હાલોલમાં એલેમ્બીક ફાર્માના કેન્સર વિરોધી દવા માટેના રુ. 300 કરોડના નિકાસ-લક્ષી પ્લાન્ટનું ઉદઘાટન
July 14, 2017
હાલોલઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પાનેલાવ ખાતે ભારતની અગ્રણી દવા કંપનીઓ પૈકીની એક એવી એલેમ્બિક ફાર્માસ્યુટીકલ લી.માં રૂા. ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ કેન્સરની દવાઓ માટેના વિશિષ્ટ પ્લાન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ પાનેલાવમાં સર્વ શિક્ષા અભિયાન હેઠળ રૂા. ૭૧ લાખના ખર્ચે નિર્માણ થયેલ નવીન પ્રાથમિક શાળા તથા એલેમ્બિક CSR ફાઉન્ડેશન દ્વારા પાનેલાવના ગ્રામજનો માટે તૈયાર થયેલ આર.ઓ. પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ હતું. એલેમ્બિક ગૃપ ઓફ કંપનીઝના ચેરમેન શ્રી ચિરાયુ અમીને જણાવ્યુ કે, અત્યાધુનિક કેન્સર પ્લાન્ટ ઊભો કરવા માટે રૂા. ૩૦૦ કરોડનું મુડીરોકાણ કરવામાં આવ્યુ છે. આ પ્લાન્ટમાં ૬૦ મિલીયન ટેબલેટ/કેપ્સુલ અને અંદાજે ૨૦ મિલીયન ઇન્જેકશન વાયલનું ઉત્પાદન કરવામાં આવશે. જેને પરિણામે એલેમ્બિક આંતરરાષ્ટ્રીય સ્તરે કેન્સરની દવાઓના નિકાસમાં હરણફાળ ભરશે. આ પ્લાન્ટમાં બનતી દવાઓ વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, સમગ્ર દેશમાં દવા ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે. દેશની ૮૦ ટકા દવાઓનું ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે. ત્યારે ગુજરાતમાં મેન્યુફેક્ચરીંગ, ફાર્માસ્યુટીકલ સહિત ડીફેન્સના ક્ષેત્રમાં પણ મહત્તમ મુડી રોકાણ થાય તે માટે રાજ્ય સરકારે અલગ અલગ ૧૭ જેટલી ક્રીસ્ટલ ક્લીયર પોલીસીઓ જાહેર કરી છે. જેને પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બની રહ્યુ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, રાજ્યના નાગરિકોને સસ્તા દરે દવા પ્રાપ્ત થાય તે માટે પ્રધાનમંત્રી દીનદયાળ જન ઔષધી યોજના હેઠળ ૨૫૦ જેનરિક દવાના સ્ટોર શરૂ કરવામાં આવ્યા છે. આ વર્ષના અંત સુધીમાં રાજ્યમાં ૧૦૦૦ જેનરિક દવાના સ્ટોર શરૂ કરાશે તેમ તેમણે ઉમેર્યુ હતું. રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના ૩૫ લાખ પરિવારોને મા વાત્સલ્ય યોજના હેઠળ જીવલેણ રોગોની સારવાર માટે રૂા. બે લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું.
માર્ગ મકાન રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યુ કે, હાલોલ વિસ્તારના સર્વાંગી વિકાસ સાથે નવા ઉદ્યોગ આવી રહ્યા છે. જેને પરિણામે આ વિસ્તારના લોકોને સ્થાનિક કક્ષાએ રોજગારી પ્રાપ્ત થશે.
Recent Stories
ગુજરાતમાંથી કર્ણાટક-આંધ્રપ્રદેશને સિંહની જોડી આપવા મુખ્યમંત્રીશ્રીની સૈદ્ધાંતિક મંજૂરી
નર્મદા તથા અન્ય કેનાલોમાંથી પાણીનો બિનઅધિકૃત ઉપયોગ કરવો નહીં
અન્ય વ્યક્તિના પુરાવા, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપી નોંધણી કરાવનાર વ્યક્તિ તથા જી.એસ.ટી. પ્રેક્ટિશનર ગુના પાત્ર ઠરશે.
આ સમયગાળા દરમિયાન પૂર્વ ચેરમેન દ્વારા કરાયેલી કથિત રૂ.૬.૭૮ કરોડની નાણાકીય ગેરરીતિ સામે ચાલી રહેલી વસુલાત કાર્યવાહી
ઇજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર સહિત પ્રોફેશનલ કોર્ષમાં ૪૦,૦૦૦ થી વધુ બેઠકોનો વધારો થશે