શું રાહુલ ગાંધી રામ મંદિર અંગે ટૂંક સમયમાં સુનાવણી ઈચ્છી રહ્યા નથી?, કોંગ્રેસ વલણ સ્પષ્ટ કરે: અમિત શાહ

નવી દિલ્હી, દેશગુજરાત: અયોધ્યા કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 8 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે. સુન્ની વકફ બોર્ડના વકીલ અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કોર્ટમાં દલીલ કરી હતી કે, સુનાવણી 2019 સુધી મુલતવી રાખવી જોઈએ. જેને લઈને ભાજપે આ મુદ્દે સીધો કોંગ્રેસ પર હુમલો કર્યો છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સીધી રીતે રાહુલ ગાંધીને પીછ્યું છે કે, રામ મંદિર મુદ્દે તમારું અને તમારી પાર્ટીનું શું વલણ છે? રામ મંદિર મુદ્દે પત્રકાર પરિષદ કરતી વખતે અમિત શાહે કહ્યું હતું કે, ભાજપ ઇચ્છે છે કે આ બાબત અંગે સુપ્રીમ કોર્ટમાં ટૂંક સમયમાં સુનાવણી થવી જોઈએ અને ચુકાદો આવે. જેનાથી અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બની શકે, જે દેશની શ્રદ્ધા સાથે સંકળાયેલું છે.

ભાજપના પ્રમુખ અમિત શાહે કહ્યું હતું કે, આખરે રામ મંદિરનો કેસની સુનાવણી રોકવાથી શું પ્રાપ્ત થશે? તેમણે કહ્યું કે, કોંગ્રેસ પક્ષે રામ મંદિર કેસની સુનાવણીમાં તેના વલણને સ્પષ્ટ કરવું જોઈએ. એક બાજુ રાહુલ ગાંધી ગુજરાતમાં મંદિર જઇ રહ્યા છે, તો બીજી બાજુ કપિલ સિબ્બલનો ઉપયોગ રામ જન્મભૂમિના કેસ પર સુનાવણી ટાળવા માટે કરવામાં આવે છે. કોંગ્રેસ પક્ષે તેના વલણને સ્પષ્ટ કરવું જોઈએ.

