રાજપીપલામાં વિવિધ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી “હેલ્થ એન્ડ હાઇજીન અને સિકલસેલ એનિમીયા” અંગે યોજાઇ જાગૃત્તિ શિબિર

રાજપીપલા: નર્મદા જિલ્‍લાના રાજપીપલા મુખ્યમથકે સરદાર પટેલ ટાઉન હોલમાં આજે (શનિવારે) શુભ્ર પ્રિયમવદા ફાઉન્ડેશન- અમદાવાદ, ગુરૂકૃપા સેવામય ટ્રસ્ટ–વ્યારા, નવચેતના સ્વાભિમાન ચેરીટેબલ ફાઉન્ડેશન–અમદાવાદ અને ધન્વંતરી ચેરીટેબલ ટ્રસ્ટ- વ્યારાના સહયોગથી “હેલ્થ એન્ડ હાઇજીન તથા સિકલસેલ એનિમિયા” અંગે યોજાયેલી જાગૃત્તિ શિબિરને જિલ્‍લા કલેક્ટર આર.એસ. નિનામા, જિલ્‍લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, નાયબ વન સંરક્ષક ડૉ. શશીકુમાર, શુભ્ર પ્રિયમવદા ફાઉન્ડેશન સંસ્થાના માર્ગદર્શક મતી સ્મિતાબેન મુર્મુ, યોગેશભાઇ પટેલ, જગન્નાથ કુંજબિહારી તેમજ વિશાળ સંખ્યામાં કિશોરીઓ, મહિલાઓ, વિદ્યાર્થીનીઓની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લી મુકાઇ હતી. “હેલ્થ એન્ડ હાઇજીન તથા સિકલસેલ એનિમિયા” અંગેની જાગૃત્તિ શિબિરને ખુલ્લી મુકતાં જિલ્‍લા કલેક્ટર આર.એસ. નિનામાએ કહ્યું હતું કે, કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ તરીકે નર્મદા જિલ્‍લાને ઘોષિત કરાયા બાદ જિલ્‍લામાં આરોગ્ય, શિક્ષણ, કૃષિ-સિંચાઇ, પોષણ વગેરે જેવા ચોક્કસ ક્ષેત્રોમાં કેન્દ્રિય નીતિ આયોગના પેરામીટર મુજબ પરિણામલક્ષી કામગીરી હાથ ધરાતા ગત માસે દેશના ૧૧૫ જિલ્‍લાઓમાં નર્મદા જિલ્‍લાએ હવે ૧૩ મા ક્રમે રેન્કીંગ હાંસલ કરી છે અને જિલ્‍લામાં ટીમ નર્મદા આ દિશામાં આગળ વધી રહી છે. આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં પણ કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓએ આ જિલ્‍લમાં કામગીરી માટેની તૈયારી દર્શાવેલ છે, ત્યારે બાળકના જન્મ અગાઉથી સરકારના આરોગ્યલક્ષી વિવિધ યોજનાકીય લાભો અને શૈક્ષણિક ઉત્કર્ષના લાભો છેવાડાના લોકો સુધી પહોંચાડવામાં લાભાર્થીઓની જાગૃત્તિ સાથે તેમનો પુરતો સહયોગ પણ તેટલો જ જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

જિલ્‍લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમે તેમના ઉદબોધનમાં કહ્યું હતું કે, નર્મદા જિલ્લામાં સરકારની આરોગ્યલક્ષી વિવિધ યોજનાના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવા તંત્ર કટિબધ્ધ છે. આરોગ્યક્ષેત્રમાં મુખ્યત્વે માતા અને બાળમરણ અટકાવવા આરોગ્યલક્ષી યોજનાના ઘનિષ્‍ઠ પ્રયાસો થઇ રહ્યાં છે. તેમણે જિલ્‍લામાં સિકલસેલ એનિમિયાના ટેસ્ટ અને જરૂરિયાતવાળા દરદીઓની સારવાર અંગે થયેલી કામગીરીની પણ આંકડાકીય વિગતો આપી હતી. સુભ્ર પ્રિયમવદા ફાઉન્ડેશનના માર્ગદર્શક મતી સ્મિતાબેન મુર્મુએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં “હેલ્થ એન્ડ હાઇજીન તથા સિકલસેલ એનિમિયા” ઉપર તેમની સંસ્થા દ્વારા થઇ રહેલી કામગીરીનો ચિતાર
આપતા કહ્યું હતું કે, મહિલાઓ, વિદ્યાર્થીનીઓ, કિશોરીઓ પોતાની સંકુચિત માનસિકતામાંથી બહાર આવીને તેમના માસિકસ્ત્રાવ કે અન્ય આરોગ્યલક્ષી પ્રશ્નોની વાત પોતાની માતા, સહેલીઓ, શિક્ષકો સહિત યોગ્યકક્ષાએ રજૂ કરીને તેનું નિરાકરણ લાવવું જોઇએ અને તેમાં કોઇપણ પ્રકારનો સંકોચ રાખવો જોઇએ નહિ. તેમની સંસ્થા દ્વારા ઇકો-ફ્રેન્ડલી સેનેટરી નેપકીનનું ઉત્પાદન કરીને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્‍લામાં આ દિશામાં હજી પણ આગળ વધીને “ટીમ નર્મદા” ના સહયોગથી લક્ષિત લાભાર્થીઓ સુધી પહોંચીને વધુ જાગૃત્તિ કેળવાય તેવા પ્રયાસો પણ સતત જારી રહેશે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે લાછરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડૉ. ઝંખનાબેન વસાવાએ તેમના પ્રસંગોચિત વ્યક્તવ્યમાં ખૂબ જ સાદી અને સરળ શૈલીમાં માસિકસ્ત્રાવના પ્રારંભનાં અપેક્ષિત વયગાળો અને તેમાં હાઇજીન સંદર્ભે રાખવાની થતી કાળજી, સેનેટરી નેપકીનનાં ઉપયોગની અગત્યતા વગેરે સંદર્ભે વિસ્તૃત જાણકારી આપી આ અંગેનો ક્ષોભ દુર કરવા તેમજ સિલકસેલ એનિમિયા સંદર્ભે દર સપ્‍તાહે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ અને તેના નિદાન બાદની આગળની જરૂરી સારવાર માટે થઇ રહેલી કામગીરી તથા આ રોગના રોગી અને તેના વાહકે રાખવાની થતી પૂરતી કાળજી અંગે પણ વિસ્તૃત સમજ પુરી પાડી જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.

પ્રારંભમાં નવચેતના સ્વાભિમાન ચેરીટેબલ ફાઉન્ડેશનના ડાયરેક્ટર જગન્નાથ કુંજબિહારીએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં આજની જાગૃત્તિ શિબિરની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મતી સ્મિતાબેન મુર્મુ, જિલ્‍લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ વગેરેના હસ્તે બહેનોને ઇકો-ફ્રેન્ડલી સેનેટરી નેપકીનનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. જિલ્‍લા કલેક્ટર આર.એસ. નિનામાએ મતી સ્મિતાબેન મુર્મુને સ્મૃતિ ચિહ્ન એનાયત કર્યું હતું. જ્યારે ઉક્ત સંસ્થા તરફથી પણ જિલ્‍લા કલેક્ટર આર.એસ.નિનામા સહિતના વરિષ્‍ઠ અધિકારીઓને સ્મૃતિ ચિહ્ન એનાયત કરાયાં હતાં.

error: Content is protected !!