હાલોલ, કેશોદ અને લીમખેડામાં એડીશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ ડીવીઝનની કોર્ટોની મંજુરી

ગાંધીનગર, દેશગુજરાત: કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌને સમાન ન્યાય’ સુત્રને વરેલી રાજય સરકારે છેલ્લા એક વર્ષમાં નવરચિત સાત જિલ્લાઓ પૈકી ગીર સોમનાથ, અરવલ્લી, મોરબી, દેવભૂમિ દ્વારકા, છોટાઉદેપુર અને મહિસાગરને ન્યાયિક જિલ્લા જાહેર કર્યા બાદ આ જિલ્લાઓમાં નવીન કોર્ટ કાર્યરત કરેલ છે. તે જ રીતે રાજયના ૨૫૦ તાલુકાઓ પૈકી ૨૪૯ તાલુકાઓમાં હાઇકોર્ટના પરામર્શમાં તાલુકા કક્ષાની કોર્ટોની મંજુરી આપવામાં આવેલ છે અને આ ૨૪૯ તાલુકાઓ પૈકી ૨૪૬ તાલુકાઓમાં તાલુકા કક્ષાની કોર્ટો કાર્યરત કરવામાં આવેલ છે. તે જ રીતે હવે ચાલુ નાણાકીય વર્ષના આયોજનના ભાગરૂપે ગુજરાત રાજય દ્વારા પંચમહાલના હાલોલ, જૂનાગઢના કેશોદ અને દાહોદના લીમખેડા તાલુકાઓ ખાતે ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ ડીવીઝન મંજૂર કરવામાં આવેલ છે. જે પરત્વે આ ત્રણ તાલુકાઓમાં એડીશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ ડીવીઝનની કોર્ટોની મંજુરી તા.૩૧/૦૮/૨૦૧૭ના રોજ આપવામાં આવી છે.

જાડેજાએ ઉમેર્યું હતું કે, સ્ટાફ સાથેની ફુલટાઇમ એવી આ કોર્ટોની મંજુરી મળવાથી આ જિલ્લાઓના તાલુકાઓના અંતરિયાળ ગામોના લોકોને સેસન્સ કેસો તથા ડિસ્ટ્રીકટ કોર્ટના કેસો માટે ઝડપથી અને ઘરઆંગણે જ ન્યાય મળી રહેશે અને આ ત્રણેય જિલ્લાના તાલુકાના અંતરિયાળ ગામોના નાગરિકોને હવે ન્યાય મેળવવા મુખ્ય જિલ્લા ન્યાયાલય સુધી જવું નહિ પડે. આ ત્રણ એડીશનલ ડિસ્ટ્રીકટ કોર્ટની દરખાસ્ત ટૂંક સમયમાં જ ગુજરાત હાઇકોર્ટ તરફથી મળતા આ કોર્ટ કાર્યરત થયાનું નોટીફીકેશન પણ બહાર પાડવામાં આવશે અને આ કોર્ટો કાર્યરત થવાથી લિટિગન્ટ્સને ઘરઆંગણે સસ્તો, સરળ અને ઝડપી ન્યાય મળી રહેવાથી તેમના  કિંમતી સમય અને નાણાનો વ્યય થતો અટકશે.

error: Content is protected !!