રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં 24 અને 25 જૂને અમદાવાદમાં ભાજપાની ચિંતન બેઠક યોજાશે

અમદાવાદ: ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રદેશ કાર્યાલય ‘‘ કમલમ્’’ ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે, આગામી ૨૪ અને ૨૫ જુનના રોજ એસ.જી.વી.પી. અમદાવાદમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ભાજપાની ચિંતન બેઠક યોજાશે.

ભાજપાની પરંપરા પ્રમાણે સમયે સમયે આ પ્રકારની ચિંતન બેઠકો યોજાતી હોય છે. આ બેઠકમાં સંગઠન અને સરકારની પ્રજાલક્ષી કામગીરી, સંગઠનલક્ષી ચર્ચાઓ-યોજનાઓ તેમજ આગામી લોકસભા ૨૦૧૯ની ચૂંટણીમાં રાજ્યમાં ફરીથી તમામ બેઠકો જીતવા માટેનો રોડમેપ નક્કી કરવામાં આવશે. તેમજ આગામી તારીખ ૧૭ અને ૧૮ જુનના રોજ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ભાજપા પાર્લામેન્ટ્રી બોર્ડ અને લોકસભા ચૂંટણી સમિતિ બેઠક યોજાશે.

વાઘાણીએ અમદાવાદ, ભાવનગર અને સુરત મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓ, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન આપતા કહ્યું હતુ કે, આપ સૌ નવા ઉમંગ અને નવા ઉત્સાહ સાથે વિકાસની અવિરત યાત્રાને આગળ વધારવાના દ્રઢ સંકલ્પ સાથે પ્રજાસેવામાં કાર્યરત રહો તેવી શુભેચ્છા. પદાધિકારીની નિયુક્તિ એ વ્યવસ્થાનો એક ભાગ છે. કોઇના નામ ચર્ચામાં હોય તેમાં કોઇની નિયુક્તિ થઇ હોય કોઇની નિયુક્તિ ન થઇ હોય તો તેનો મતલબ એ નથી કે, જેની નિયુક્તિ નથી થઇ તેઓ સક્ષમ નથી. ભાજપાના બધા કાર્યકરો જવાબદારી સુપેરે નિભાવવા માટે સક્ષમ છે પરંતુ વ્યવસ્થાના ભાગરૂપે નિયુક્તિઓ થતી હોય છે. હું પોતે પણ આજ પ્રકારે વ્યવસ્થાનો એક ભાગ છું. મારા કરતા પણ વધુ કુશળ અને તાકાતવાળા કાર્યકરો-નેતાઓ પાર્ટીમાં છે જ. પરંતુ સમયે સમયે વ્યવસ્થાના ભાગરૂપે જવાબદારીઓ સોંપાતી હોય છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા વિશે ફેલાયેલી અફવા બાબતે તીવ્ર પ્રતિક્રિયા આપતા જીતુ વાઘાણીએ કહ્યું હતુ કે, આ તદ્દન વાહિયાત અને ખોટી વાત છે. વિધાનસભા-૨૦૧૭ની ચૂંટણીમાં સતત છઠ્ઠી વખત હારેલી કોંગ્રેસને હવે પોતાની તાકાત પર ભરોસો નથી રહ્યો તેથી બહારના લોકોને પોતાના પ્રવક્તા બનાવી તેની પાસે આવા પાયાવિહોણા નિવેદનો કરાવી રહ્યા છે. તુટી ગયેલી અને ભાંગી ગયેલી કોંગ્રેસ તેમજ તેના મળતીયાઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને મીડિયામાં રહેવા માટે આ પ્રકારના તરકટ
રચી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગુજરાતની જનતાએ પાંચ વર્ષનો જનાદેશ આપ્યો છે. તેમના નેતૃત્વમાં ગુજરાતની ભાજપા સરકાર લોક કલ્યાણકારી નીતિઓ અને ભ્રષ્ટાચારવિહિન પ્રજાભિમુખ શાસન દ્વારા ગુજરાતના વિકાસને નવી ઉંચાઇએ લઇ જવા અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતની ભાજપા સરકારની લોકપ્રિયતા જોઇને ડઘાઇ ગયેલી કોંગ્રેસ પોતાના મળતીયાઓ દ્વારા આવા બેબુનિયાદ નિવેદનો કરી રહી છે. જેને સંવિધાન કે બંધારણીય વ્યવસ્થાની પણ સમજણ નથી તેવા લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે. ગુજરાતની શાણી અને સમજુ જનતા કોંગ્રેસના આવા કોઇ તરકટોમાં ક્યારેય ભરમાયી નથી. ગુજરાતની જનતાનો ભરોસો ભારતીય જનતા પાર્ટી સાથે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘‘નયા ભારત’’ના સંકલ્પને સિધ્ધ કરવા અને ભારતની વિકાસયાત્રાને વધુ આગળ ધપાવવા માટે આગામી ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં પણ ગુજરાતમાં ફરીથી ૨૬ બેઠકો સાથે ભાજપાનો ભવ્ય વિજય થશે.

error: Content is protected !!