સુરેશ મહેતા નર્મદા યોજના સામે નિવેદનો કરીને પાણીમાંથી પોરા કાઢવાનું કામ કરે છે: ભરત પંડ્યા

ગાંધીનગર : નર્મદા યોજના સામેના નિવેદનની પ્રતિક્રિયા આપતા પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ કહ્યું હતું કે, સુરેશ મહેતા પાણી માંથી પોરા કાઢવાનું કામ કરી રહ્યાં છે. ચુંટણી આવે ત્યારે નિવેદન કરવા આવી જાય છે. નર્મદા યોજનાનું પવિત્ર કામ છે. આ પવિત્ર કામમાં શંકા, કુશંકા કરીને હવનમાં હાડકા ન નાંખવા જોઈએ. કોંગ્રેસે જે તે સમયે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રની સરકારોએ અડચણો ઊભી કરી હતી. કોંગ્રેસની યુ.પી.એ. સરકારે ૧૦ વર્ષ સુધી નર્મદા ડેમના દરવાજાની મંજૂરી ન આપી તે વખતે મહેતા ક્યાં હતાં. કોંગ્રેસની સામે પ્રશ્નો કે નિવેદનો પૂછવાને બદલે ભાજપ સામે પૂછી રહ્યાં છે તે નિંદનીય છે.

પંડયાએ કહ્યું હતું કે, ગુજરાતની જનતા જાણે છે કે નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી બન્યાં તેના ૧૭ દિવસે નર્મદા ડેમની દરવાજાની મંજૂરી આપી હતી. જે કોંગ્રેસના ૧૦ વર્ષના શાસનકાળમાં મળી ન હતી. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા અને ગુજરાત માટે અડીખમ નેતૃત્વ પૂરૂં પાડીને સંઘર્ષ કર્યો છે.નર્મદા માટે મુખ્યમંત્રી તરીકે ઉપવાસ પર પણ બેઠાં હતાં. નરેન્દ્રભાઈ મોદીએ આ નર્મદા યોજનાને વિરોધના વમળો માંથી બહાર કાઢીને વિકાસના વહેણ સુધી વહેતી કરી છે. કેવડીયા થી કચ્છ સુધી નર્મદાના નીર આ ગુજરાતના વીરે પહોંચાડ્યા છે.  નરેન્દ્રભાઈ મોદીની કર્તૃત્વ-નેતૃત્વ અને વ્યક્તિત્વની ઈર્ષ્યામાં મહેતા પીડાઈ રહ્યાં છે.

નર્મદા ડેમનું કામ ભાજપે જ પૂર્ણ કર્યું છે અને નહેરોનું કામ પણ ભાજપ જ પૂર્ણ કરી શકશે. જેણે નર્મદાને સતત રોકવાનું પાપ કર્યું છે. તે કોંગ્રેસ સ્વપ્નમાં પણ કયારેય ગુજરાત હિત, વિકાસ, ગૌરવ માટે વિચારી શકતી નથી. જે તે સમયની કોંગ્રેસની રાજય સરકારો તેમજ તે સમયની કોંગ્રેસની કેન્દ્ર સરકારના મંત્રી સૈફુદીન ખોજથી લઈને હમણાં રાજય સભામાં દિગ્વીજયસિંહ અને લોકસભામાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ નર્મદા ડેમના દરવાજા બંધ થયા પછી પણ સતત નર્મદા યોજનાને અટકાવવાના કામ કરી રહ્યાં છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ગુજરાત વિરોધી અને નર્મદા વિરોધી તત્વો સાથે મળીને ગુજરાતનું અહિત થાય તે માટે ઉશ્કેરી રહ્યાં છે.

પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના સમયમાં એક ડંકી નખાવવી હોય તો સરપંચના ચંપલ ઘસાઈ જતાં હતાં ત્યારે ભાજપ સરકારમાં નર્મદા નીરને તળાવો, ચેકડેમો, નદીઓમાં નાંખવામાં આવી રહ્યાં છે. આ એ જ કોંગ્રેસ હતી કે નર્મદા યોજનામાં પાણીની વિશાળ પાઈપલાઈન નંખાતી હતી. ત્યારે આક્ષેપ કરતી હતી કે આમાં પાણી નહી પણ હવા આવે અને એ જ પાઈપલાઈનથી હજારો ગામોમાં પાણી પહોંચાડ્યું. ગુજરાતમાં ૧,૨૫,૦૦૦ કિ.મી. પાણીની પાઈપલાઇનનું નેટવર્ક ઊભું કરીને ઘરે ઘરે પાણી પહોચાડવાનું ઐતિહાસિક કામ ભાજપ સરકારે કર્યું છે. નર્મદાના નીરથી સૂઝલામ સૂફલામ યોજનાથી ઉત્તર ગુજરાતની સૂકી ભઠ્ઠ ધરતી નંદનવન બની. સૌરાષ્ટ્રમાં સૌની યોજના દ્વારા એક પછી એક લીંક દ્વારા તબક્કાવાર ચેકડેમો ભરવામાં આવી રહ્યાં છે. તેને કારણે ગુજરાત વિરોધીઓને પેટમાં તેલ રેડાયું છે. સરદાર પટેલને ૪૧ વર્ષ સુધી ભારત રત્ન ન આપવા દેનાર કોંગ્રેસે સરદાર પટેલની સતત અવગણના અને અપમાન કર્યું હતું. એ સરદાર પટેલનું વિશ્વમાં માન, સન્માન, ગૌરવ વધે તે માટે નર્મદા ડેમ પર નરેન્દ્રભાઈ મોદી ૧૮૨ મીટરની વિશાળ પ્રતિમા દ્વારા દેશની એકતાના શિલ્પીની પ્રતિભા દુનિયાને બતાવવામાં પ્રમાણિક પ્રયાસ કર્યો છે. નર્મદાના નીર ભાજપ સરકારે જ લોકો સુધી, ખેડૂતો સુધી પહોંચાડ્યા છે. ડેમ અને નહેરોમાં પણ પરિણામલક્ષી કામગીરી કરી છે તેમ શ્રી પંડયાએ અંતમાં જણાવ્યું હતું.

error: Content is protected !!