ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધિશ તરીકે અકીલ કુરેશીની નિમણૂક

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશ આર. સુભાષ રેડ્ડીની સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધિશ તરીકે બઢતી સાથે બદલી થતાં રાજ્યની હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધિશનું પદ ખાલી પડ્યું હતું. ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધિશ તરીકે આજે (શુક્રવારે) સવારે જસ્ટિસ અકીલ અબ્દુલહમીદ કુરેશીની નિમણૂકનો કેન્દ્ર સરકારના કાયદા મંત્રાલયના ન્યાયાધિશ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. બોમ્બે હાઈકોર્ટનો ચાર્જ ન સંભાળે ત્યાં સુધી જસ્ટિસ અકીલ કુરેશી ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધિશ રહેશે. ઉલ્લેખનીય છે કે,ગુરૂવારે જસ્ટિસ અકીલ કુરેશની બોમ્બે હાઈકોર્ટમાં બદલી કર્યા બાદ જસ્ટિસ એ.એસ. દવેની ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશ તરીકે નિમણૂક કરવાનો આદેશ બહાર પડ્યો હતો. આ આદેશમાં ન્યાયાધિશની બઢતીના કોલેજિયમનો ભંગ થતો હોવાને કારણે ગુજરાત હાઈકોર્ટના વકીલોએ ભારે વિરોધ કર્યો હતો.
ભારતીય બંધારણની કલમ 223ના આધારે મળેલી સત્તાઓના ઉલ્લેખ સાથેના આ આદેશ પત્રમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત હાઈકોર્ટના સિનિયર મોસ્ટ ન્યાયાધિશ અકીલ અબ્દુલહમીદ કુરેશની નિમણૂક કરતાં રાષ્ટ્રપતિ આનંદ અનુભવે છે. તેઓ ગુજરાત હાઈકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયાધિશ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી કે જેમની સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધિશ તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે તેમના સ્થાને ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધિશ તરીકેનો ચાર્જ સંભાળશે.

ભારત સરકારના સંયુક્ત સચીવ રાજિન્દર કશ્યપના નામથી જસ્ટિસ અકીલ કુરેશીની ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધિશ પદે નિમણૂકનો આ આદેશ આપવામાં આવ્યો હતો.

error: Content is protected !!