બુલેટ ટ્રેન તેજ ગતિની સાથે તેજ પ્રગતિ લાવશે : નરેન્દ્ર મોદી

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે સાથે હોમ સ્ટેટ ગુજરાતમાં પોતાના સ્વપ્ન સમાન હાઈસ્પીડ ‘બુલેટ ટ્રેન’ના પ્રોજેક્ટનો ગુરુવારે શિલાન્યાસ કર્યો છે.  ૧.૧૦ લાખ કરોડના આ પ્રોજેક્ટ સાકાર થયા બાદ ભારતની પ્રથમ એવી આ હાઈસ્પીડ ‘બુલેટ ટ્રેન’ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે અને સાત કલાકને બદલે ફક્ત ત્રણ કલાકમાં સફર પૂરી કરશે.

‘બુલેટ ટ્રેન તરીકે પ્રચલિત શીંકાન્સેન ટેકનોલોજી આધારિત ઝડપી અને સુરક્ષિત ટ્રેનના પ્રોજેક્ટ થકી ભારત અને જાપાન વચ્ચે સંબંધોનો નવો અધ્યાય શરૂ થયો છે તેવા ઐતિહાસિક દિવસે મારી ખુશીનો કોઇ પાર નથી’, તેમ આબેએ કહ્યું હતું. આબેની આ ભાવુકતાના પ્રતિસાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વર્ષો જૂનું સપનું સાકાર થવા જઇ રહ્યાની ઘટનાને ‘ઐતિહાસિક દિવસ’ ગણાવી બુલેટ ટ્રેનને જાપાન તરફથી ભારતને મળેલી સૌથી મોટી સોગાદ ગણાવી હતી અને સવા સો કરોડ દેશવાસીઓને તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

‘બુલેટ ટ્રેન એક એવો પ્રોજેક્ટ છે જે તેજ ગતિ, તેજ પ્રગતિ અને એની સાથે તેજ ટેકનોલોજીના માધ્યમથી તેજ પરિણામ પણ લાવશે’ તેવો વિશ્વાસ વ્યક્ત કરી પીએમ મોદી કહ્યું કે એ ‘જાપાન અને વડાપ્રધાન અબેએ સમય અને સીમાના બંધનોથી ઉપર ઊઠી એક સાચી દોસ્તી પુરવાર કરી છે. ત્યારે બન્ને રાષ્ટ્રો ભેગા મળી ‘ન્યૂ ઇન્ડિયા’ અને ‘મેઇક ઇન ઇન્ડિયા’ની કલ્પનાને પણ આવી જ રીતે ટેકનોલોજીના સમન્વયથી તેજ ગતિથી સાકાર કરશે.’ અબેએ પીએમ મોદીને એક દૂરંદેશી નેતા ગણાવી ભારત-જાપાનની દોસ્તીને મજબૂતાઇ બક્ષતા ‘જય જાપાન, જય ભારત’નું સૂત્ર વહેતું મૂક્યું હતું.

આ પ્રસંગે અબેએ એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધીની ગુજરાતની મહેમાન નવાજીને બિરદાવી કહ્યું કે, ‘થોડાક વર્ષો બાદ જ્યારે હું અહીં આવું ત્યારે બુલેટ ટ્રેનમાં બેસી ભારતનો ખુબસુરત નજારો માણતાં માણતાં નરેન્દ્ર મોદી સાથે વાતો કરતા કરતાં અહીં આવું’. આની સામે પીએમ મોદીએ પોતાની શૈલીમાં કહ્યું કે, ‘આઝાદીના ૭૦ વર્ષ પૂરાં થયા છે. સાબરમતી આશ્રમની શતાબ્દી ઉજવાઇ રહી છે ત્યારે મનમાં સ્વપ્ન છે કે જ્યારે આઝાદીના ૭૫ વર્ષ પૂરાં થાય ત્યારે અબેની સાથે બુલેટ ટ્રેનમાં સફર કરીશ. આ સપનાને ભારત અને જાપાન ભેગા મળીને તેને સાકાર કરશે.’ આ બન્ને સંવાદોને હાજર મેદનીએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.

અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન નજીક યોજાયેલા શિલાન્યાસ કાર્યક્રમમાં અબેએ એશિયા ખંડમાં ભારત અને જાપાનને એક મજબૂત રાષ્ટ્રો તરીકે ઓળખાવી કહ્યું કે, હવે બન્ને રાષ્ટ્રો સ્પેશ્યલ, સ્ટ્રેટજીક અને ગ્લોબલ પાર્ટનર બની ગયા છે. તેમણે કહ્યું કે, ‘જાપાનનો ‘જ’ અને ઇન્ડિયાનો ‘આઇ’ મળે એટલે હિન્દીમાં ઉચ્ચાર ‘જય’ થાય છે. આમ, ‘જય ઇન્ડિયા, જય જાપાન’ એને સાકાર કરવા વડાપ્રધાન મોદી અને હું મળીને પ્રયાસ કરીશું’. અબેએ પોતાની ભાષામાં કરેલા સંબોધનનું હિન્દી તરજુમો રજૂ કરાયો હતો.

