અમરેલીથી શરુ થયેલી એસટીની વોલ્વો બસોના પૈડા થંભી જાય તેવી શક્યતા

અમરેલી, દેશગુજરાતઃ ગુજરાત એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધાને પ્રાધાન્ય આપીને વિવિધ કેટેગરીની બસ દોડાવવામાં આવે છે. એક્સપ્રેસ, સ્લીપર અને વોલ્વો સહિતની બસમાં મનોરંજન માટે ટેલીવીઝન કે વાઈફાઈની સુવિધા પણ આપવામાં આવે છે. એ રીતે જ અમરેલી જીલ્લાના મુસાફરોને વધુ સારી સુવિધા મળી રહે તેવા હેતુથી એસી વોલ્વો બસ શરુ કરવામાં આવી છે. પરંતુ આ વોલ્વો બસના બમણા ભાડાને લીધે તેના પૈડા ટૂંક સમયમાં જ થંભી જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

અમરેલી ખાતે નવા બસસ્ટેશનના ખાતમુર્હૂત સમયે વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડીયાએ અમરેલી ડેપોને સુવિધાયુક્ત વોલ્વો બસ આપવાની જાહેરાત કરી હતી. જે બાદ થોડા સમયમાં આ વોલ્વો બસ આવી જતા અમરેલીથી સુરત અને અમરેલીથી વડોદરા વાયા અમદાવાદ આ બે રૂટ પર બસ દોડતી થઇ ગઈ છે. પરંતુ સંપૂર્ણ સુવિધાયુક્ત આ વોલ્વો બસમાં મુસાફરી કરતા પહેલા મુસાફરો 10 વખત વિચારી રહ્યા છે. કારણ કે, આ બસની ટિકિટ ખરીદવામાં જેટલા નાણા ખર્ચવા પડે છે, તે ખર્ચમાં અન્ય બસની રીટર્ન ટિકિટ પણ થઇ જાય છે. જીહાં, આ બસમાં સુરત સુધીનું મુસાફરી ભાડું 876 રૂપિયા અને વડોદરા સુધીનું ભાડું 707 રૂપિયા રાખવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, એસ.ટી.ની સ્લીપર બસ કરતા વોલ્વો બસનું ભાડું બમણું હોવાથી લોકો તેમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. જેના કારણે જ્યારથી બસ શરુ થઇ ત્યારથી બસ મોટા ભાગે ખાલી જ જોવા મળે છે. આમ, બસને મળતા ઓછા ટ્રાફિકને ધ્યાને લઈને એસ.ટી. વિભાગ આ બસ સેવાને બંધ કરી દે તો નવાઈ નહીં.

એક તરફ વોલ્વો બસની સવારી કરતા મુસાફરોને સ્લીપર બસ, પ્રાઇવેટ બસ અને ટ્રેનની મુસાફરી સસ્તી પડતી હોવાથી તેઓ આજે અન્ય વિકલ્પને પસંદ કરી કરી રહ્યા છે. ખાસ કરીને, સાવરકુંડલાથી હવે અમદાવાદ, સુરત અને મુંબઈની સપ્તાહમાં બે ટ્રેન મળી રહેતી હોવાથી લોકો તેમાં જ મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે અમરેલી જીલ્લાની સુવિધાયુક્ત વોલ્વો બસ હાલ તો માત્ર શોભાના ગઠીયા સમાન પુરવાર થઇ રહી છે.

આ અંગે અમરેલી જીલ્લા વિભાગીય નિયામકે જણાવ્યું હતું કે, વોલ્વો બસનો ખર્ચ કિ.મી. દીઠ અંદાજે 50 રૂપિયા જેટલો થાય છે. તેની સામે તેમાંથી મળતી આવક પર નજર કરીએ તો તેમાંથી મળતી આવક કિ.મી. દીઠ માત્ર 10 રૂપિયા જેટલી જ થાય છે. તેથી,આ બસ હાલ તો ખોટમાં ચાલી રહી છે. જો આ પરિસ્થિતિ યથાવત રહેશે તો એસ.ટી. વિભાગને આ બસ બંધ કરવી પડે તેવી નોબત આવશે.

નિયામકે ઉમેર્યું હતું કે, આ સેવાને ચાલુ રાખવા માટે મુસાફરો તેનો વધુમાં વધુ લાભ મેળવે તે અનિવાર્ય છે. નહિતર, ટૂંક સમયમાં આ બસના પૈડા થંભી જવાની શક્યતા જોવાઈ રહી છે.

error: Content is protected !!