ગુજરાત સરકાર અને વિશ્વખ્યાત કંપની ગૂગલ ઇન્ડીયા વચ્ચે થયા કરાર

ગાંધીનગર, દેશગુજરાત:  ‘ડીજીટલ ગુજરાત’ના પ્રયાસોને ફાસ્ટ-ટ્રેક પર લાવવાના ઉદાત હેતુથી ગુજરાત સરકારે ઈન્ટરનેટ ક્ષેત્રની વિશ્વવિખ્યાત કંપની ગુગલ ઈન્ડિયા સાથે એમઓયુ કર્યા છે. ગાંધીનગરમાં આ MoU ગુગલ ઇન્ડીયાના પબ્લિક પોલિસી ડિરેકટર ચેતન ક્રિષ્ણાસ્વામી તથા મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંહ, તેમજ પ્રવાસન, શ્રમ-રોજગાર, ઉચ્ચશિક્ષણ, ગ્રામ વિકાસ અને સાયન્સ ટેકનોલોજીના અગ્રસચિવઓ સહીત મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા.

આ MoU અન્વયે ગ્રામીણ મહિલાઓને ડીજીટલ વિશ્વથી માહિતગાર કરવા ગુગલ ઈન્ડિયા ગુજરાત સરકાર સાથે મળીને પ્રયાસ કરશે. ગુગલ ઈન્ડિયા ‘ઈન્ટરનેટ સાથી’ કાર્યક્રમ અંતર્ગત મહિલાઓ અને બાળકોને રોજિંદા જીવનમાં ઈન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ પણ પૂરી પાડશે.

આ ઉપરાંત, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને તેમના વ્યાપારની વૃદ્ધિ માટે ડીજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની તાલીમ અને લઘુ ઉદ્યોગકારોને ‘ડીજીટલ અનલોક્ડ’ કાર્યક્રમ હેઠળ ગુગલ ઓનલાઈન બિઝનેસ માટે મદદરૂપ થશે.

લાયકાતપાત્ર સ્ટાર્ટ-અપ ઉદ્યોગોને ગુગલ એક વર્ષમાં ૨૦,૦૦૦ યુએસ ડોલર સુધીની ગુગલ ક્લાઉડ સુવિધા પણ આપશે, તેમ આ MoU અંતર્ગત નક્કી થયુ છે.

રાજ્યના યુવાધનને આધુનિક મોબાઈલ અને વેબ ટેક્નોલોજી અંગે માહિતગાર કરીને તેમના કૌશલ્યવર્ધનના પ્રયાસો વેગવાન બનાવાશે. ડિગ્રી/ડિપ્લોમા અને એમસીએ નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ગુગલ એન્ડ્રોઈડ ફંડામેન્ટલ્સના કોર્સ અને મોબાઈલ ડેવલપમેન્ટ તાલીમ ઓફર કરશે.

ગુજરાતની ઇતિહાસ અને ભવ્ય સાંસ્કૃતિક વારસાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા ગુગલ અને ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગ, તેમજ પ્રવાસન વિભાગ સાથે મળીને રાજ્યના ઈતિહાસ, સ્થાપત્ય વારસા અને સાંસ્કૃતિક વિરાસતનો ડીજીટલ સંગ્રહ તૈયાર કરશે.

error: Content is protected !!