સોમનાથ : વાઘેશ્વર મંદિરમાં 45 કરોડના ખર્ચે નિર્માણ થનાર યાત્રિ વોક-વેનું અમિત શાહના હસ્તે ભુમિપુજન કરાયું

ગીર સોમનાથ : સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે આજે  (ગુરુવારે) સોમનાથ દાદાના દર્શન-પુજન કરી સોમનાથ ચોપાટી વાઘેશ્વર મંદિર ખાતે ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્રારા પ્રસાદ યોજના અંતર્ગત નિર્માણ થનાર રૂા. ૪૫ કરોડના ખર્ચે ૧૫૦૦ મીટર લંબાઇના અને ૭ મીટર પહોળા યાત્રિપથનું ભૂમિપુજન કર્યું હતું.

વર્ષો પહેલા સોમનાથ મંદિરને ૧૭ વખત ખંડિત કરાયું હતું. પરંતુ દરેક વખતે તેનો જીર્ણોધ્ધાર થયો છે અને પહેલા કરતા વધુ સુંદર નિર્માણ થયું છે. આ વિધ્વંશ સામે વિકાસ અને સ્વધર્મ-સન્માન-સંઘર્ષનું સમગ્ર દુનિયામાં અજોડ દ્રષ્ટાંત સોમનાથ મંદિર છે. પ્રથમ જ્યોતિલિંગ સોમનાથની પુન:સ્થાપના માટે અનેક લોકોએ બલિદાન આપ્યા છે અને તેના પરિણામે આજનું ભવ્ય સોમનાથ મંદિર આજે આપણી સમક્ષ છે તેમ શાહે ઉમેર્યું હતું.

સોમનાથ મહાદેવ પ્રત્યે અતુટ શ્રધ્ધા વ્યક્ત કરી શાહે કહ્યું કે, પુરાણોમાં કહેવાયુ છે કે, સોમનાથ મંદિર સુર્વણથી મઢેલુ હતું. સૌના સહયોગથી મંદિરની પુન:સ્થાપના સાથે મંદિરના તમામ કળશ સુર્વણ મંડિત બનશે તેવી શ્રધ્ધા તેમણે વ્યક્ત કરી હતી. તેમણે અહીં દરવર્ષે એક કરોડ જેટલા ભાવિકો દર્શનાર્થે આવે છે તેમના માટે સોમનાથ ટ્રસ્ટ દ્રારા કરાયેલ સુચારૂ વ્યવસ્થાની સરાહના કરી તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

સાંસદ રાજેશ ચુડાસમાએ કહ્યું કે, વોક-વે પ્રોજેક્ટ નિર્માણ થયા બાદ સોમનાથ મંદિરે આવતા યાત્રાળુઓની સોમનાથ મુલાકાત જીવનનું એક યાદગાર સંભારણું બની રહેશે. સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પ્રવિણ લહેરીએ શાબ્દીક સ્વાગત કરતા કહ્યું કે, આઈકોનીક સ્થળમાં ગુજરાત માંથી માત્ર બે સ્થળની પસંદગી કરવામાં આવી છે જેમા સોમનાથ મંદિરનો સમાવેશ કરાયો છે. તેમણે સોમનાથ ટ્રસ્ટ દ્વારા હાથ ધરાતા વિવિધ પ્રોજેક્ટોની પણ વિગતો આપી હતી.

આ યાત્રિ વોક-વે સાગર દર્શનથી શરૂ થઈને ત્રિવેણી સંગમ સુધી રહેશે. યાત્રાળુઓ આ પથ ઉપર ચાલતા સમુદ્ર દર્શન, સોમનાથ મંદિરના દર્શન, રામ મંદિરના દર્શન તેમજ ત્રિવેણી સંગમની અલૌકીક અનુભુતિ થશે. આ પથ પર ૨૦૦ મીટરના અંતે કલાત્મક બેઠક વ્યવસ્થા ઉભી કરવમાં આવશે. ભક્તિમય સંગીતની સુરાવલીઓ સાથે રાત્રીના આ પથ ઉપર આધુનિક લાઈટીંગની વ્યવસ્થા કરવામાં આવશે. અત્રે  ઉલ્લેખનીય છે કે, પ્રસાદ યોજના અંતર્ગત કુલ રૂા.૧૦૦ કરોડના યાત્રાધામ વિકાસના કામો સોમનાથ ખાતે નિર્માણ થશે.

error: Content is protected !!