પ્રતિષ્ઠિત અગ્રણીઓએ આ આયોજનની પ્રશંશા કરેલી છે.

જ્યારે વિસ્તૃત સંદર્ભમાં જોવા જઈએ તો, આફ્રિકામાં બહુવિધ ક્ષેત્રેસહભાગીતાને વધુ અસરકારક અને ઊંડાણપૂર્વક આગળ વધારવાની સરકારની અગ્રિમતા રહી છે. ગુજરાતમાં આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કનું વર્ષ 2017 વાર્ષિક અધિવેશન મળ્યું હતું, જેના કારણે ભારત અને આફ્રિકા વચ્ચેના આર્થિક સહકાર અને ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે યોગ્ય મંચ પૂરો પાડ્યો હતો. ભારત સરકારે ભારત અને આફ્રિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે “ભારત આફ્રિકા સહકાર” કાર્યક્રમ પણ યોજ્યો હતો અને બન્ને દેશો વચ્ચે યોજાતી વાર્ષિક બેઠકોની ફલશ્રુતિને રજુ કરતું પ્રદર્શન પણ યોજ્યું હતું.

આ સમગ્ર ઘટનાક્રમ ભવિષ્યમાં ભારત અને આફ્રિકા વચ્ચેના સંબંધોને વિકાસ અને સમૃદ્ધિ તરફના પ્રયાણમાં સમાન હિસ્સેદાર બનાવવાના સંબંધો વિકસાવવાની દિશામાં વધુ સ્થિરતા અને જોશ પૂરો પાડવા માટે ચાવીરુપ ભુમિકા ભજવશે.

Related Stories

error: Content is protected !!