ભણવાની ચોપડીમાં મસ્જિદના લાઉડ સ્પીકર પરથી થતા મોટા અવાજો પ્રદૂષણનું કારણ દર્શાવાતા વિવાદ

અમદાવાદ: ઘણાકાર મુસ્લિમ દેશોમાં પણ મસ્જિદ પર લાઉડ સ્પીકર મૂકીને પાંચ વખત અજાન પઢી આખા વિસ્તારમાં તેનો અવાજ ફેલાવવાની પ્રથા નથી. ભારતમાં મસ્જિદો પર વહેલી સવારે લાઉડ સ્પીકર પર અજાન પઢવામાં આવે છે. નજીકમાં રહેતા બિન મુસ્લિમ લોકો કે જેને આની સાથે કંઇ લેવા દેવા નથી તેમને વહેલા સવારે આના કારણે ખલેલ પહોંચે છે. દરરોજ સવારે ઉંઘ બગડતી હોય અને શાંતિમાં મોટા અવાજો શરુ થઇ જતા હોય તેને કારણે હિંદુ મુસ્લિમ વચ્ચે ધ્રુવીકરણના બીજ રોપાય છે. તાજેતરમાં ગાયક સોનુ નિગમે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ટોચના મુસ્લિમ રાજકારણી અહેમદ પટેલે પણ કહ્યું હતું કે નમાઝ માટે અજાન જરુરી છે પરંતુ લાઉડસ્પીકર જરુરી નથી, આજકાલ તો મોબાઇલ એપથી પણ નિયમ સમયે અજાન સાંભળી શકાય છે. ઇસ્લામની સ્થાપના થઇ ત્યાર પછી સદીઓ સુધી અજાન લાઉડ સ્પીકર વગર જ થતી હતી. લાઉડ સ્પીકર તો 1930ના અરસામાં આવ્યા તે હોવા જરુરી નથી.

હવે આ મુદ્દે ફરી વિવાદ થયો છે. આઇસીએસઇ બોર્ડના છઠ્ઠા ધોરણના પુસ્તકમાં તસવીરમાં ધ્વનિ પ્રદૂષણના સંદર્ભે વિવિધ સ્ત્રોત દર્શાવાયા છે તેમાં એક મસ્જિદ પણ બતાવવામાં આવી છે. તો આ મુદ્દે સોશિયલ મીડિયામાં આ તસવીર પોસ્ટ કરીને તેની વિરુદ્ધમાં અનેક મુસ્લિમોએ રોષ વ્યક્ત કર્યો છે. તસવીર દ્વારા એવું દર્શાવાયું છે કે મસ્જિદમાંથી થતી અઝાન પણ પ્રદૂષણનું એક કારણ છે. જોકે આઈસીએસઈએ ભારપૂર્વક કહ્યું છે કે તેણે આ પુસ્તક છપાવ્યું પણ નથી અને તેણે વિદ્યાર્થીઓને આ પુસ્તકની ભલામણ પણ કરી નથી. આ મુદ્દો શાળાઓનો છે. વિવાદ થતા પુસ્તકના પ્રકાશકે માફી માગી લીધી છે અને આગામી એડિશનમાં આ ચિત્ર હટાવી લેવાની ખાતરી આપી છે.

સેલિના પબ્લિશર્સના ધો.૬ના વિજ્ઞાનના પુસ્તકમાં ધ્વનિ પ્રદૂષણ અંગે એક ચેપ્ટર છે. તેમાં કાર, ટ્રેન, પ્લેનની સાથે મસ્જિદનું પણ ચિત્ર છપાયું છે. આ તમામ તસવીર સામે એક વ્યક્તિને અવાજથી પરેશાન થયેલો અને પોતાના કાન બંધ કરતો દર્શાવ્યો છે.

કેટલાક મુસ્લિમોએ ઓનલાઈન પિટીશન કરીને આ પુસ્તક બજારમાંથી પાછું ખેંચવાની ઝુંબેશ શરૂ કરી દીધી છે. આ મામલે આઈસીએસઈ બોર્ડ તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જોકે હંમેશા આવા મામલાઓમાં થાય છે તે જ પ્રકારે પ્રકાશકે તસવીર અંગે માફી માગી લીધી છે. સોશિયલ મીડિયા પર પબ્લિશર હેમંત ગુપ્તાએ કહ્યું કે ‘પુસ્તકના પેજ નં.૨૦૨ પર છપાયેલું ચિત્ર એક કિલ્લા જેવું છે. જો ચિત્રથી કોઈની લાગણી દુભાઈ હોય તો હું માફી માગું છું.’

ઉલ્લેખનીય છે કે ગાયક સોનુ નિગમે ગત એપ્રિલ મહિનામાં મસ્જિદની અઝાન મામલે નિવેદન કર્યું હતું, જેને પગલે ભારે વિવાદ થયો હતો. સોનુએ કહ્યું હતું કે મસ્જિદના લાઉડ સ્પીકરમાંથી આવતા અઝાનના અવાજને કારણે તે સારી રીતે સંગીતનો અભ્યાસ નથી કરી શકતો અને તેની ઊંઘ પણ ઊડી જાય છે.

error: Content is protected !!