ગુજરાતી વડાપ્રધાનના રાજ્યમાં ભાજપ જ જીતશે, નીતીશ કુમારનો દાવો

પટના: એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની ભારે ટીકા કરનારા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર હવે તેમના વારંવાર વખાણ કરતા નજરે પડે છે. બિહારમાં સરકાર બનાવવા માટે ભાજપ સાથે ગઠબંધન બાદ નીતીશના સુર બદલાયા છે. નીતીશ કુમારે કહ્યું કે, ગુજરાતમાં ભાજપ જીતશે. નીતીશે દાવો કર્યો હતો કે, જે પ્રાંતના વડાપ્રધાન હોય તે જ પ્રાંતના લોકો અલગથી મતદાન કેમ કરે તે પણ સમજવું જોઇએ. લોકોની ભાવનાઓ પણ સમજવી જોઇએ.
રાહુલ ગાંધી પર ટોણો મારતા તેઓએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીને માત્ર મીડિયાએ ઉઠાવીને રાખ્યા છે. જોકે ચૂંટણી બાદ આ જ મીડિયા શું કરશે તે સૌ કોઇ જાણે છે. ગુજરાતની ચૂંટણી ૨૦૧૭ના બહાને નીતીશ કુમારે ફરી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે કરાવવાની માગણી કરી હતી. તેઓએ કહ્યું હતું કે આજે દર વર્ષે ક્યાંક ને ક્યાં ચૂંટણીઓ થતી જ હોય છે. અને આ ચૂંટણીઓને મીડિયા સેમી ફાઇનલ બનાવી દેતી હોય છે. આ સ્થિતિમાં ત્યાં સુધી પરીવર્તન નહીં આવે જ્યાં સુધી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ સાથે ન યોજાય.
નીતીશ કુમાર એક સમયે લાલુ પ્રસાદ યાદવના વખાણ કરતા હતા પણ ગઠબંધન તુટતા હવે આ બન્ને નેતાઓ એકબીજા પર આરોપો લગાવવા લાગ્યા છે. નીતીશ કુમારે પણ લાલુ અંગે ટોણો મારતા કહ્યું હતું કે લાલુ પ્રસાદ યાદવ ગમે તે કહે પણ અમે તેના નિવેદનોનો જવાબ આપવાનું જરુરી નથી સમજતા, અમે અમારા પ્રવક્તાઓને પણ કહી દીધુ છે કે આવા નિવેદનોનો જવાબ ન આપે. તેજસ્વી યાદવને મુખ્ય પ્રધાન તરીકે લાલુ પ્રસાદ યાદવ આગળ કરવા લાગ્યા છે. આ મામલે પણ નીતીશ કુમારે જણાવ્યું હતું કે હાલ તેજસ્વી નાનો બાળક છે.
નીતીશ કુમારે કહ્યું હતું કે મહિલા અનામત બિલને લોકસભામાં રજુ કરવું જોઇએ. મહિલાઓને જો રાજનીતીમાં અનામત મળશે તો તે સારી બાબત કહેવાશે. આ મુદ્દાને લોકસભામાં પણ લાવવો જોઇએ. રાજ્યસભામાં સુધારો થઇ ગયો છે. નીતીશે દાવો કર્યો હતો કે બિહારમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં પહેલાથી જ મહિલાઓ માટે ૫૦ ટકા અનામત આપવામાં આવી છે.
રેલવે ટેંડર મામલે ઇડીએ લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવની પૂછપરછ કરી હતી. ઇડીએ સાત વખત તેજસ્વીને નોટીસ મોકલી હતી. જેને પગલે અંતે તેઓ દિલ્હીમાં ઇડીના કાર્યાલયે હાજર થયા હતા. જ્યાં તેમની પૂછપરછ ચાલી રહી છે. પૂછપરછ માટે તેજસ્વી એકલા જ ઇડીની ઓફીસમાં ગયા હતા. આ પહેલા પણ સીબીઆઇએ તેજસ્વીની પૂછપરછ કરી હતી.

error: Content is protected !!