મહારાષ્ટ્રમાં પંચાયતની ચૂંટણીમાં ભાજપની જીત માટે વડાપ્રધાન મોદીએ માન્યો આભાર

નવી દિલ્હી, દેશગુજરાત: મહારાષ્ટ્રમાં પંચાયતની ચૂંટણીમાં મળેલી મોટી જીતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન પાઠવ્યા અને ભાજપના વિકાસના એજેન્ડાને સમર્થન આપવા બદલ મહારાષ્ટ્રની જનતાનો આભાર માન્યો હતો.

મોદીએ ટ્વીટમાં કહ્યું કે, હું  સમગ્ર રાજ્યમાં પંચાયતની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન માટે મહારાષ્ટ્ર ભાજપ, દેવેન્દ્ર ફડણવીસ અને રાવ સાહેબ દાનવેને અભિનંદન પાઠવું છું. મોદીએ કહ્યું કે, ગ્રામ્ય ક્ષેત્રોમાં મહારાષ્ટ્ર ભાજપાએ શાનદાર જીત મેળવી છે. જે ભાજપના વિકાસના એજન્ડાને ખેડૂતો, યુવાનો અને ગરીબોના જબરદસ્ત સમર્થનને રજુ કરે છે.

મોદીએ ટ્વીટમાં કહ્યું કે, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપના પ્રભાવશાળી પ્રદર્શન માટે મહારાષ્ટ્રના લોકોનો આભાર માનું છું. તેમણે મરાઠીમાં પણ ટ્વીટ કર્યું કે, ‘મહારાષ્ટ્રતીલ જનતેચે મનઃપૂર્વક આભાર’

મહારાષ્ટ્રમાં યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં અત્યાર સુધીમાં મળેલા પરિણામોમાં ભાજપે અંદાજે 50 ટકા બેઠકો પર જીત મેળવી છે. 7 ઓકટોબરે 3,884 ગ્રામ પંચાયતમાં યોજાયેલી ચૂંટણીમાંથી 2,974 પંચાયતના પરિણામો જાહેર થયા છે. જેમાં ભાજપને 1,457 બેઠકો પર જીત મળી છે. કોંગ્રેસને અત્યાર સુધીમાં માત્ર 301 બેઠકો પર જીત મળી છે. 222 બેઠકો સાથે શિવસેનાએ અને 194 બેઠક પર એનસીપીએ બાજી મારી છે.

error: Content is protected !!