આખી રાત્રીના ભારે વરસાદમાં અમદાવાદ તરબોળ; ચાંદખેડામાં સૌથી ઓછો અને મણીનગરમાં સૌથી વધુ વરસાદ

અમદાવાદ, દેશગુજરાત

ગઈ મોડી રાત્રીથી અમદાવાદ શહેરમાં પડી રહેલા સતત અને ભારે વરસાદને કારણે સમગ્ર શહેર જળબંબાકાર થઇ ગયું છે. ગઈ મધ્યરાત્રીથી આજે સવારે 10 વાગ્યા સુધી અમદાવાદ શહેરમાં એવરેજ 5.89 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

અમદાવાદમાં પડેલા અનરાધાર વરસાદનો સૌથી વધુ માર મણીનગર વિસ્તારમાં પડ્યો છે જ્યાં ઉપરોક્ત સમયગાળા દરમિયાન લગભગ આઠ ઇંચ (7.95 ઇંચ) જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે પશ્ચિમ ઝોનના ચાંદખેડામાં સૌથી ઓછો 5.12 ઇંચ વરસાદ પડ્યો હતો. મણીનગરથી જોડાયેલા વટવા વિસ્તારમાં પણ 7.44 ઇંચ જેટલો વરસાદ માત્ર દસ કલાકના ગાળામાં ખાબકી ગયો હતો.

ભારે વરસાદ અને પાણી ભરાઈ જવાથી શહેરના વિવિધ અન્ડરપાસને બંધ કરી દેવામાં આવ્યા છે. શહેરની વાહનવ્યહારની મહત્ત્વની સેવા BRTS પણ આ ભારે વરસાદને કારણે અસર પામી છે. અમદાવાદ એરપોર્ટના ટર્મિનલમાં પણ પાણી ભરાઈ ગયા હોવાના સમાચાર આવી રહ્યા છે.

ગઈકાલે જ અમદાવાદ જીલ્લા કલેક્ટરે સમગ્ર જીલ્લાની શાળાઓ આજે બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.

શહેરના 52 વૃક્ષોને ભયજનક જાહેર કરવામાં આવ્યા હતા જેમાંથી 29 વરસાદને કારણે પડી ગયા છે.

શહેરનું પ્રખ્યાત વસ્ત્રાપુર લેક મહિનાઓ સુધી કોરું રહ્યા બાદ છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા વરસાદને કારણે ભરાઈ રહ્યું હતું જે ગઈ રાતના વરસાદથી પુરીરીતે ભરાઈ ગયું છે.

error: Content is protected !!