મણિશંકર ઐય્યરે મોદીને ‘નીચ’ કહેતા ભાજપી નેતાઓએ આપી આકરી પ્રતિક્રિયા

નવી દિલ્હી, દેશગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાહુલ ગાંધી અંગે આપવામાં આવેલા નિવેદનના જવાબમાં મણિશંકર ઐય્યરે ગુરૂવારે કરેલાં નિવેદનથી તેઓ પોતેજ વિવાદમાં ફસાઈ ગયા છે. તેઓએ વડાપ્રધાન મોદી માટે ‘નીચ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેને લઈને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આવા નિમ્ન કક્ષાના શબ્દનો ઉપયોગ કરવામાં આવતા ભાજપના નેતાઓએ મણિશંકર તેમજ કોંગ્રેસને કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી.

ઐય્યરે કહ્યું હતું કે, “મને આ માણસ ઘણો જ નીચ પ્રકારનો લાગે છે. તેમાં કોઈ જ સભ્યતા નથી. આવા પ્રસંગે આ પ્રકારના ગંદા રાજકારણની શું જરૂર હતી?” ઐય્યરના આ નિવેદન પર વિવાદ વધ્યો તો રાહુલ ગાંધીએ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરી, જેમાં તેઓએ ઐય્યરે આ પ્રકારની ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ તેમ જણાવી તેઓએ માફી માગે તેવી પ્રતિક્રિયા આપી હતી. જે બાદ ઐય્યર એકવખત ફરી મીડિયા સામે આવ્યાં હતા અને કહ્યું કે, “હું હિન્દી ભાષી નથી. જો નીચ શબ્દનો કોઈ અન્ય અર્થ નીકળે છે તો હું માફી માગુ છું.”

 

મણિશંકરના આ નિવેદનને લઈને પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં આયોજીત જાહેરસભામાં કહ્યું કે, ચૌદ વર્ષના મારા મુખ્યમંત્રીના કાર્યકાળ અને સાડા ત્રણ વર્ષના મારા વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન મેં એક પણ કામ એવું કર્યું નથી કે દેશ કે ગુજરાતના એકપણ નાગરિકને નીચું જોવું પડે. કોઇપણ નીચ કામ કર્યું નથી. ઉંચ અને નીચનો વિચાર કર્યા વગર સતત ગરીબો, દલિતો, પછાતો, આદિવાસીઓ, યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને બાળકોના હીતને ધ્યાને લઇ વિકાસના કાર્યો કર્યા છે. કોંગ્રેસ તેનું માનસિક સંતુલન ગુમાવે તેનું જરાય દુ:ખ નથી, પરંતુ જેણે પોતાનું સમગ્ર જીવન છેવાડાના માનવી માટે ખપાવી દીધું છે, જે ગરીબો, દુખીયારાઓની વચ્ચે બેસે છે, તેમની વાત કરે છે એ બાબતો જો તેમને નીચ લાગતી હોય તો તે માનસિકતા કોંગ્રેસને જ મુબારક. હું ભલે નીચ હોઉ, ઉચ્ચ કામો કરીને જ રહેવાનો છું.

વડાપ્રધાન માટે ‘નીચ’ શબ્દ વાપરવા અંગે પ્રહાર કરતા નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું, વડા પ્રધાનને ‘નીચ’ તરીકે બોલાવીને કોંગ્રેસ પાર્ટીએ ભારતના નબળા અને પછાત વર્ગને પડકાર ફેંક્યો છે. ભારતની લોકશાહીની તાકાત પ્રદર્શિત થશે જ્યારે નમ્ર પૃષ્ઠભૂમિની વ્યક્તિ રાજકીય રીતે રાજવંશ અને તેના પ્રતિનિધિઓને હરાવી દેશે. 

જેટલી અન્ય એક ટ્વીટમાં કહ્યું કે, વડાપ્રધાન અંગે ‘નીચ’ શબ્દનો ઉપયોગ કરનાર મણિશંકર ઐય્યરેનું નિવેદન માત્ર એક ઉચ્ચ સંપ્રદાય પરિવાર એક શાસક હોઈ શકે છે અને બાકીના માત્ર ‘નીચ’ છે.

આ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, મણિશંકર ઐય્યર દ્વારા વડાપ્રધાનપદને ‘નીચ’ તરીકે વર્ણવવામાં આવ્યું તે બાબતને લઈને કોઈ આશ્ચર્ય થયું નથી. આ કોંગ્રેસ પાર્ટીની સંસ્કૃતિ છે. ગુજરાતનાં લોકો ગરીબ વિરોધી, દલિત વિરોધી, આદિજાતિ વિરોધી અને ઓબીસી વિરોધી કોંગ્રેસને સજા કરશે.

શાહે કહ્યું, દેશના દલિત, પીડિત, શોષિત, નિરંકુશ અને ગરીબ વર્ગ અંગે કોંગ્રેસમાં શરૂઆતથી જ દુષ્પ્રભાવ રહ્યો છે. આજે જ્યારે આ વર્ગ વિકસી રહ્યો છે, આગળ વધી રહ્યો છે, ત્યારે કોંગ્રેસની આ ધૃણા અશિષ્ટ ભાષાના સ્વરૂપમાં બહાર આવી રહ્યો છે.

error: Content is protected !!