અમદાવાદ-રાજકોટ છ લેન હાઈ-વેનું નવરાત્રિમાં કરાશે ખાતમુહૂર્ત: નીતિન પટેલ

રાજકોટ: અમદાવાદ-રાજકોટ હાઈ-વેને છ લેનનો બનાવવા ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને નવરાત્રિમાં આ હાઈ-વેનું ખાતમુહૂર્ત પણ થશે. એવી જ રીતે રાજકોટ-મોરબી રોડ ફોર લેન કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. નાયમ મુખ્યમંત્રી નીતિન પટેલે શુક્રવારે રાજકોટમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપી હતી.

પટેલે પત્રકારોને માહિતી આપતાં કહ્યું કે, અમદાવાદથી રાજકોટ સુધીનો હાઈવે છ લેન બનાવવા માટે 7 પેકેજ બનાવવામાં આવ્યા છે. જેમાંથી પ પેકેજના ટેન્ડર ખુલી ગયા છે. ટૂંક સમયમાં વર્ક ઓર્ડર પણ આપી દેવાશે. આ હાઈવે છ લેન કરવા પાછળ કુલ 2500 કરોડનો ખર્ચ થશે. અમદાવાદમાં સનાથલ ચોકડી પાસે 170 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બનશે અને ચોટીલા પાસે 112 કરોડના ખર્ચે 7 કિ.મી. બાયપાસનું કામ થશે. આ સિક્સ લેન હાઈવેમાં જ્યાં જ્યાં ચોકડી આવશે. જેમ કે લીમડી, બગોદરા, સાયલા વગેરે ચોકડીએ ફ્લાય ઓવર બનાવવામાં આવશે. નીતિનભાઈએ એમ પણ કહ્યું કે, આગામી દિવસોમાં રાજકોટ-મોરબી રોડ ફોર લેન બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

અમદાવાદની પત્રકાર પરિષદમાં શક્તિસિંહ ગોહિલે નર્મદા યોજના સંદર્ભે ભાજપ સરકાર સામે જે આક્ષેપો કર્યા તેને પાયાવિહોણા ગણાવીને નીતિનભાઈએ કહ્યું હતું કે, અમારી સરકારે નર્મદા ડેમના પાણીના જથ્થામાંથી 81 ટકા પાણી ખેડૂતોને સિંચાઈ માટે, 18 ટકા જળ જથ્થો પીવા માટે અને માત્ર 0.4 ટકા પાણી ગુજરાતના ઉદ્યોગોને આપ્યું છે. કેંગ્રેસના વિલંબના કારણે આ યોજનાનો ખર્ચ વધી ગયો. હું કેંગ્રેસના મિત્રોને સવાલ પૂછવા માગું છું કે, નર્મદા ડેમના દરવાજા યુપીએ સરકાર વખતમાં સાત વર્ષ સુધી પડયા રહ્યા હતા તો એ સમયે દરવાજા ચડાવવાની મંજૂરી તમારી સરકારે કેમ નહોતી આપી ? નીતિનભાઈએ હાર્દિક પટેલ અને સંકલ્પ યાત્રાના સવાલ અંગે મૌન સેવ્યું હતું.

GSTના કારણે ગુજરાત સરકારને એક મહિનામાં 600 કરોડની ઘટ !

જીએસટી લાગુ પડયા બાદ ગુજરાત સરકારને કેટલો ફાયદો થયો ? એવા સવાલના જવાબમાં નીતિનભાઈ પટેલે કહ્યું કે, જ્યારે વેટ હતું અને જે આવક હતી, તેના કરતાં જીએસટી પછી સરકારની આવક ઓછી થઈ છે. શરૂઆતના એક મહિનામાં જ 600 કરોડની ઘટ આવી છે. હજી ઘણા વેપારીઓએ જીએસટી રજીસ્ટર નથી કરાવ્યું. ઓનલાઈન વિઘ્નો આવી રહ્યા છે. એ થયા બાદ વેટની આવક સાથે સરભર થશે.

‘વિકાસ ગાંડો નથી થયો, કેંગ્રેસને ગાંડપણ ચડી ગયું છે’

નાયબ મુખ્યમંત્રીને ‘વિકાસ ગાંડો થયો છે’ સૂત્રની અસર વિશે પૂછવામાં આવતાં નીતિનભાઈએ કહ્યું કે, અમારું કામ જોઈને કેંગ્રેસના લોકો બેબાકળા બન્યા છે. ઓછા સમયમાં અમે અનેક કાર્યો કર્યા એટલે જાતજાતની વાતો ચલાવે છે. બાકી ગાંડપણ તો કેંગ્રેસને ચડી ગયું છે.

error: Content is protected !!