નેચરલ એલાયન્સ ધરાવતા બન્ને રાષ્ટ્રો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે તેમણે દસ વર્ષ અગાઉ ભારતની સંસદના સંબોધનમાં કરેલા ઉલ્લેખને તેમણે ટાંક્યો હતો. તેમણે કહ્યું કે, ‘એશિયા ખંડમાં જાપાન મજબૂત હશે તો ભારત મજબૂત થશે. ભારત મજબૂત હશે તો જાપાન મજબૂત બનશે. આમ થશે તો બન્ને રાષ્ટ્રો ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી શકશે. અને આજે હાઇસ્પિડ રેલ પ્રોજેક્ટ એ ઉજ્જવળ ભવિષ્ય તરફનો જ એક ઇશારો છે.

બીજા વિશ્વયુદ્ધ પછી જાપાન બેઠુ થયું તેમા બુલેટ ટ્રેનનો ફાળો મહત્વનો 

બીજા વિશ્વ યુદ્ધ પછી ખતમ થઇ ગયેલા જાપાન આજે વિશ્વના વિકસિત દેશોમાં ગણના પામ્યુ તેનો મોટો શ્રેય ૧૯૬૪માં શરૂ થયેલી હાઇસ્પિડ રેલ સેવાને જાય છે. તેની વિગતો આપી અબેએ કહ્યું કે, ‘મારા પ્રિય મિત્ર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વૈશ્વિક અને દૂરંદેશી વ્યક્તિત્વ છે. બે વર્ષ પહેલા એમણે હાઇસ્પિડ રેલ લાવવાનો અને ‘ન્યૂ ઇન્ડિયા’ના નિર્માણનો નિર્ણય કર્યો હતો. તેના માટે એમણે જાપાનની શીંકાન્સેન ટેકનોલોજી પર પસંદગી ઉતારી ત્યારે જ મેં, મારી સરકાર અને જાપાનીઝ કંપનીઓએ તેને પૂરેપૂરું સમર્થન આપવાની ખાતરી આપી હતી.’

આ ખાતરીના પાલનરૂપ જાપાનથી એકસો જેટલા એન્જિનિયર્સ ભારત આવી ચૂક્યા છે. અને ભારતના કૌશલ્યને તાલીમબદ્ધ કરી રહ્યા છે. જાપાનની કંપની કાવાસાકી હેવી ઇન્ડસ્ટ્રીઝ અને બીએચએલ હાઇસ્પિડ રેલના રોલિંગ સ્ટોકના ઉત્પાદન માટે સહયોગ કરી રહી છે. શીંકાન્સેન બુલેટ ટ્રેન સાબરમતીથી સમગ્ર ભારતમાં ફેલાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

શીંકાન્સેસ બુલટે ટ્રેનની સૌથી સુરક્ષિત ટેકનોલોજી

શીંકાન્સેન એ વિશ્વની સૌથી સુરક્ષિત રેલ ટેકનોલોજી હોવાનો ભરોસો ઉચ્ચારતા અબેએ ભારતીય રેલવેની સલામત સફર માટે ટેકનોલોજી આપવા ઉપરાંત તેમના રેલ સુરક્ષા અધિકારીઓને ત્રણ વખત આ વર્ષે ભારત મોકલ્યા હોવાનું જણાવ્યું હતું. જાપાનીઝ વડાપ્રધાને ન્યુ ઇન્ડિયા અને મેઇડ ઇન ઇન્ડિયાના વિઝનને સાકાર કરવા ટેકનોલોજી સહિતનો સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારી હતી. ગુજરાતના વિકાસમાં જાપાનના સંપૂર્ણ સહકારનું તેમણે વચન આપ્યું હતું.

શિન્ઝો અબેએ નસ્મકારથી સંબોધનની શરૂઆત કરી

અબેએ નસ્કારથી સંબોધનની શરૂઆત કરી હતી અને ધન્યવાદથી તેનું સમાપન કર્યું હતું. છ મિનિટ જેટલુ ટૂંકુ પણ અસરકારક સંબોધન કરી આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય મુદ્દાઓ પર જાપાનની ભૂમિકા અને ભારત, પીએમ મોદી સાથેના ગાઢ સંબંધોનો પરિચય આપ્યો હતો. તેમણે ન્યુ ઇન્ડિયાને સાકાર કરવા જાપાન પૂરેપૂરું સમર્થન આપશે તેમજ ગુજરાતના વિકાસમાં સંપૂર્ણ સમર્થનનો મિત્રતાનો ભરોસો આપ્યો હતો.

error: Content is protected !!