ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારીના નિવેદનની ભાજપ અને શિવસેનાના નેતાઓએ કરી ટીકા

નવી દિલ્હી, દેશગુજરાત: દેશના મુસલમાનોમાં અસુરક્ષા અંગે વિદાય થઇ રહેલા ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારીના નિવેદન પર ભાજપ અને શિવસેનાના નેતાઓએ ટીકા કરી હતી. ભાજપના નેતાઓએ આ નિવેદનને પદના ગૌરવની વિરુદ્ધ ગણાવ્યું હતું. શિવસેનાના નેતાઓએ ટીકા કરતા કહ્યું કે, જો મુસલમાનોમાં અસુરક્ષિતતાની ભાવના દેખાઈ રહી છે, તો દસ વર્ષથી ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો, વિદેશ પ્રવાસો, ભવ્ય મકાન અને કરદાતાઓના ખભે મોભો ભોગવતા બેઠેલા અન્સારીએ પહેલેથી જ રાજીનામું આપીને જનતા વચ્ચે જવાની જરૂર હતી.

શા માટે ન આપ્યું રજીનામુ

ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારીના નિવેદન અંગે શિવસેનાએ સખત પ્રતિક્રિયા આપી હતી. શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, જો હામીદ અન્સારીને મુસલમાનોમાં અગવડતા અને અસુરક્ષાની ભાવના દેખાઈ રહી હોય તો આ વિષયને લઈને તેઓએ પહેલા જ પોતાના પદ પરથી રાજીનામુ શા માટે આપ્યું નહીં. હવે તેઓ જઈ રહ્યા છે ત્યારે આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે. તેઓએ પહેલા જ રાજીનામું આપીને જનતાની વચ્ચે જવાની જરૂર હતી. લઘુમતી મુસલમાનો માટે દેશમાં બહુમતી ધરાવતા હિન્દુઓને ખોટા દૃષ્ટિકોણથી જોવામાં આવી રહ્યા છે. દેશની તમામ મશીનરી મુસલમાનોની સુરક્ષામાં લગાવવામાં આવી છે.

શું કહ્યું હામીદ અન્સારીએ ?

ઉલ્લેખનીય છે કે, વિદાય લઇ રહેલા ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, દેશના મુસલમાનોમાં અગવડતાનો અહેસાસ અને અસુરક્ષાની ભાવના છે. ઉપરાષ્ટ્રપતિ તરીકે 80 વર્ષીય અન્સારીનો બીજો કાર્યકાળ ગુરુવારે સમાપ્ત થઇ રહ્યો છે. અન્સારીએ કહ્યું કે, તેઓએ અસહિષ્ણુતાનો મુદ્દો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેની કેબીનેટ સામે ઉઠાવ્યો છે. તેઓએ કહ્યું કે નાગરિકોની ભારતીયતા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

ભારત જેટલી સ્વતંત્રતા બીજે ક્યાય નહીં

ભાજપના નેતા ગિરીરાજ સિંહે કહ્યું કે, સપૂર્ણ વિશ્વમાં ભારતના નાગરિકો કરતા વધુ કોઈ સુરક્ષિત નથી. અહિયાં કોઈપણ વ્યક્તિ કંઈપણ કહી શકે છે. કોઈપણ પથ્થમારો કરનારનું સમર્થન કરી શકે છે. કોઈપણ અલગતાવાદીઓનું સમર્થન કરી શકે છે. અહિયાં અડધી રાત્રે આતંકવાદીઓ માટે કોર્ટ ખુલ્લી શકે છે. તેથી, જ ભારતમાં હિન્દુ અને મુસલમાન દરેક સુરક્ષિત છે. ભારત જેવો અન્ય કોઈ દેશ મળશે નહીં. ભારતમાં જે ઈચ્છે ગામે તેને ગાળો આપી દે, પરંતુ ભારતમાં રહેવું હોય તો કાયદો એક જ રહેશે. અયોધ્યા પર એક કાયદો અને ત્રિપલ તલાક પર બીજો કાયદો, ભારતમાં આ ચાલશે નહીં.

આ દેશ બંધારણ પ્રમાણે ચાલે છે.

ભાજપ નેતા સાક્ષી મહારાજે કહ્યું કે, તે હામીદ અન્સારીના નિવેદન સાથે સંમત નથી. ભારતમાં મુસલમાનો જેટલા સુરક્ષિત છે એટલા સુરક્ષિત વિશ્વમાં ક્યાય નથી. દેશમાં જ્યારથી મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી કોઈપણ કોમી હુલ્લડ થયા નથી. જ્યારથી ઉતરપ્રદેશમાં યોગી મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી યુપીમાં પણ કોઈ હુલ્લડ થયું નથી. જોકે, પથ્થર ફેંકનારા, બોમ્બ ફેંકનારા આતંકવાદી સુરક્ષિત નથી. આ દુર્ભાગ્યની બાબત છે કે તેઓ (હામીદ અન્સારી) ત્રણ વર્ષ સુધી મજા કરતા રહ્યા અને જયારે ખુરશી છોડવાનો સમય આવ્યો તો તેઓને મુસલમાનો અસુરક્ષિત લાગી રહ્યા છે. તેનાથી મોટું દુર્ભાગ્ય કંઈ ન હોઈ શકે. મને લાગે છે કે તેઓ કોઈ પાર્ટીનું સભ્ય પદ લેવાના નથી. તેથી, જ આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે. આ દેશ કોઈના વિચારો કે ફતવાથી નહીં પરંતુ બંધારણથી ચાલશે.

પદની ગરિમાને અનુકુળ નથી આ પ્રકારનું નિવેદન

ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીયે પણ હામીદ અન્સારીના નિવેદન અંગે અસંમતી દર્શાવી હતી. તેઓએ કહ્યું, મને લાગે છે કે દેશના ઉચ્ચ પદ પર બેસીને આ પ્રકારનું નિવેદન આપવું યોગ્ય નથી. હું તેના નિવેદન સાથે સંમત નથી. ત્ર-ચાર ઘટનાને આહ્દરે આકારણી કરવી યોગ્ય નથી. એવા હજારો ઉદાહરણ મળશે કે હિન્દુ-મુસલમાન એકસાથે મળીને રહે છે. જો આ પ્રકારે તમે નકારાત્મક દ્રષ્ટિથી દેશની આકારણી કરશો તો દેશની સાથે ન્યાય નહીં કરો. લાગે છે કે આ પ્રકારના નિવેદન આપીને તેઓ ભવિષ્યમાં રાજકારણમાં પાછા ફરવાની શક્યતા શોધી રહ્યા છે. કોઈપણ ઉચ્ચ પદ પર બેઠેલા વ્યક્તિ પાસે આ પ્રકારના નિવેદનની અપેક્ષા ન રાખી શકાય. આ પ્રકારનું નિવેદન આપવું એ ઉચ્ચ પદના ગૌરવને નીચે ધકેલવા સમાન છે.

error: Content is protected !!