સુરત એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, કાર્ગો, ઈમિગ્રેશન સહિતના વિવિધ મુદ્દે એરપોર્ટ ઓથોરિટીને કરાઈ રજુઆત

સુરત: સુરત એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, કાર્ગો, ઈમિગ્રેશન સહિતના વિવિધ મુદ્દે  નવસારીના સાંસદ સી.આર.પાટીલની આગેવાનીમાં સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રાલયના કેબિનેટ મંત્રી અશોક ગજપતિ રાજુ અને રાજ્યમંત્રી  જયંત સિન્હા, એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાના ચેરમેન ગુરૂપ્રસાદ મહાપાત્રા સહિત નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ઉચ્ચાધિકારીઓ સમક્ષ  રજુઆતો કરવામાં આવી હતી.

સાંસદ પાટીલ અને જરદોશ દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રાલયના કેબિનેટ મંત્રી સહિત તમામ અધિકારીઓ સમક્ષ સુરત એરપોર્ટને વહેલી તકે ઈન્ટરનેશનલ ફ્લાઈટની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ઈમિગ્રેશન સ્ટાફની આવશ્યકતા સંદર્ભે રજુઆત કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ ખાતે ઇમિગ્રેશનની સુવિધા ઉભી કરવા માટે અન્ય એરપોર્ટ પર કાર્યરત સ્ટાફને લોન પર લઈને સુરત એરપોર્ટ ખાતે નિમણૂંક આપવામાં આવે તેવું સુચન જવાબદાર અધિકારીઓને કરવામાં આવ્યું હતું. આ સિવાય વધુમાં રજુઆત કરતા જણાવાયું હતું કે, સુરત એરપોર્ટની આસપાસ ભુતકાળમાં ઉભા થયેલા ગેરકાયદેસર બાંધકામો વહેલી તકે દુર કરવામાં આવે તો એરપોર્ટના રન-વેનો સંપૂર્ણ ઉપયોગ કરી શકાય તેમ છે.

 આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી પડતર માંગણીઓ પૈકીની મહત્વપૂર્ણ એવી કાર્ગોની સેવા મુદ્દે રજુઆત કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા મે – જુન 2018 સુધીમાં સુરત એરપોર્ટ ખાતેથી કાર્ગોની સેવા શરૂ કરવાની બાંહેધરી અગાઉ આપવામાં આવી છે. આ સુવિધા સુરતના ઉદ્યોગોના વિકાસ માટે આવશ્યક હોય વહેલી તકે એરપોર્ટ ખાતે કાર્ગો સુવિધા શરૂ કરવા પુનઃ રજુઆત કરવામાં આવી છે.

 આ સિવાય સુરત – મુંબઈ અને મુંબઈ – સુરતની સવાર અને સાંજની નિયમિત ડેઈલી ફ્લાઈટ શરૂ કરવાના મુદ્દે પણ સાંસદ સભ્યઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. સુરત એરપોર્ટના ટર્મિનલના એક્સપાન્સનના કામને મંજુરી મળી ચુકી હોવાથી આ કામગીરી પણ ઝડપથી થાય તો સુરત એરપોર્ટ પર આવતા મુસાફરોની સુવિધામાં વધારો થશે અને આ મુદ્દે પણ સંસદ સભ્યો દ્વારા એરપોર્ટ ઓથોરિટીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

આ સિવાય સાંસદ સી.આર. પાટીલ દ્વારા સુરત સહિત દેશના તમામ એરપોર્ટ પર જે વિમાનોમાં યાત્રીઅોને ટર્મિનલ બિલ્ડિંગથી વિમાનમાં બેસવા માટે એરોબ્રિજનો ઉપયોગ નથી થતો અથવા નાના વિમાનો માટે એરોબ્રિજનો ઉપયોગ શક્ય નથી તેવી સ્થિતિમાં બસની સંખ્યા વધારવા માટેની રજુઆત કરવામાં આવી હતી. દેશના તમામ એરપોર્ટ પર હાલમાં કાર્યરત બસોમાં નિર્ઘારિત સંખ્યા કરતાં વધુ મુસાફરોને બેસાડવામાં આવે છે જેથી બસમાં બેસાડવામાં આવતાં મુસાફરોની સંખ્યા નિયત કરવામાં આવે તો મુસાફરોની સુવિધામાં નિશ્ચિતપણે વધારો થઈ શકે તેમ છે.

error: Content is protected !!