અમદાવાદ: રથયાત્રા પૂર્વે પોલીસે હાથ ધર્યું સર્ચ ઓપરેશન, ગોમતીપુર વિસ્તારમાંથી મળી આવી વિસ્ફોટક સામગ્રી

અમદાવાદ: 14 જુલાઈએ શહેરમાં નીકળનારી જગન્નાથજીની રથયાત્રા પૂર્વે પોલીસ મોટું સર્ચ ઓપરેશન હાથ ધાર્યું હતું. આ દરમિયાન રખિયાલ અને ગોમતીપુર પોલીસે સંયુક્ત દરોડા પાડી ગોમતીપુર વિસ્તારમાંથી બોમ્બ શોધી કાઢ્યા હતા. આ સાથે અન્ય વિસ્ફોટક સામગ્રી સાથે 4 શખસોની ધરપકડ કરવામાં આવી હતી.

શહેરના કુખ્યાત બૂટલેગર શફીક સંધી ઉર્ફે ગુડ્ડુ હવાલદારના ઘરે વિસ્ફોટક સામાન હોવાની બાતમી મળતા ગોમતીપુર ટોલનાકા નજીકના તેના ઘરે ગુરુવારે રાત્રે 12:00 વાગ્યે ગોમતીપુર અને રખિયાલ પોલીસ, એસીપી સહિતની ટીમે દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં 32 બોર (રાઉન્ડ)ની પિસ્તોલ,4 સુતળી બૉમ્બ, 12 પાઈપ બૉમ્બ, 5 કાચની બોટલ અને 1 લીટર કેરોસીન મળી આવ્યું છે. પોલીસે શફીક સંધી સહિત ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે.

પ્રાથમિક માહિતી રથયાત્રાને લઈને વિસ્ફોટક લવાયો હોવાની આશંકા ઓછી લાગી છે. જોકે અંગત અદાવત માટે સામાન રાખ્યો હોવાની આશંકા છે. પોલીસ દ્વારા શકમંદોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ ઘટના સામે આવતા જ શહેરની ક્રાઈમ બ્રાન્ચ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ સતર્ક થયા છે. ઘટનાના પગલે પોલીસ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે અને તમામ સામાનને એફએસએલમાં મોકલવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ક્રાઈમ બ્રાન્ચના લિસ્ટેડ બુટલેગરોની લિસ્ટમાં શફીક સંધીનું નામ સામેલ છે.  ગત અઠવાડિયે થયેલા કથિત લઠ્ઠાકાંડમાં પણ પોલીસે શરીફ સંધીના ઘરે દરોડો પડ્યો હતો. જોકે, પોલીસના હાથે કશું જ લાગ્યું નહોતું.

error: Content is protected !!