બિહારના નાયબ મુખ્યમંત્રીએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લીધી

રાજપીપલા : વિક્રમ સંવતના નવા વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટીના દ્વિતિય મુલાકાતી મહાનુભાવના રૂપમાં આજે (મંગળવાર) બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ સરદાર વલ્લભ પટેલના કેવડીયા કોલોની ખાતે સ્થાપિત સરદાર સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીની અને તેની સાથે સંલગ્ન વેલી ઓફ ફ્લાવર્સ, વોલ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, ભૂગર્ભ જળ વિદ્યુત મથક, ટેન્ટ સીટી સહિતના વિવિધ આકર્ષણોની મુલાકાત લેવાની સાથે પરમ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. નાયબ મુખ્યમંત્રીની સાથે તેમના ધર્મપત્નિ પણ આ મુલાકાત-પ્રવાસમાં સાથે રહ્યાં હતાં. આજે સવારે કેવડીયા કોલોનીના હેલીપેડ ખાતે બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર, ગુજરાતનાં ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ગુજરાત મેરી ટાઇમ બોર્ડના સીઇઓ મુકેશ પુરી વગેરે હેલીકોપ્ટર દ્વારા આવી પહોંચતા નર્મદા જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, નિગમના અધિક્ષક ઇજનેર આર.જી. કાનુનગો અને પ્રાંત અધિકારી ડી.કે. ભગત વગેરેએ પુષ્પગુચ્છથી તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં પ્રવેશતા જ જિલ્લાના આદિવાસી કલાવૃંદે મેવાસી નૃત્યની રમઝટ સાથે નાયબ મુખ્યમંત્રીના આગમનને વધાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળે વિવિધ વિભાગોની મુલાકાત દરમિયાન અતિ વિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલી અર્પીને રાષ્ટ્રના શિલ્પી સરદાર વલ્લભ પટેલની ભાવવંદના કરી હતી તથા ભાવવિભોરતા સાથે જણાવ્યું હતું કે, સરદાર પટેલ સાહેબની પ્રતિમાના જુદા જુદા એન્ગલથી દર્શન કરવાની સાથે સતત દર્શન કરતા રહીએ તો પણ આપણે અતૃપ્ત હોઇએ તેવો અહેસાસ થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની ૮ મી અજાયબી ગણાવીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબના વિરાટ કદની જેમ વિશ્વની સૌથી ઉંચી વિરાટ પ્રતિમાના નિર્માણ થકી વિશ્વની આઠમી અજાયબીની દેણ સાથે વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
બિહારના નાયબ મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સભાખંડમાં સરદાર સાહેબના જીવન અને કવનને વણી લેતી ફિલ્મ નિહાળી હતી. તેમણે ૪૫ માળની ઉંચાઇએ પ્રતિમાના હ્રદય સ્થળેથી માતા નર્મદા અને વિદ્યાંચલ-સાતપુડાની ગિરીમાળાઓના દર્શન સાથે નર્મદાના દર્શન પવિત્રતાની અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ પણ કરી હતી. તેમણે વધુમાં બિહારના મંત્રી પરિષદનાં સભ્યોને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે મોકલાશે, તેમ જણાવ્યું હતું. ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલે રાજ્ય સરકાર વતી બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીને સ્મૃતિ ચિહ્ન એનાયત કર્યું હતું. સરદાર સરોવર નર્મદા નિગમના અધિક્ષક ઇજનેર આર.જી. કાનુનગોએ નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીની આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી, આ સમગ્ર પ્રોજેક્ટ તેમજ સરદાર સરોવર બંધની વિશ્વકક્ષાની ઇજનેરી વિશેષતાઓ તેમજ વિશ્વની અન્ય વિરાટ પ્રતિમાઓની સરખામણીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિરાટ પ્રતિમાની ઝીણવટભરી જાણકારી આપી હતી. તેમણે તોફાની પવનો, ઝંઝાવાતો, મોટા ધરતીકંપો સામે આ પ્રતિમાને રક્ષણ આપતી ઇજનેરી વ્યવસ્થાઓની માહિતી પૂરી પાડી હતી.

બિહારના નાયબ મુખ્યમંત્રીએ સરદાર સરોવર બંધના ટોપ પર જઇને સરદાર સરોવરના જળ ભંડાર સંગ્રહ ક્ષમતાની અને ઝીરો પોઇન્ટ ખાતેથી નર્મદા જળના મુખ્ય નહેરના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં અને રાજસ્થાન સુધી વિતરણ વ્યવસ્થાની જાણકારી ઉપરાંત ભૂગર્ભ જળવિદ્યુત મથકની મુલાકાત લઇને નર્મદા યોજના હેઠળ જળવિદ્યુત ઉત્પાદનની ક્ષમતા અને વિતરણ વ્યવસ્થાની માહિતી મેળવી હતી. ટેન્ટ સીટીના આકર્ષણો અને સુવિધાઓની પણ જાણકારી તેમણે મેળવી હતી.

error: Content is protected !!