મોટર વાહન વ્યવહાર નિરીક્ષકના ૮૮ કર્મયોગીઓને નિમણૂક પત્રો એનાયત

ગાંધીનગર: વાહન વ્યવહાર રાજયમંત્રી વલ્લભભાઇ કાકડીયાએ કહ્યું છે કે, વાહન વ્યવહાર વિભાગ લોકોની સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો વિભાગ છે, ત્યારે વિભાગના કર્મયોગીઓએ પોતાનું ઉત્તરદાયિત્વ લોકાભિમુખ કરી અને જનસેવા કરવાની રહે છે. સોમવારે ગાંધીનગરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સીધી ભરતીથી નવનિયુકત પામેલા મોટર વાહન નિરીક્ષક(વર્ગ-ર)ના કુલ-૮૮ કર્મયોગીઓને નિમણૂંકપત્રો વાહન વ્યવહાર રાજયમંત્રી વલ્લભભાઇ કાકડીયા અને અન્ય મહાનુભાવોના વરદહસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

વાહન વ્યવહાર રાજયમંત્રીએ નવનિયુકત કર્મયોગીઓને કાર્યનિષ્ઠા અને ધગશથી જનસેવા  કરવાની શીખ આપતાં કહ્યું હતું કે, વાહન વ્યવહાર વિભાગ રાજયમાં આવકની દ્રષ્ટિએ ત્રીજો ક્રમાંક ધરાવતો વિભાગ છે ત્યારે ધૈર્ય અને કર્મઠ રીતે પોતે પોતાની જવાબદેહી પ્રત્યેક કર્મયોગી કરે તે અપેક્ષિત છે.

વાહન વ્યવહાર આયુકત આર.એમ. જાદવે સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે, વાહન વ્યવહાર વિભાગ રાજય સરકારનો ખુબજ અગત્યનો વિભાગ છે. તેમણે નવનિયુકત મોટર વાહન નિરીક્ષકોને પોતાની કાર્યકુશળતા અને કૌશલ્યથી વાહન વ્યવહાર વિભાગની અને રાજય સરકારની સેવા કરવાની શીખ આપી હતી. વાહન વ્યવહાર આયુકતે નવનિયુકત કર્મયોગીઓ માટે તાલીમ મોડયુલ્સ તૈયાર કરવામાં
આવી રહયું છે તેની વિગતો આપતાં ઉમેર્યુ હતું કે, હમેંશા નવતર વિચારો અને અભિગમને સાથે લઇને ચાલવાથી વિકાસના નવા આયામો સિદ્ધ કરી શકાય છે. આભારવિધિ મોટર વાહન નિરીક્ષક જે.જે.ચુડાસમાએ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ-૨૦૧૨ થી ૨૦૧૭ સુધીમાં મોટર વાહન નિરીક્ષક (વર્ગ-ર)ની ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સીધી ભરતીથી બે વખત ભરતી પ્રક્રિયા યોજવામાં આવી હતી. જેમાં કુલ-૮૮ ઉમેદવારોને આજરોજ ગાંધીનગર ખાતે નિમણૂંકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બંદરો અને વાહન વ્યવહાર વિભાગના નાયબ સચિવ પ્રકાશ મજમુદાર, વાહન વ્યવહાર રાજયમંત્રીના અંગત સચિવ સુધીર ઉપાધ્યાય, બંદરો અને વાહનવ્યવહાર વિભાગના ઉપસચિવ એસ.આર.સોની, વાહન વ્યવહાર આયુકત કચેરીના કર્મયોગીઓ ઉપસ્થિત રહયાં હતા.

error: Content is protected !!