શાહરૂખ અને સલમાનને કારણે થયું 60 કરોડનું નુકસાન

નવી દિલ્હી, દેશગુજરાત: શાહરૂખ ખાન અને સલમાન ખાન બંને અભિનેતાઓ માટે વર્ષ 2017 કંઈ ખાસ સફળ નીવડ્યું નથી. બંનેની તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ સારું પ્રદર્શન ન કરી શકતા બંને સ્ટારની ફિલ્મોના ડીસ્ટ્રીબ્યુટર્સને અંદાજે 60 કરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

શાહરૂખ ખાનની ‘જબ હેરી મેટ સેજલ’ રીલીઝ થયાના ત્રણ દિવસમાં જ ફિલ્મને ફ્લોપનું ટેગ મળી ગયું હતું. આ પહેલા રીલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ‘ટ્યુબલાઈટ’ પણ દર્શકોને કંઈ ખાસ પસંદ આવી નહોતી. મોટા બજેટની બંને ફિલ્મો બોક્સઓફીસ પર ખરાબ પ્રદર્શન કરતા ફિલ્મના ડીસ્ટ્રીબ્યુટર્સને ફટકો પડ્યો હતો. બંને ફિલ્મ ફ્લોપ થતા તે ફિલ્મના ડીસ્ટ્રીબ્યુટર્સને અંદાજે 60 કરોડનું નુકસાન થયું હોવાની માહિતી મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સલમાનની ‘ટ્યુબલાઈટ’ ફિલ્મ ફ્લોપ જતા તે ફિલ્મના ડીસ્ટ્રીબ્યુટર્સ સલમાનના ઘરે નુકસાનનું વળતર માગવા પહોંચ્યા હતા. આ સમયે સલમાન ખાનના પિતા સલીમ ખાને વળતરની બાહેંધરી આપી હતી. થોડા સમય બાદ માહિતી પણ સામે આવી હતી કે, સલમાને ડીસ્ટ્રીબ્યુટર્સને તેઓની રકમ પરત કરી દીધી છે. જોકે, એન.એચ. સ્ટુડિયોઝના નરેન્દ્ર હૈરાવતે કહ્યું કે અત્યાર સુધીમાં સલમાન ખાન તરફથી તેમને એકપણ રૂપિયો મળ્યો નથી. નરેન્દ્રએ ઉમેર્યું કે, અમને સલીમ ખાને વિશ્વાસ આપ્યો છે. તેથી અમને પૈસા મળી જશે તેવો પૂરો વિશ્વાસ છે.

‘જબ હેરી મેટ સેજલ’ ફિલ્મ અંગે પૂછવામાં આવતા નરેન્દ્રએ કહ્યું કે, આ ફિલ્મ પણ અપેક્ષા પ્રમાણે કારોબાર કરવામાં નિષ્ફળ નીવડી છે. સલમાનની જેમ શાહરૂખ ખાન પર પણ અમને વિશ્વાસ છે કે ‘જબ હેરી મેટ સેજલ’ ફિલ્મને લઈને થયેલા નુકસાનની શાહરૂખ દ્વારા ભરપાઇ કરી અમને મદદ જરૂરથી કરવામાં આવશે. જોકે, હાલ સુધીમાં અમને કોઈપણ પ્રકારની મદદ મળી નથી.

error: Content is protected !!