BBC અને રોઇટર્સની બદમાશી; એકે અમરનાથની ઘટનાને ક્રોસ ફાયરીંગ ગણાવી તો બીજાએ આતંકવાદી શબ્દ ટાળ્યો

અમદાવાદ, દેશગુજરાત: એક સમય હતો જ્યારે ભારતમાં બનતી કોઇપણ ઘટના માટે પણ આકાશવાણી કે પછી દૂરદર્શન નહીં પરંતુ BBCનો શબ્દ ફાયનલ ગણાતો, જેમકે મોરબીના મચ્છુ ડેમ તૂટવાની ઘટના અથવાતો પૂર્વ વડાપ્રધાનો ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યાના બનાવો.

સમય વીતતા મીડિયાનો સ્વભાવ પણ બદલાયો અને વૈશ્વિક રાજનીતિની અસર વિશ્વના તમામ મીડિયા પર પડવા લાગી. ભૂતકાળમાં અમેરિકામાં કોઈએ ગુડ ટેરરીસ્ટ અને બેડ ટેરરીસ્ટની ગજબનાક થીયરી આગળ ધરી હતી અને તેને ટેકો આપનારા પણ મળી ગયા હતા. લાગે છે કે BBC અને રોઇટર્સ પણ એ ગુડ એન્ડ બેડ ટેરરીસ્ટની થીયરી અપનાવી ચુક્યા છે. હજી થોડા દિવસો અગાઉ જ યુકેના માન્ચેસ્ટર અને લંડનમાં આતંકવાદી હુમલાઓ થયા હતા ત્યારે BBCએ તેની ઝાટકણી કાઢી હતી, પરંતુ ભારતમાં બે દિવસ અગાઉ જ્યારે અમરનાથ યાત્રીઓ પર હિચકારો આતંકવાદી હુમલો થયો ત્યારે BBCએ બદમાશી બતાવી.

અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલાના સમાચાર આપતા BBCએ આ હુમલામાં મૃત્યુ પામેલા 7 યાત્રાળુઓના મોત ક્રોસ ફાયરીંગમાં થયું હોવાનું જણાવ્યું. આપણને બધાને ખબર છે અને બે દિવસથી સતત ટીવી પર ખુદ યાત્રીઓ કહી રહ્યા છે કે એમની બસને આતંકવાદીઓએ (જેમની સંખ્યા વિષે ભેદ છે પણ તથ્ય પર નહીં) ઘેરીને ગોળીબાર શરુ કરી દીધો હતો. હવે આવામાં BBCની ક્રોસ ફાયરીંગની થિયરી એ બદમાશી નથી તો બીજું શું છે?

BBC

BBCની આ બદમાશી હજી અહીં જ અટકતી નથી. એમના એ લેખની શરૂઆતમાં ક્રોસ ફાયરીંગમાં યાત્રાળુઓ મૃત્યુ પામ્યા હોવાનું તેમણે લખ્યું છે, પરંતુ બાકીના આર્ટીકલમાં તેમણે આ શબ્દને ક્યાંય રીપીટ નથી કર્યો અને તે વધતી ઓછી રીતે ભારતીય મીડીયાએ આપેલા સમાચારો સાથે જ મેળ ખાય છે.

તો આવું તરકટ કરવા પાછળ BBCનો શો હેતુ હોઈ શકે ભલા? શું માન્ચેસ્ટર અને લંડનના હુમલાઓ બેડ ટેરરીસ્ટ દ્વારા થયા હતા અને અમરનાથ યાત્રીઓને મારનારા ગુડ ટેરરીસ્ટ બિચારા ભારતીય સેનાથી બચવા માટે વળતો પ્રહાર કરી રહ્યા હતા એમાં અમરનાથ યાત્રીઓને લઇ જતી બસ વચ્ચે આવી ગઈ?

વાત માત્ર BBCની જ નથી. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સમાચાર સંસ્થા રોઈટર્સે પણ આવી જ બદમાશી બતાવી છે. રોઈટર્સે અમરનાથ યાત્રીઓ પર હુમલો કરનારાઓને ‘Militant’ ગણાવ્યા છે. કોઇપણ અંગ્રેજી ડિક્ષનરી ખોલીને આ શબ્દનો અર્થ શોધશો તો તમને ખ્યાલ આવશે કે Militant એટલે એવો લડાકુ જે દેશ અને/અથવા સમાજના કોઈ કાર્ય માટે હથીયાર ઉપાડે. ટૂંકમાં માત્ર છેલ્લા ઉપાય તરીકે હથીયાર ઉપાડનાર યોદ્ધો એટલે Militant.

Reuters

કાશ્મીરની સ્થિતિની તમામ વિશ્વને સુપેરે જાણ છે અને હાલમાં જ અમેરિકાએ કાશ્મીરમાં આતંકવાદ ફેલાવનાર સૈયદ સલાહુદ્દીનને વૈશ્વિક આતંકવાદી પણ જાહેર કર્યો છે, પરંતુ એવું લાગે છે રોઈટર્સ દ્વારા તેની કોઈજ નોંધ લેવાઈ નથી. જો રોઈટર્સને ખરેખર કાશ્મીરની પરિસ્થિતિ વિષે જાણ હોય અથવાતો તેણે સત્ય જ ઉજાગર કરવું હોત તો અમરનાથ યાત્રીઓ પરના હુમલાખોરોને Militant નહીં પરંતુ Terrorists એટલેકે આતંકવાદી કહ્યા હોત. પરંતુ લાગે છે કે રોઈટર્સને પણ ગૂડ એન્ડ બેડ ટેરરીસ્ટ ભરખી ગયા છે.

આ બંને સંસ્થાઓને ફોલો કરનારા પશ્ચિમના દેશોમાં કરોડો લોકો છે અને એમના સમાચારો પર વિશ્વાસ કરનારા પણ એટલા જ છે. એવામાં તેમણે આ પ્રકારના ટ્વિસ્ટ કરેલા સમાચાર આપવાથી દૂર રહેવું જોઈએ એવું નથી લાગતું?

આ બંને હકીકતો એ સાબિત કરે છે કે ભારતની હાલની કેન્દ્ર સરકારે આતંકવાદ સામેની લડાઈ ઘરના મીડિયાના સહકાર વગર તો લડવાની જ છે પરંતુ વિદેશી મીડિયા પણ તેને સાથ તો નહીં જ આપે પરંતુ તેની છબી ખરાબ કરવામાં પણ પાછી પાની પણ નહીં કરે.

error: Content is protected !!