શાહે મંગળવારે ભાજપા મીડિયા સેન્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતુ કે, આજે દેશની સર્વોચ્ચ અદાલતમાં શ્રી રામ જન્મભૂમિ કેસની સુનાવણી ચાલુ થઇ ગઇ છે. સમગ્ર દેશની જનતાની એ ભાવના છે કે આ સુનાવણી જલ્દીથી જલ્દી થાય અને સર્વોચ્ચ અદાલતનો ફેંસલો શ્રી રામજન્મભૂમિ માટે જલ્દીથી જલ્દી દેશ અને દુનિયાની સામે આવે.
શાહે વધુમાં જણાવ્યું હતુ કે, આજે એક આશ્ચર્યજનક દલીલ કોંગ્રેસના નેતા અને સુન્ની વકફ બોર્ડના વકીલ કપીલ સિબ્બલે સર્વોચ્ચ અદાલત સામે કરેલ છે. સિબ્બલે કહ્યું હતુ કે, જુલાઇ ૨૦૧૯ એટલે કે આગામી લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી જ્યાં સુધી ન થઇ જાય ત્યાં સુધી આ કેસની સુનાવણી ટાળવી જોઇએ. જ્યારે કોંગ્રેસ કોઇ જુદી વાત પર જુદા પ્રકારનું સ્ટેન્ડ લેવા માંગે ત્યારે કપીલ સિબ્બલને આગળ કરી દે છે. ૨જી ઘોટાળામાં જીરો લોસ થીયરી લઇને કપીલ સિબ્બલ આગળ આવ્યા, ગુજરાતમાં અનામતને લઇને ૫૦ ટકાથી વધુ અનામત આપી શકાય તેવો ઓપીનીયન લઇને કપિલ સિબ્બલ સામે આવ્યા અને હવે શ્રી રામ જન્મભૂમિ કેસના રસ્તામાં રોડા નાખવા માટે પણ શ્રી કપીલ સિબ્બલ કોંગ્રેસપાર્ટી તરફથી અને સુન્ની વકફ બોર્ડના વકીલના રૂપે સામે આવી ગયા છે.
શાહે  આજે માંગણી કરી હતી કે, કોંગ્રેસ પાર્ટીએ શ્રી રામ જન્મભૂમિ અંગે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવું જોઇએ કે કોંગ્રેસ પાર્ટી શ્રી રામ જન્મભૂમિ કેસની સુનાવણી જલ્દીથી જલ્દી થાય એ સંદર્ભે સહમત છે કે નહી? શું કોંગ્રેસ પાર્ટી એવું ઇચ્છી રહી છે કે આ સુનાવણી ૨૦૧૯ની ચૂંટણીઓ સુધી ન થાય? કોંગ્રેસ પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કરવું પડશે.
શાહે વધુમાં જણાવ્યું હતુ કે, જ્યારે બધા જ દરસ્તાવેજોનું ભાષાંતર થઇ ચૂક્યું છે. કેસની સૂનાવણી ત્રણ જજની બેન્ચ કરશે કે પાંચ જજની બેન્ચ એ નિર્ણય પણ આજે સર્વોચ્ચ અદાલતે આપી દીધો છે કે ત્રણ જજની બેન્ચ દ્વારા આ કેસની સુનાવણી થશે ત્યારે સુનાવણી રોકવાથી કોંગ્રેસ શું હાંસલ કરવા માંગે છે ? આ સુનાવણી વહેલી તકે થાય જેથી દેશની જનતાને શ્રી રામ જન્મભૂમિ અંગે સુપ્રિમ કોર્ટના નિર્ણયનો ખ્યાલ આવે.
શાહે વધુમાં જણાવ્યું હતુ કે, ભાજપા માંગ કરી રહી છે કે કોંગ્રેસ પાર્ટી આ વિષય પર પોતાનું અધિકૃત સ્ટેન્ડ સ્પષ્ટ કરે. ગુજરાતમાં ચૂંટણીઓ ચાલી રહી છે, કોંગ્રેસના જે રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના છે તે રાહુલ ગાંધી કે જે મંદિરે-મંદિરે જઇને ચૂંટણીલક્ષી આંટાફેરા કરી રહ્યા છે ત્યારે બીજી તરફ શ્રી રામજન્મભૂમિ કેસની સુનાવણી ટાળવા માટે કપીલ સિબ્બલનો ઉપયોગ થઇ રહ્યો છે તો અમારું માનવું છે કે, કોંગ્રેસ પાર્ટી તેમની બેધારી નીતિને જનતા સામે સ્પષ્ટ કરે કે જેથી એ સ્પષ્ટ થઇ જાય કે કોંગ્રેસ પાર્ટી શ્રી રામ જન્મભૂમિ કેસ જલ્દીથી ચાલે એ ઇચ્છે છે કે નહી ?
શાહે મીડિયાના મિત્રોના માધ્યમથી કોંગ્રેસના જાહેર થનાર રાષ્ટ્રીય પ્રમુખશ્રી રાહુલ ગાંધીને જણાવ્યું હતું કે તે પોતે સામે આવીને આ મુદ્દે તેમની પાર્ટીનું સ્ટેન્ડ ક્લીયર કરે.
ભાજપાની માંગ છે કે, જલદી થી જલદી શ્રી રામ જન્મભૂમિ કેસની સુનાવણી થવી જોઇએ અને સર્વોચ્ચ અદાલતનો ચૂકાદો વહેલી તકે આવવો જ જોઇએ અને ત્યાં એક ભવ્ય રામમંદિરનું નિર્માણ થવું જોઇએ.

error: Content is protected !!