અખિલ ભારતીય સાહિત્ય પરિષદ દ્વારા ડૉ. સુધીર પરીખનું સંસ્કૃતિ સન્માન

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારતીય સાહિત્ય, સમાજ અને સંસ્કૃતિના ઉત્કર્ષ માટે વિદેશમાં બેઠા પણ સેવારત ડૉ. સુધીર પરીખ સંસ્કૃતિ સન્માનથી વિભૂષિત કરતાં કહ્યું કે, આ સન્માન વ્યકિતનું નહિ તેના સમાજદાયિત્વનું અને સેવાકાર્યોનું સન્માન છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, કોઇ પણ વ્યકિત જે સમાજ જે રાષ્ટ્રમાં ઉછર્યો હોય તેનું ઘડતર થયું હોય તેના શ્રેયાર્થે આજીવન ભેખધારી રહીને સમાજના જરૂરતમંદ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાનથી જ તે વ્યકિત સમાજનું ગૌરવ બનતી હોય છે.

ડૉ. સુધીર પરીખે પણ ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય જેવા પાયાના ક્ષેત્રોમાં સેવાકાર્યો પર કોન્સ્ટ્રેશન કરીને આ સેવા ભાવના ચરિતાર્થ કરી છે તેમ તેમણે ઉમેર્યુ હતું. ગાંધીનગરમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદના ગુજરાત પ્રાન્ત દ્વારા ડૉ. સુધીર પરીખને આ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિ રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ, પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી ધર પરાડકર તેમજ પ્રાન્ત અધ્યક્ષ ડૉ. પ્રતાપરાય પંડયા, ડૉ. નરેશ વેદ, ડૉ. બળવંત જાની સહિત સાહિત્ય પ્રેમીઓ-ઇતિહાસ વિદો-લેખકો આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

વિજય રૂપાણીએ કહ્યું કે ડૉ. સુધીર પરીખને આ સેવાકાર્યો માટે ઇશ્વરે જ નિમિત બનાવ્યા છે એ જ પ્રેરણા તેમને રાજ્ય-રાષ્ટ્રની સેવા માટે સદાય કર્તવ્યરત રાખશે તેવી શુભેચ્છાઓ પણ મુખ્યમંત્રીએ પાઠવી હતી. મુખ્યમંત્રીએ ડૉ. સુધીર પરીખે ૭૧ થી વધુ શાળાઓ-અનેક બહેનોને રોજગાર વ્યવસાય પૂરા પાડવાનું જે સેવાદાયિત્વ નિભાવ્યું છે તેની પ્રસંશા કરતાં કહ્યું કે, રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં શિક્ષણ મહત્વનું પરિબળ છે ત્યારે યંગ ઇન્ડીયાને શિક્ષિત- દિક્ષીત કરવામાં સરકાર સાથે આવા સેવાવ્રતીઓનો સહયોગ વડાપ્રધાનના નયા ભારતના નિર્માણને સાકાર કરશે જ. ડૉ. પરીખ રાજ્યની યુનિવર્સિટીઓમાં પણ આધુનિક શિક્ષણ માટે પોતાનો સક્રિય સહયોગ આપવા જે રીતે પ્રવૃત્ત છે તેની તેમણે સરાહના કરી હતી.

અખિલ ભારતીય સાહિત્ય પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી ધર પરાડકરે સાહિત્યની સમાજ દર્પણ સાથે તૂલના કરતાં કહ્યું કે, એ દર્પણ જેમજ એમાં દેખાનારી વ્યકિત પણ સાફ-ઊંચી હોય તે આવશ્યક છે. ડૉ. પરીખ પોતાની આ છબિથી વિદેશ બેઠા પણ ભારતીય સાહિત્ય, સમાજ અને સંસ્કૃતિની સેવા દ્વારા સાચા સેવાવ્રતી બન્યા છે તેનું આ સન્માન છે તેમ તેમણે ઉમેર્યું હતું.

ડૉ. સુધીર પરીખે સન્માન પ્રતિભાવ આપતાં ગુજરાતની માતૃભૂમિ-વતન ભૂમિમાં મળેલા આ ગૌરવ માટે આનંદ વ્યકત કર્યો હતો. તેમણે શિક્ષણ, આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં હજુ વધુ આવશ્યક સેવા દાયિત્વ માટેની તત્પરતા દર્શાવી હતી. આ સન્માન અંતર્ગત ડૉ. સુધીર પરીખને મુખ્યમંત્રીએ સ્મૃતિચિન્હ તેમજ મંત્રી ઇશ્વરસિંહે વાઘ અર્પણ કરીને તથા ધર પરાડકરજીએ શોલ, ડૉ. પ્રતાપ પંડયાએ સૂત્ર માલા અર્પણ કરી સન્માન ગૌરવ કર્યુ હતું. ડૉ. કલાધર આર્યએ સમગ્ર સન્માન સમારોહનો દૌર સંભાળ્યો હતો.

error: Content is protected !!