આગામી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને 16 જાન્યુઆરીથી ભાજપ શરુ કરશે જનસંપર્ક

ગાંધીનગર: આગામી સમયમાં યોજાનાર ૭૫ નગરપાલિકા,૧૭ તાલુકા પંચાયત અને ૦૨ જીલ્લા પંચાયતની ચૂંટણીઓ સંદર્ભે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી દ્વારા નિમાયેલ બેઠક દીઠ નિરિક્ષકોએ કામગીરી બુધવારથી પ્રારંભી દીધી છે. આ નિરિક્ષકો પૈકી જીલ્લા પ્રભારી, પ્રદેશ ઇન્ચાર્જ, સ્થાનિક સંગઠનના હોદ્દેદાર અને પ્રદેશ દ્વારા નિયુક્ત નિરિક્ષક મહિલા એમ કુલ 4 સભ્યો બેઠક દીઠ સેન્સ લેશે અને તેની માહિતી પ્રદેશ સંગઠનને સોંપશે. આ કામગીરી ૧૦-૧૧- ૧૨ જાન્યુઆરી આમ ત્રણ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. આગામી સમયમાં યોજાનાર ૧૪૨૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત શાંતિ, એકતા અને વિકાસ માટે ગ્રામ પંચાયતોને સમરસ કરવા ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ અપીલ કરી છે.

ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું હતુ કે,  ‘‘ચરૈવેતી-ચરૈવેતી’’ના મંત્ર સાથે ભાજપાના લોકસેવા અને લોકસંપર્કના કાર્યક્રમો આગામી સમયમાં યોજાનાર છે તે પૈકી, ૧૨ જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના  ૫૮૬ મંડલોમાં ભાજપા યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદ વંદન કાર્યક્રમ યોજાશે અને નગરપાલિકા, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની આગામી દિવસોમાં ચૂંટણીઓ થનાર છે તે સ્થળોએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. ૧૪મી જાન્યુઆરીના રોજ ગુજરાતભરની સેવાવસ્તીઓમાં બાળકો અને ભૂલકાઓને યુવા મોરચા દ્વારા પતંગ વિતરણ કરાશે. સુભાષચંદ્ર બોઝ જન્મજયંતિ નિમિત્તે સમગ્ર જીલ્લા/મહાનગરોમાં વિવિધ સ્થળોએ ૧૬ જાન્યુઆરી થી ૨૪ જાન્યુઆરી સુધી રક્તદાન શિબિર યોજશે. ત્યારબાદ ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે સામાજીક સમરસતા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે.

તારીખ ૧૪મી જાન્યુઆરીના રોજ મકરસક્રાંતિ નિમિત્તે ભાજપા સંગઠન દ્વારા તલના લાડુ અને ચિક્કીની વહેચણી સેવાવસ્તીમાં જઇને કરવામાં આવશે. તારીખ ૧૬,૧૭,૧૮ જાન્યુઆરીના રોજ ‘‘ઘર-ઘર ચલો અભિયાન’’ અંતર્ગત આગામી સમયમાં જ્યાં પણ ચૂંટણીઓ છે ત્યાં, જનસંપર્ક કરાશે. તારીખ ૨૮ જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘‘મન કી બાત’’ કાર્યક્રમનું સામુહિક રૂપે શ્રવણ કરાશે.

પંડ્યાએ વધુમાં કહ્યું હતુ કે, હાલમાં જ પૂર્ણ થયેલ વિધાનસભાની ચૂંટણીઓમાં ગુજરાતની પ્રજાઅને ભાજપાને સતત છઠ્ઠી વખત સેવા કરવાનો મોકો આપ્યો છે. ગુજરાતમાં ભાજપાનો જનાધાર વધ્યો છે. આવનારી આ ચૂંટણીઓમાં લગભગ ૬૦ જેટલી વિધાનસભા બેઠકો આવરી લેવામાં આવશે.

error: Content is protected !!