અમરનાથ યાત્રામાં ઘાયલ થયેલા બીલીમોરાના દંપત્તિએ સરકારી સહાય સ્વીકારવાની ના પાડી

બીલીમોરા, દેશગુજરાત

ગત અઠવાડિયે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ ખાતે અમરનાથ યાત્રાના શ્રધ્ધાળુઓ પર થયેલા આતંકવાદી હુમલાઓમાં ઈજાગ્રસ્ત થનારને સરકાર તરફથી એક લાખ રૂપિયાની સહાયતાની ઘોષણા કરવામાં આવી હતી. બંને જણા ઈજાગ્રસ્ત થયા હોવાથી મળેલી કુલ બે લાખ રૂપિયાની સહાયતા સ્વીકારવાનો બીલીમોરાના એક દંપત્તિએ સવિનય ઇનકાર કર્યો છે.

નટવરભાઈ અને સુશીલાબેન પટેલના કહેવા અનુસાર તેઓ તે કમનસીબ બસની ચોથી રોમાં બેઠા હતા અને સદભાગ્યે તેઓને નાનીમોટી ઈજા જ થઇ હતી. જ્યારે સરકારના અધિકારી તેમને બે લાખનો ચેક આપવા માટે તેમના ઘેર આવ્યા ત્યારે તેમણે આ ચેક સ્વિકારવાનો સવિનય ઇનકાર કર્યો હતો અને સહાયતા મેળવનાર લોકોના લીસ્ટમાંથી પોતાનું નામ રદ્દ કરવાની તેમણે સરકારને લેખિતમાં વિનંતી પણ કરી છે.

આ પતિ-પત્નીનું કહેવું છે કે તેમની ઈજાઓ બિલકુલ ગંભીર ન હતી અને તેઓની આર્થિક સ્થિતિ પણ સારી હોવાથી તેઓ પોતાની સારવારનો ખર્ચ જાતે ઉપાડી શકે છે અને આથી તેમણે સરકારી ખર્ચ પર દબાણ લાવવાની જરૂર નથી. બીલીમોરાના આ દંપત્તિનો પુત્ર એર ઇન્ડિયામાં ઇન્ટરનેશનલ પાયલટ તરીકે સેવા આપે છે તે ઉપરાંત આ બંને નિવૃત્ત બેંક કર્મચારીઓ હોવાથી તેમને પેન્શન પણ મળે છે.

Natvarbhai and Sushila ben patel

નટવરભાઈ સિન્ડીકેટ બેંક અને સુશીલાબેન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ રહી ચૂક્યા છે.

નટવરભાઈએ કહ્યું હતું કે સરકારે તેમને તમામ મેડીકલ સુવિધાઓ આપી અને તે  ઉપરાંત તેમણે અમને ખાસ પ્લેનમાં ઘેર પણ મોકલ્યા આથી અમારી એ નૈતિક જવાબદારી છે કે અમે સરકાર પર ભારરૂપ ન બનીએ.

10 જુલાઈએ અમરનાથ યાત્રા પર થયેલા હુમલામાં સાત વ્યક્તિઓના મોત નીપજ્યા હતા જ્યારે 18 ઘાયલ થયા હતા. ગઈકાલે શ્રીનગરની શેર-એ-કાશ્મીર ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સીઝમાં એક અન્ય યાત્રી લાલીબેન પટેલનું અવસાન થતા આ હુમલાનો મૃત્યુઆંક વધીને 8 થયો છે.

Related Stories

error: Content is protected !!