અમદાવાદ: રથયાત્રા પૂર્વે નેત્રોત્સવ વિધિ યોજાઈ

અમદાવાદ: રથયાત્રા પૂર્વે આજે (ગુરુવારે) અમદાવાદના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરે નેત્રોત્સવ વિધિમાં રાજ્યપાલ ઓ પી કોહલી, સહભાગી થયા હતા. રાજ્યાપાલએ ભક્તિભાવપૂર્વક ભગવાન જગન્‍નાથજીની આરતી-દર્શન કરી આશીર્વાદ પ્રાપ્‍ત કર્યા હતા.

રાજ્યપાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભગવાન જગન્‍નાથજીની આ રથયાત્રાનું લોકોત્‍સવ સમું પર્વ સમાજના તમામ વર્ગો સાથે મળીને ઉમંગ ઉત્‍સાહથી ઉજવે છે એ અર્થમાં રથયાત્રા સામાજિક સદભાવ અને સમભાવનું પ્રતિક બની છે. સાથે સાથે પુર્વ અને પશ્ચિમ ભારતને જોડતું આ પર્વ સમાનતાનો સંદેશ આપે છે એમ તેમણે ઉમેર્યું હતું.

ભગવાન જગન્‍નાથ ગરીબોના દેવતા છે, ગરીબોના બેલી છે અને રથયાત્રા દ્વારા દરિદ્રનારાયણોને દર્શન આપી તેમના હાલચાલ પુછવા નગરયાત્રાએ નીકળે છે. સામાન્‍ય રીતે ભાવિકો, ભક્તજનો ભગવાનના દર્શન માટે મંદિરોમાં જતા હોય છે પરંતુ રથયાત્રાના આ દિવસે ભગવાન સામે ચાલીને સ્‍વયં ભક્તજનોના હાલચાલ પુછવા નગરચર્યાએ નિકળે છે.

મંદિરના સંતગણ સહિત મંદિરના ટ્રસ્‍ટીઓએ રાજ્યપાલનું ભાવભર્યું સ્‍વાગત કર્યું હતું. જગન્‍નાથ મંદિરના ગાદીપતિ મહંત દિલીપદાસજી મહારાજે પણ તેમનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે, ગુજરાત ભાજપાના પ્રમુખ જીતુભાઈ વાઘાણી, અમદાવાદના મેયર બીજલબેન પટેલ, ધારાસભ્ય જગદીશભાઈ પંચાલ, જગન્નાથ મંદિરના ટ્રસ્‍ટી મહેન્‍દ્રભાઇ જ્‍હા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

error: Content is protected !!