યુએનની સ્પીચમાં નેતન્યાહુએ મોદી સાથેની મુલાકાતને કંઈક આ રીતે વર્ણવી

ન્યૂયોર્ક: ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇઝરાયેલ પ્રવાસ અંગે પણ ઉલ્લેખ કર્યો હતો.

તેઓએ કહ્યું કે, આ વર્ષે દેશમાં સેંકડો વિશ્વ નેતાઓની મહેમાનગતિ કરી. પરંતુ મારું માનવું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન મોદીનો ઇઝરાયેલ પ્રવાસ હકીકતમાં ઐતિહાસિક હતો.

મોદી અંગે નેતન્યાહુએ કહ્યું કે, મોદી ઇઝરાયેલ, ભારત અને તમામ માનવતા માટે અનંત શક્યતાઓની કલ્પના કરે છે.

નેતન્યાહુએ ઉમેર્યું કે, મે ગયા વર્ષે આ મંચ ઉપરથી જ ઇઝરાયેલને લઈને દુનિયાભરમાં આવેલા ફેરફારો અંગે વાત કરી હતી. આ એક વર્ષમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, વિદેશ મંત્રી અને અન્ય નેતાઓએ ઇઝરાયેલની મુલાકાત લીધી હતી. તેમાંથી કેટલાક નેતાઓએ પ્રથમ વખત જ ઇઝરાયેલની મુલકાત લીધી હતી.

નેતન્યાહુએ કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ પહેલા એવા રાષ્ટ્રપતિ હતા કે જેઓએ રાષ્ટ્રપતિ બન્યા બાદ પોતાના પ્રથમ વિદેશ પ્રવાસમાં ઇઝરાયેલને સામેલ કર્યું હોય. ટ્રમ્પે ઇઝરાયેલ પ્રવાસ દરમિયાન પશ્ચિમી દીવાલનો સ્પર્શ કરીને અમારા દરેકના દિલોને સ્પર્શ કરી લીધા હતા.

નેતન્યાહુએ કહ્યું કે, મોદી ઇઝરાયેલના પ્રવાસ પર આવનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા.

વડાપ્રધાન મોદીના ઇઝરાયેલ પ્રવાસ દરમિયાન અમે સમુદ્રના પાણીમાંથી મીઠું અલગ કરનાર પોર્ટેબલ યંત્રથી સજ્જ જીપની સવારી કરી હતી, તેમ નેતન્યાહુએ કહ્યું હતું. નેતન્યાહું ઉમેર્યું કે, આ મુલાકાત દરમિયાન અમે ચંપલ કાઢીને દરિયામાં ગયા અને થોડા સમય પહેલા જ શુદ્ધ કરેયેલુ દરિયાનું પાણી પીધું હતું.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી જુલાઈ મહિનાની શરૂઆતમાં ઇઝરાયેલ પ્રવાસ પર ગયા હતા.

Related Stories

error: Content is protected !!