વડોદરામાં ગણેશ સવારી સમયે તોફાનમાં દેશી બોમ્બ ફેકયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું

વડોદરા, દેશગુજરાત: 10 ઓગસ્ટે વાજતેગાજતે નીકળેલી ગણેશ સવારી માંડવી રોડ પર પહોંચી ત્યારે અચાનક જ સ્ટ્રીટ લાઈટો બંધ થઇ ગઈ હતી. આ સાથે જ પથ્થરમારો અને મોડી રાત્રે આગચંપીના વિવિધ બનાવ બાદ વાતાવરણ ગરમાયું હતું. ઘટના અંગેની પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, તોફાન સમયે દેશી બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. આ સાથે જ હુમલામાં સંડોવણી હોવાની શંકાના આધારે પોલીસે બે આરોપીની શુક્રવારે રાત્રે ધરપકડ કરી હતી.

માંડવી રોડ પર પ્રતાપ મડઘાની પોળના ગણેશની યાત્રા સમયે પૂર્વ આયોજનપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો. તે પછીના તોફાનના બનાવ સંદર્ભે કરવામાં આવેલી પોલીસ તપાસ બાદ તોફાની ટોળામાં સામેલ મદાર માર્કેટનો રહેવાસી મહંમદ હનીફ મલેક અને આજવા રોડ પર આવેલી બહાર કોલોનીમાં રહેતા અયાઝ ઉર્ફે કાકળીયો મહંમદમિયાં અરબની શુક્રવારે રાત્રે પોલીસે ધરપકડ કરી હતી. આ બંને યુવાનનો પૂછપરછમાં યોગ્ય સહકાર આપતા ન હોવાથી શનિવારે તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા ત્યારે 7 દિવસના રિમાન્ડની મંજુરી માંગવામાં આવી હતી. જોકે, બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાલયે બંનેના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના દરમિયાન પાઈપ બોમ્બ અને હાથ બનાવટના બોમ્બ ફેંકવામાં આવ્યા હોવાની માહિતી પોલીસે શનિવારે કોર્ટ સમક્ષ રજુ કરી હતી. આ સાથે જ પોલીસે બંનેના બે દિવસના રિમાન્ડ મેળવી હુમલાનું ષડ્યંત્ર ક્યાં ઘડાયું? કોના ઇશારે થયું? આર્થિક મદદ ક્યાંથી મળી? વગેરે દિશામાં પોલીસ માહિતી મેળવવાનો પ્રયાસ કરશે.

તોફાનમાં અજ્જુ કાનિયો, શાહબાઝ ઝુલ્ફીકાર સૈયદ, મહંમદ સલીમ અબ્દુલ રહીમ, લાલુ અંડો અને તેનો ભાણિયો સહીત અંદાજે 300 લોકો તોફાન કરવામાં સામેલ હતા. બીજી તરફ તોફાનની આ ઘટના અંગે તટસ્થ તપાસ માટે મુસ્લિમ અગ્રણીઓએ શનિવારે શહેર પોલીસ કમીશનરને રજૂઆત કરી હૈ. મુસ્લિમ આગેવાનોએ કહ્યું કે, તપાસને લઈને મુસ્લિમ યુવાનોની ખોટી રીતે ધરપકડ થવાનો મુસ્લિમોમાં દર છે. આ સાથે જ તપાસ માટે એસઆઈટી રચના કરવા અંગે મુસ્લિમ અગ્રણીઓએ કમિશનરને કહ્યું હતું.

error: Content is protected !!