ભાજપના રાજ્યસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાએ નોંધાવી ઉમેદવારી

ગાંધીનગર : ગુજરાતમાંથી રાજ્યસભા માટે 4 ઉમેદવારો ચૂંટણી લડવાના છે. જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે  (સોમવારે) છેલ્લો દિવસ છે. ભાજપના રાજ્યસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાએ ગાંધીનગર વિધાનસભા સચિવ સમક્ષ આજે (સોમવારે) પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા હાજર રહ્યા હતા. ઉમેદવારી નોંધાવ્યા બાદ બંને નેતાઓએ પસંદગી બદલ મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

માંડવિયા પોતાના નિવાસસ્થાનેથી સાયકલ રેલી કાઢીને વિધાનસભા પહોંચ્યા હતા. રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે સપ્તાહ પહેલાં ઉમેદવારો જાહેર કર્યા હતા. કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીને ગુજરાત બહારથી ઉમેદવારી માટે પસંદ કરાયા છે.

બીજી તરફ કોંગ્રેસે રવિવારે મોડી રાત્રે પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણ રાઠવા અને પ્રદેશ પ્રવક્તા અમી યાજ્ઞિકનાં નામ રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે. જોકે, આ ઉમેદવારની પસંદગીને લઈને પક્ષના જ કેટલાક ઉમેદવારો નારાજ છે.

error: Content is protected !!